હટીને જીવો, હસીને જીવો તો તમારા ૩૬૫ દિવસ 'વિમેન્સ ડે' જ છે!
તમામ ક્ષેત્રમાં, તમામ ધંધામાં સ્ત્રીઓએ પલાંઠીયો લગાવી દીધો છે, અને પુરૂષ કરતાં પોતે વધુ સફળ સાબિત થઇ ચૂકી છે!
કાઠીયાવાડનો પ્રસિદ્ધ દુહો છે કે,
"નારીને નવ નીંદીયે, નારી રતનની ખાણ,
નારી થકી નર નીપજ્યા, ધ્રુવ-પ્રહલાદ સમાન!"
આખી દુનિયાને જ્યારે 'વિમેન્સ ડે'ના 'વ'ની ખબર નહોતી પડતી ત્યારે નારી સન્માનની આ ઉચ્ચ લાગણીઓની માવજત ગુજરાતે કરી છે. કાનભાઈ બારોટનો પ્રસિદ્ધ છંદ 'અમ દેશની આ આર્યરમણી અમર છે ઈતિહાસમાં..!' ગાયા વગર આજે પણ કાઠીયાવાડનો એક પણ ડાયરો વિરામ નથી પામતો. "આ બાયું અબળા છે ને નબળી છે ને બાયુંએ આગળ આવવાની જરૂર છે." આ ઓઘો કોણ સળગાવી ગયું? હું તો કેદુનો ઈ ભાઈ કે બેનને જ ગોતું છું.
જગતની દરેક સ્ત્રીએ એ યાદ રાખવું જોઈએ કે માતા એ માતા નથી પરંતુ નિર્માતા છે. હળવા મૂડમાં હું કાયમ કહું છું કે સ્ત્રી જો શક્તિ હોય તો પુરૂષ સહનશક્તિ છે. સ્ત્રી જો કવિતા હોય તો પુરૂષ પાઠ છે અને બાળકો એનું વ્યાકરણ.
પુરૂષ મગજથી જીવે છે જ્યારે સ્ત્રી હૃદયથી જીવે છે. પુરૂષ ગણિત છે જ્યારે સ્ત્રી એ સંગીત છે. ચાર કરોડનો બંગલો પુરૂષ બનાવે છે. પાણિયારું બનાવે છે પુરૂષ પરંતુ એમાં પાણી ભરવાની વાત આવે ત્યાંથી સ્ત્રીનું કાર્ય શરૂ થાય છે.
સ્ત્રીને જે લોકો નબળી સમજે છે કે કહે છે ખરેખર તો એ લોકો જ નબળા છે. અરે ભાઈ! એક સ્ત્રી તમામ દાઢીયુંને ઓવરટેક કરી ગુજરાતની મુખ્યમંત્રી બની શકે છે. એક ગુજરાતણ સ્ત્રી આકાશમાં સૌથી વધુ સ્પેસ વોકનો રેકોર્ડ સર્જી શકે છે. અને તમે આને હજી અબળા ગણો છો? તો વેલ, તમારે તાત્કાલિક કોઈ મગજના બહુ મોટા ડૉક્ટરને બતાવવું જોઈએ.
એક સમય હતો કે સ્ત્રી ચાર દીવાલની બહાર જ ન નીકળતી. અને એક સમય હવે એવો આવ્યો છે કે સ્ત્રી ચંદ્ર પર આંટા દઈ આવે છે.
સ્ત્રીઓ બહુ ભાગ્યશાળી છે કે તે જીન્સ-ટીશર્ટ પહેરી પુરૂષ જેવો પહેરવેશ ધારણ કરી શકે છે. અને આ મરદ મૂંછાળા ભાયડા કોઈ દી ઘાઘરી-પોલકું પહેરીને માર્કેટમાં રખડી નથી શકતા. લેડીઝ લોકો વાળ કપાવીને બોયકટ કરાવી લે તો ફેશનેબલ ગણાય અને આપણે એની જેમ ચોટલા લઈએ તો લોકોને બીજી શંકાઓ જાવા લાગે...! કેવી વિચિત્રતા છે!
તમામ ક્ષેત્રમાં, તમામ ધંધામાં સ્ત્રીઓએ પલાંઠીયો લગાવી દીધો છે, અને પુરૂષ કરતાં પોતે વધુ સફળ સાબિત થઇ ચૂકી છે. એક્ચ્યુઅલી તો સમસ્ત માનવજાતનો સ્ત્રી વગર ઉદ્ધાર નથી. બ્રહ્મા-વિષ્ણુ અને મહેશ જેવા આદિ દેવને પણ વિદ્યા માટે સરસ્વતી, રૂપિયા માટે લક્ષ્મી અને શક્તિ માટે દુર્ગાને પૂજવી પડતી હોય તો ભઈલા... આપણે કઈ વાડીના મૂળા?
