GTUની સ્ટાર્ટઅપ નીતિને 6 મહિનામાં રાષ્ટ્રીય ફલક પર લઈ જવાની AICTEની જાહેરાત
બેંગ્લોર, પુણે, મુંબઈ, દિલ્હી જેવા શહેરોમાં તો છેલ્લા કેટલાંયે સમયથી સ્ટાર્ટઅપ કલ્ચરનું ખાસ્સું પ્રમાણ જોવા મળે છે. જ્યારે કે ગુજરાતની વાત કરીએ તો, અહીં પણ હવે સ્ટાર્ટઅપ કલ્ચર વેગ પકડી રહ્યું છે. વધુ ને વધુ યુવાનો પોતાના વિચારોને વાસ્તવિક સ્વરૂપ આપી રહ્યાં છે. તેવામાં ગુજરાત ટેકનોલોજીકલ યુનીવર્સીટી (GTU) કોલેજના વિદ્યાર્થીઓ પોતાના સ્વપ્નોને સાકાર કરી શકે તે માટે સ્ટાર્ટઅપ નીતિ ઘડી છે. એન્જીનિયરીંગ કોલેજીસના વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસલક્ષી પ્રોજેક્ટ્સની સ્ટાર્ટઅપમાં રૂપાંતર કરી શકે તે હેતુથી GTU ખાસ કામગીરી બજાવે છે. અને તેમાં પણ ખુશીની વાત એ છે કે GTUની સ્ટાર્ટઅપ નીતિને રાષ્ટ્રીય સ્તરે અમલમાં મૂકવામાં આવશે. અને આ જાહેરાત ખુદ ઑલ ઈન્ડિયા કાઉન્સલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE)ના અધ્યક્ષ પ્રો.અનિલ સહસ્રબુદ્ધેએ કરી છે.
વિદ્યાર્થીઓ ૨૨-૨૩ વર્ષની ઉંમરે જ કોલેજમાં ભણવાની સાથે સાથે ઉદ્યોગસાહસિકતાનો ગુણ વિકસાવીને કારકિર્દીનું લક્ષ્ય હાંસલ કરી શકે, સાથે જ નવી ટેકનોલોજી કે બિઝનેસ વિકસાવે એવો પ્રયાસ દેશભરની યુનિવર્સિટીઓમાં હાલ ચાલી રહ્યો છે. તેવામાં થોડા સમય પહેલા પ્રો.અનિલ સહસ્રબુદ્ધેએ GTUની મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓને પણ સંબોધ્યા હતા અને સાથે જ જાહેરાત કરી હતી કે આગામી ૬ મહિનામાં GTUની સ્ટાર્ટઅપ નીતિને રાષ્ટ્રીય ફલક પર લઇ જવાશે.
આ અંગે GTUના વાઈસ ચાન્સેલર ડો.અક્ષય અગ્રવાલનું કહેવું છે, “GTU ગુજરાત સરકારના સહયોગથી રાજ્યના મોટા શહેરોમાં ‘સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ સપોર્ટ સિસ્ટમ’ એસ-૪ના સેન્ટરો વિકસાવશે.” વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપને સાકાર કરવામાં સરકાર, યુનિવર્સિટીઓ તથા નાણાકીય સંસ્થાઓની ભૂમિકા વિશે જીટીયુ તરફથી નીતિવિષયક દસ્તાવેજ તૈયાર કરવામાં આવ્યો છે. જેને દેશની સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઈકો સિસ્ટમ ઘડવામાં મદદરૂપ થઈ શકે તે હેતુસર સરકારી વિભાગોને સુપરત કરવામાં આવશે. આ નીતિને ઉદ્યોગપતિઓ, ટેકનોલોજી બિઝનેસ ઈન્કયુબેટરના સીઈઓ, નીતિ ઘડનારાઓ તેમજ કેળવણીકારોનો ટેકો સાંપડી રહ્યો છે.