ઘર બેઠાં જ મેળવો તમામ પ્રાંત-દેશની વાનગીઓની સિક્રેટ રેસીપી 'BetterButter' પર
નવી દિલ્હી ખાતે આવેલું 'BetterButter' તમામ પ્રકારની રેસિપી માટેનું સોશિયલ પ્લેટફોર્મ છે. આ સ્ટાર્ટઅપ પોતાના યૂઝર્સને તેમની રેસિપી શેર કરવાનું કહે છે, પછી ભલે તે તેમના ઘરની પારંપરિક રેસિપી હોય કે, તેમણે જાતે બનાવેલી હોય કે પછી ભારતના કોઈપણ ઘરમાં બનતી જોઈ હોય કે પછી સેલિબ્રિટી શેફની હોય. આ સ્ટાર્ટઅપની સ્થાપના સુખમાની બેદી (કેમ્બ્રિજ, આઈએનએસઈએડી) અને નિયાઝ લિયાક (એસઓએએસ)એ કરી છે.
તાજેતરમાં જ તેમણે દિલ્હી સ્થિત ગ્રોએક વેન્ચર્સ સાથે મળીને તથા ટોકિયો સ્થિત એમ એન્ડ એસ પાર્ટનર્સ, રાજેશ શોહની(જીએસએફ એક્સેલરેટરના સ્થાપક), મનિષ સિંઘલ (લેટ્સ વન્ચરના પૂર્વ સીઈઓ) અને સાન ફ્રાન્સિસ્કો સ્થિત પી-39 કેપિટલની ભાગીદારી દ્વારા સીડ ફંડિંગ ભેગું કર્યું.
કંઈક આવી છે કહાની!
માર્કેટ પર સંશોધન કર્યા બાદ સુખમાની અને નિયાઝ એક તારણ પર આવ્યા કે ફૂડ એન્ડ બેવરેજીસ (એફ એન્ડ બી) બીજા નંબરની કેટેગરીમાં આવે છે જે અંગે ભારતીય મહિલાઓ શોધ કર્યા કરતી હોય છે. ખાસ કરીને વિવિધ રેસિપીઝ અને ટોપિંગ્સ માટે વધારે શોધ થતી હોય છે. તેમને એ પણ જોવા મળ્યું કે, ભારત દુનિયાનો સૌથી મોટો ગ્રાહકવર્ગ ધરાવતો દેશ છે જે યૂટ્યુબ પર રેસિપીના કન્ટેન્ટ શોધતો હોય છે. સુખમાની અને નિયાઝને ખ્યાલ આવી ગયો કે આજદિન સુધી રેસીપીનું ક્ષેત્ર એવું છે જેના માટે વિવિધ બ્લોગ્સ, ફેસબૂક, યૂટ્યુબની ચેનલ અને મિત્રો પાસે શોધખોળથી જ રહેતી હોય છે. બેટરબટરે તેનો અંત લાવીને ભારતમાં રેસીપી માટેનું એક સંયુક્ત કેન્દ્ર બનવાનું નક્કી કર્યું.
11 સભ્યોની ટીમની મદદથી આ સાહસ શરૂ કરવામાં આવ્યું જેમાં, પાંચ લોકો રેસિપીમાં થતાં સતત સુધારા પર ધ્યાન આપે છે જ્યારે બાકીના વેબ ડેવલપિંગ, સેલ્સ અને માર્કેટિંગ પર ધ્યાન કેન્દ્રીત કરે છે. સુખમાની પાસે આઈએમએફ, ડેલોઈટ અને ફિલિપ્સનો અનુભવ હતો જ્યાં તે કિચન એપ્લાયન્સિસના માર્કેટિંગનું કામ કરતી હતી. નિયાઝ વિસીમાંથી આવ્યો હતો જે પ્રાઈવેટ ઈક્વિટી ઈન્ડસ્ટ્રી હતી અને તેણે હર્મ્સ પીઈ સાથે લંડન, સિંગાપુર તથા લોક કેપિટલ દિલ્હી ખાતે કામ કર્યું હતું. સ્થાપકો જણાવે છે કે, ભારતીય ઘરોમાં ભોજન બનાવવું કેન્દ્ર સ્થાને હોય છે, ખરેખર તો ભારતીયો તેમનો મોટાભાગનો સમય અન્ય દેશોના ફૂડ સાથે પોતાની સરખામણી કરવામાં જ પસાર કરે છે. અમારો ધ્યેય 'બેટરબટર'ને ભારતના દરેક ઘરમાં બનતા ભોજનના પર્યાય જેવો બનાવવાનો હતો.
આ સાઈટ પર 75 ટકા સાહિત્ય, યૂઝર્સ દ્વારા આપવામાં આવેલું તથા 25 ટકા સાહિત્ય સેલિબ્રિટી શેફ અને ફૂડ બ્લોગર્સ દ્વારા મૂકવામાં આવેલું છે. 'બેટરબટર' તેને સારી રીતે સંયોજિત કરીને લોકો સમક્ષ મૂકે છે. દુનિયાના અન્ય દેશોમાં ચાલતી પ્રથાની સરખામણીએ આના સ્થાપકો ભારતીય પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખીને વિવિધ ક્વિઝિન્સ એકસાથે પૂરા પાડે છે જે ફાયદાકારક છે.
