બિહારના પરિણામોનો સાર: લોકો ભયમાં હશે ત્યાં સુધી વિકાસ અશક્ય
બિહાર ચૂંટણીના પરિણામો બાબતે સમગ્ર દેશ ચિંતામાં હતો. લોકો સતત ઉન્માદમાં હતા. આ ચૂંટણી એવા સમયે યોજાઈ હતી જ્યારે ભારત કપરાં કાળમાંથી પસાર થઈ રહ્યો હોવાની ચર્ચા આખા દેશમાં ચાલતી હતી. સ્વંતંત્ર, આધુનિક, મુક્ત, બિનસાંપ્રદાયિક અને વિશાળ ભારત દેશની સંસ્કૃતિ ખતરામાં આવી ગઈ હતી. ભારત એક મુક્ત સમાજ હોવાની પોતાની છાપ ગુમાવી રહ્યો હતો અને સ્વતંત્ર સમાજનું સ્થાન જૂનવાણી, રૂઢિચુસ્ત અને અજ્ઞાનવાદી તાકતો લઈ રહી છે. ભારતીય સમાજ પર આ હુમલો ઘાતક હતો. આ બાબત ખરેખર ગંભીર છે. ભારતમાં પહેલી વખત કોઈ વ્યક્તિની હત્યા કરવામાં આવી અને તે પણ તેની ખાવા-પીવાની આદતના કારણે અથવા તો એમ કહીએ કે કોઈની બીજાની ખાવા-પીવાની આદત નહોતી ગમતી એટલા માટે હત્યા કરી.
લોકશાહી દેશ તરીકે ભારતમાં ઘણા પ્રશ્નો છે પણ ભારત એક રાષ્ટ્ર તરીકે પોતાના મિજાજમાં બિનસાંપ્રદાયિક છે અને વિવિધતામાં એકતા તેનો મૂળમંત્ર છે. અનેકાવાદ તેની આગવી છાપ છે. ભારત ક્યારેય કોમી બાબતોમાં ગંભીર થયું નથી અને તેણે ક્યારેય સાંપ્રદાયિક લોકો સાથે પોતાની પરંપરાઓ બાબતે બાંધછોડ કરી નથી. છેલ્લાં કેટલાક મહિનાથી લાગી રહ્યું છે કે, ભારત મૂક દર્શક બનીને સાંપ્રદાયિક તાકતો સામે ઉભો રહ્યો છે જે ભારતને મધ્યયુગમાં પાછો લઈ જશે. ભારત હંમેશા તેની સહિષ્ણુતા માટે જાણીતો રહ્યો છે. દુનિયાની સૌથી મોટી વિવિધતા ધરાવતો દેશ હોવા છતાં તેણે લોકશાહી આપનાવી અને અમલી બનાવી તે તેની સૌથી મોટી સફળતા છે. આવા સંજોગોમાં લઘુમતીઓને બીજા વર્ગના નાગરીકો બનાવવા તે જોખમી છે.
બિહારની ચૂંટણીએ આ બાબતે સચોટ જવાબ આપ્યો છે. તેનું પરિણામ ખૂબ જ સ્પષ્ટ છે. તે સ્પષ્ટ રીતે જણાવે છે કે, લોકો ક્યારેય તેના મૂળમાં રહેલી ધર્મનિરપેક્ષતાના પાયાને હચમચવા નહીં દે. ભારત આધુનિક લોકશાહી ધરાવતો મુક્ત સમાજ છે અને તે આવી રીતે જ રહેવા માગે છે. 21મી સદીમાં અજ્ઞાનવાદને કોઈ સ્થાન નથી. આ વાતનું ઉદાહરણ છે નીતીશ-લાલુનો વિજય. તેમનો જ્વલંત વિજય. તેમનો સામાજિક પાયો, માળખું અને સ્વભાવ ભારતની માનવજાતને અપાયેલી અમૂલ્ય ભેટ એટલે કે મુક્ત સમાજના છે. આ લોકોએ ભારતીય સમાજને ભારતના બંધારણના આધારે નવજીવન આપ્યું છે. ઘણી સદીઓથી આ સમાજને લોકોએ સમાન માન્યો નહોતો અને માત્ર ઈવીએમના બટન દબાવીને તેમણે સમાજની શક્તિશાળી તાકાત સાથે સમાનતા મેળવી છે. અહીંયા દલિતો અને પછાતોની સંખ્યા વધારે છે પણ તેમને ક્યારેય સવર્ણોએ ઉપર આવવા જ નથી દીધા. બિહારની ચૂંટણી એટલે સામાજિક સમાનતાનો ઉત્સવ, ખાસ કરીને સમાજના નવા ચહેરા તરીકે મુખ્યધારા સાથે જોડાઈને સમાજને ચલાવવાનો ઉત્સવ.
