શાકભાજી વેચવાથી ટોચના કૅન્સર એક્સપર્ટ સુધીની ડૉ. વિજયાલક્ષ્મી દેશમાનેના જીવનની સફર
વિવિધ પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સમ્માનિત ડૉ. વિજયાલક્ષ્મી દેશમાને, હાલમાં જ બેન્ગલુરુનાં પ્રતિષ્ઠિત કિડવઈ હૉસ્પિટલમાંથી, ડાયરેક્ટર તથા ઑન્કોલૉજીનાં હૅડ ઑફ ધ ડિપાર્ટમૅન્ટનાં પદ પરથી સેવાનિવૃત્ત થયાં છે.
“હું એક એવી પછાત જાતિમાંથી આવું છું, જેના વિશે એવું માનવામાં આવે છે કે તે નવાં નહીં નહીં, પણ જુના પગરખાં સાંધવાનું કામ કરે છે. મારા પિતા આઝાદીની ચળવળથી ઘણાં પ્રભાવિત હતાં અને તેઓ સૌનું સશક્તિકરણ થવું જોઈએ એવું માનતાં હતાં. જોકે તેઓ ઔપચારિક રીતે શિક્ષિત નહોતાં, છતાં તેઓ અમારી જાતિનાં વ્યવસાયિક બંધનને તોડીને, આપમેળે જ બધું શીખ્યાં."
ડૉ. દેશમાને, ગુલબર્ગની ઝૂંપડપટીમાં જન્મીને મોટા થયાં. તેઓ ગુજરાન ચલાવવા માટે શાક વેચતાં હતાં. તેઓ અવિવાહિત રહ્યાં, માત્ર પોતાના ભણતર પર જ ધ્યાન આપ્યું અને સમય જતાં ભારતનાં પ્રતિષ્ઠિત ઑન્કોલૉજીસ્ટ બન્યાં, તથા કર્ણાટકની કેન્સર સોસાયટીનાં વાઈસ પ્રેસિડૅન્ટ પણ બન્યાં. વિવિધ પ્રતિષ્ઠિત પુરસ્કારથી સમ્માનિત ડૉ. વિજયાલક્ષ્મી દેશમાને, હાલમાં જ બેન્ગલુરુનાં પ્રતિષ્ઠિત કિડવઈ હૉસ્પિટલમાંથી, ડાયરેક્ટર તથા ઑન્કોલૉજીનાં હૅડ ઑફ ધ ડિપાર્ટમૅન્ટનાં પદ પરથી સેવાનિવૃત્ત થયાં છે.
ટાઈમ્સ ઑફ ઈન્ડિયા અનુસાર, ડૉ. વિજયાલક્ષ્મી યાદ કરે છે, “તે જમાનામાં માત્ર છોકરાઓને જ સ્કૂલમાં મોકલવામાં આવતાં હતાં, પણ મારા પિતાજીએ આગ્રહ રાખ્યો કે હું અને મારી બહેનો ક્લાસમાં હાજરી આપીએ. ગુલબર્ગ જેવાં પછાત વિસ્તારના એક દલિત પરિવાર માટે, આ માનવામાં ન આવે એવું હતું. અમારી પાસે જીવનમાં કંઈક સારું કરી બતાવવાનાં માત્ર સપના જ હતાં."
શિક્ષણ તેમના માટે અત્યંત મુશ્કેલ તથા મોંઘું હતું. તેમની માતા, જેમને તેઓ શાક વેચવામાં મદદ કરતાં હતાં તેમણે, ડૉ.વિજયાલક્ષ્મીના ભણતર માટે પોતાનું એકમાત્ર ઘરેણું, તેમનું મંગલસૂત્ર વેચી દીધું. એક મહેનતુ વિદ્યાર્થીની, તેમણે વર્ષ 1980માં હુબલીનાં કર્ણાટક મૅડિકલ કૉલેજમાંથી એમ.બી.બી.એસનો અભ્યાસ પૂર્ણ કર્યો. ત્યાર બાદ તેમણે વર્ષ 1983માં, બેલ્લરીથી એમ.એસનો અભ્યાસ પૂર્ણ કર્યો અને બ્રૅસ્ટ કેન્સરની સારવારમાં વિશિષ્ટતા કેળવી.
‘નો યૉર સ્ટાર’ અનુસાર, ડૉ. વિજયાલક્ષ્મી આ વર્ષે સેવાનિવૃત્ત થયાં છે. પણ તેમનું કાર્ય હજી પૂર્ણ થયું નથી. ગામમાં, તેઓ ઘણી સામાજીક ઝૂંબેશ, જાગૃતિ લાવનારા કૅમ્પ્સ, રિસર્ચ કાર્ય, અને શિક્ષણ પ્રોગ્રામમાં સામેલ રહ્યાં છે. તેમનો વિચાર છે કે, તેઓ મહિનાનાં 15 દિવસ આવી પ્રવૃત્તિઓ માટે સમર્પિત કરશે અને બાકીના દિવસો સારવાર તથા કાઉન્સેલિંગની જરૂર હોય તેવા લોકોને મફત સેવા આપવામાં વિતાવશે.