'બેટરબટર'ની માર્કેટિંગ સ્ટ્રેટેજી મોટાભાગે ઑનલાઈન બિઝનેસની છે અને તે ઑનલાઈન ચેનલ દ્વારા સાહિત્ય, પ્રમોશન અને અન્ય સામગ્રી આપતું હોય છે. તેઓ ભારતમાં કિચનએઈડ, ફુજિહોરો અને વન્ડરશેફ જેવી કિચન બ્રાન્ડના માધ્યમથી રેસિપી કોન્ટેસ્ટનું પણ આયોજન કરતા હોય છે. તાજેતરમાં તેમણે યોજેલી એક કોન્ટેસ્ટમાં ભારતભરમાંથી 300 જેટલી એન્ટ્રી આવી હતી. વર્તમાન સમયમાં તેઓ મજબૂત થવા અને પોતાની સેવામાં સુધારો કરવા પ્રયાસ કરી રહ્યા છે જેથી તેઓ હાલમાં અન્ય કોઈ બાબતોને પ્રાધાન્ય આપતા નથી. ભવિષ્યમાં તેઓ સ્થિતિ જોઈને તેમના આયોજનોને કાર્યાન્વિત કરશે.
ક્ષેત્ર પર એક નજર
વર્તમાન સમયમાં વિશ્વમાં રેસિપીની ડિમાન્ડ સૌથી વધુ જોવા મળી રહી છે. અમેરિકા અને જાપાન જેવા માર્કેટમાં રેસિપી શોધવા માટેના વિકસિત પ્લેટફોર્મ છે. વિશ્વમાં રેસિપી શેરિંગનું સૌથી મોટું પ્લેટફોર્મ છે જાપાનનું 'કૂકપેડ ડોટ કોમ' જેની વેલ્યુ 2 અબજ ડોલરની છે. આ વર્ષે જૂન મહિનામાં તેમણે કકુમ્બરટાઉનને ખરીદી લીધું. તે ઉપરાંત આ ક્ષેત્રના બીજા મોટા ખેલાડીઓની વાત કરીએ તો, શિશુફેંગે સિરીઝ બી રાઉન્ડમાં નવેમ્બર 2015માં 30 મિલિયન ડોલર ભેગા કર્યા, જેમાં તેના મોબાઈલ એપમાં 75 મિલિયન ડાઉનલોડ થયા અને સી ફંડિગમાં પણ 25 મિલિયન ડોલર ભેગા કર્યા. એમેરિકામાં યમલી દ્વારા 15 મિલિયન ડોલર ભેગા કરાયા હતા જ્યારે બીજી તરફ ઈવનોટ ફૂડ બંધ થઈ ગયું હતું. ભારતમાં રીઆફી ટેક્નોલોજીનું 'કૂકબૂક' (યોરસ્ટોરી મોબાઈલસ્પાર્ક્સ 2015નું સ્ટાર્ટઅપ) તાજેતરમાં ભારતમાં સૌથી મોટું રેસિપી શેરિંગ પ્લેટફોર્મ છે જેના મોબાઈલ પર 10 મિલિયન ડાઉનલોડ છે.
'બેટરબટર'માં રોકાણ અને અન્ય કામગીરી બાબતે ગ્રો એક્સ વેન્ચર્સના મેનેજિંગ ડાયરેક્ટર આશિષ તનેજા જણાવે છે, "ભારતીયો ઈન્ટરનેટ પર રેસિપી શોધવાના ખૂબ જ મહત્ત્વના ગ્રાહકો છે અને અમે માનીએ છીએ કે દરરોજ કિચનમાં નવા પ્રકારની ફૂડ આઈટમ આપવી તે મહેનતનું અને આવડતનું કામ છે. તેમાંય ભારતમાં લાખો લોકોને તે સેવા આપવી અને યૂઝર્સને સતત તમારી સાથે જોડી રાખવા તે મોટું કામ છે.
ભાવિ આયોજનો
'બેટરબટર' અત્યારે માત્ર વેબ પર જ ઉપલબ્ધ છે અને તેઓ વધતી માગ અને સ્માર્ટફોનના જમાનાને પહોંચી વળવા મોબાઈલ એપ બનાવવા વચારી રહ્યા છે. તેઓ એડવાન્સ સર્ચ, ન્યૂટ્રિશનલ ઈન્ફોર્મેનશ કેલક્યુલેટર, વધુ સારા અને ખાનગી સૂચનો, ઈનગ્રેડિયન્ટ્સ ઇનપુટર કે જેમાં યૂઝર્સ પોતે જ ઈનગ્રેડિયન્ટ નક્કી કરશે અને તેના આધારે પોતના કિચનની આવશ્યકતાઓ તથા ઉપલબ્ધતા દ્વારા ટેસ્ટ પ્રમાણે રેસિપી પસંદ કરી શકશે.
આ માર્કેટ ખૂબ જ મોટું છે છતાં 'બેટરબટર' માને છે કે રેસિપી શોધનારા લોકોના પ્રવાહને આ તરફ વાળી શકાય છે. તેમણે આ સેવા લોન્ચ કરી ત્યારથી તેમના વેબસાઈટ પર અનેક રેસિપી આવી રહી છે અને લોકો દ્વારા સારો પ્રતિભાવ પણ મળી રહ્યો છે. તેમનું એક જ લક્ષ્ય છે કે દરરોજ નવી રેસિપી શોધતી ભારતીય નારીઓને દુનિયાની તમામ પ્રકારની રેસિપી પૂરી પાડતું એકમાત્ર ડોમેઈન બનવું.
લેખક- હર્ષિત માલ્યા
અનુવાદક- રવિ ઈલા ભટ્ટ