લાલુની સામે કોઈ જુએ તો તેને હસવું આવી જાય. તે ખરેખર વિદુષક છે પણ તેના આ ચહેરાની પાછળ પરિવર્તનનો એક વિશાળ પ્રવાહ છે જેણે પીડીતોને અવાજ આપ્યો. મંડલ કમિશનના અહેવાલ બાદ તેણે વર્ષોથી વિખરાયેલા અને દબાયેલા રહેતા પછાતોને એક કર્યા. આપણા જેવા ઉચ્ચવર્ગના લોકો કે જે તેમના પ્રત્યે ધૃણા અને પૂર્વગ્રહો ધરાવતા હોવાથી ક્યારેય સાશ્વત સત્યને જાણી શક્યા નહોતા. પછાતો અને વંચિતોને મુખ્ય ધારા સાથે જોડ્યા વગર ભારતીય લોકશાહી અધુરી હતી. લાલુએ તેમાં મુખ્ય ભાગ ભજવ્યો છે. તેની એક જ સમસ્યા હતી કે લાલુ આર્ષદ્રષ્ટા નહોતા અને તેના કારણે આ લોકોને આર્થિક રીતે શક્તિશાળી થવાના સ્વપ્ન ન બતાવી શક્યા. તેમણે ક્યારેય સારી સરકાર લાવવા પર ધ્યાન નહોતું આપ્યું. તેઓ ખુશ હશે કે તેમણે ક્રાંતિકારી અને આધુનિક વિચારો ધરાવતા લોકોને પછાડ્યા જે સમાજના વાસ્તવિક ચહેરાને સ્વીકારવા કે બદલવા તૈયાર નહોતા. એવું બની શકે કે ઈતિહાસે આ કાર્ય પૂર્ણ કરવા માટે નીતીશકુમારની પસંદગી કરી હોય.
નીતીશે નવું માળખું અમલમાં મૂક્યું. તેમને અનુભવ થયો કે પછાતો અને વંચિતોને આર્થિક તાકાત આપવાની સાથે સાથે એકજૂથ કરવા પડશે. તેમણે એવી યોજનાઓ અમલમાં મૂકી જે આ વર્ગને સીધો જ ફાયદો પહોંચાડે. તે ખૂબ જ નવાઈની વાત છે કે 9 વર્ષ સુધી મુખ્યમંત્રી તરીકે રહેવા છતાં તેમને વ્યક્તિગત રીતે કે સરકારી રીતે કોઈ એન્ટિ ઈનક્મબન્સીનો સામનો કરવાનો નથી આવ્યો. તેઓ મહાગઠબંધનનો ચહેરો હતા. લાલુની ઉપસ્થિતિ અને તેના જંગલરાજના બેકગ્રાઉન્ડના કારણે બિહારના લોકોએ નીતીશની ક્ષમતામાં વિશ્વાસ કર્યો અને તેને સાથ આપ્યો. બીજી તરફ ભાજપ પાસે કોઈ ચહેરો નહોતો. તેમને માત્ર એક જ વાતની ચિંતા હતી કે, તેઓ વિકાસના મુદ્દા પર રહીને કોમી બાબતોને પ્રોત્સાહન આપે. નરેન્દ્ર મોદી ભાજપના મોરચાના વડા હતા પણ વડાપ્રધાન તરીકેની તેમની કામગીરીથી તેમના પક્ષને કોઈ બળ મળ્યું નહોતું કે તેઓ નીતીશ કરતા સારી સરકાર લાવવાનો લોકોને વાયદો કરી શકે.
બિહારના લોકો ગરીબ છે અને ખાસ ભણેલા નથી, તેમ છતાં આ ધરતીએ હંમેશા ક્રાંતિકારી જ બાબતો આપી છે. તે બિહાર જ હતું જેણે 70ના દાયકામાં ઈન્દિરા ગાંધીની સરમુખત્યારશાહીને પડકારી હતી. આ એ જ જગ્યા છે જ્યાં લાલકૃષ્ણ અડવાણીનો કોમી રથ અટકાવવામાં આવ્યો હતો અને અહીં છેલ્લાં 30 વર્ષમાં કોઈ કોમી રમખાણો કે તંગદીલી જોવા મળી નથી. હવે તેણે ફરી એક વખત સિદ્ધ કરી બતાવ્યું છે કે, ભારતે દુનિયામાં સુપર પાવર તરીકે આગળ આવવું હશે તો વિવિધતામાં એકતાને માન આપવું પડશે અને દેશના ધર્મનિરપેક્ષ વિચારોને પ્રોત્સાહન આપવું પશે. નાગરીકો જ્યારે ભય હેઠળ જીવતા હોય ત્યારે આર્થિક વિકાસ શક્ય જ નથી. બિહાર ચૂંટણીનો આ જ મુખ્ય સંદેશ હતો. બિહારની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે પણ આશા રાખીએ કે, હવે જેમના હાથમાં દેશની કમાન છે તે લોકો સાથે મળીને અને નાગરિકોની ઈચ્છાને જાણીને વિધિવત કામ કરશે.
નોંધ- ઉપરોક્ત તમામ વિચારો લેખકના વ્યક્તિગત છે. YourStory આ વિચારોને પ્રમાણિત નથી કરતું. મૂળ હિન્દી લેખનો અહીં ગુજરાતી ભાવાનુવાદ રજૂ કરાયો છે.