મારા મતે આજના જમાનામાં જેને સુખી થાતા નથી આવડતું એ જ સ્ત્રી દુઃખી છે.
વેલ, માય પોઈન્ટ ઈઝ ધેટ, સ્ત્રીઓએ પોતાના શરીર અને સુંદરતાના કુંડાળામાંથી બહાર નીકળવું જોઈએ. એક સર્વેક્ષણ પ્રમાણે 70% સ્ત્રીઓ પોતે પરફેક્ટ નથી એવી હીનતાના ભાવથી પીડાય છે. અરે મારી બહેનો, એટલું તો વિચારો કે લતાજી એના સુંદર ચહેરા થકી મહાન નથી. મધર ટેરેસા કે અમરમાં કે જીજાબાઈ એની સુંદરતાને લીધે નહીં, એની સેવા અને જીવનની સુવાસને લીધે અમર છે. માત્ર મોઢું સુંદર બનાવવામાં કેમ, જીવન સુંદર કરવા પાછળ કેમ પ્રયત્નો ન કરવામાં આવે?
ત્યારે હવે સમય પાકી ગયો છે કે ક્યાં સુધી રસોઈ શોની રેસિપીમાં ગૂંથાયેલા રહેશો? ક્યાં સુધી સાસુ-વહુની ઈમોશનલ બ્લેકમેઈલિંગ કરતી સીરીયલ્સમાં ખૂંચેલી રહેશો? નેઈલપોલિશન નેવે મૂકી કરાટે જોઈન કરો. તમારી છેડતી માટે ઉઠેલા હાથના કાંડા કાપી નાંખવાની હિંમત હૈયામાં પેદા કરો. માટે કપડાં બાંધીને બીકણ બનીને નીકળવાનું છોડો, આ દેશની છોકરીઓ જ્યારે પોતાની સ્કૂટી પાછળ બેઝબોલનો ધોકો લઈને નીકળશે ત્યારે રોજ રોજ વિમેન્સ ડે ઉજવાશે.
અને કદાચ તો જ આ દેશમાં દિલ્હીની દીકરી સાથે બની એવી કોઈ ક્રૂર ઘટનાઓ અટકશે. મહિલા ઉસે કહેતે હૈ જો સારી દુનિયા કૉ હિલા કે રાખ દે! કમોન લેડીઝ...! લેડીઝ જેવી સંકુચિત માનસિકતામાંથી બહાર નીકળો. તમને ઈશ્વરે સ્ત્રી બનાવી અને તમારા ઉપર સર્જનની દેવીનો ખિતાબ મૂક્યો છે. ઈશ્વરના ભરોસાને સાચો સાબિત કરી બતાવો. તમારી એક આંખમાં દુનિયા માટે પ્રેમ, કરૂણા, દયા દબાવી રાખો પરંતુ બીજી આંખમાં હવસખોર શૈતાનોને એક નજરમાત્રથી સળગાવી નાંખે એવી આગ કાયમ જલતી રાખો.
તમે શક્તિ છો, પરામ્બા છો! જગત આખું આદિ અનાદી કાળથી તમારી ભક્તિ કરે છે. તમારું જીવન કોઈ 'વિમેન્સ ડે'ની તકતીનું મહોતાજ નથી. હટીને જીવો, હસીને જીવો તો તમારા ૩૬૫ દિવસ 'વિમેન્સ ડે' જ છે!
(તા.ક.:- આ લેખ વાંચ્યા પછી જે ભાયડાઓને પીડા થઇ હોય ને બાધવું હોય તો રૂબરૂ મળજો)
લેખક પરિચય- સાંઈરામ દવે
સાંઈરામ દવે લોકસાહિત્યકાર, આંતરરાષ્ટ્રીય હાસ્યકલાકાર, શિક્ષણવિદ્દ, કવિ અને લેખક છે. તેઓ અનેક વાર ગુજરાતનું આંતરરાષ્ટ્રીય સ્તરે સાંસ્કૃતિક પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.
(નોંધ: આ લેખમાં રજૂ કરાયેલા વિચારો લેખકના અંગત વિચારો છે)