સ્ટે અંકલની જેમ ઓયો રૂમ્સે અપરિણિત યુગલો માટે ખાસ રિલેશનશિપ મોડનાં હોટલ રૂમ્સની રજૂઆત કરી

સ્ટે અંકલની જેમ ઓયો રૂમ્સે અપરિણિત યુગલો માટે ખાસ રિલેશનશિપ મોડનાં હોટલ રૂમ્સની રજૂઆત કરી

Sunday August 28, 2016,

3 min Read

સુનિલ અને અમૃતા જ્યારે બહારગામ ફરવા જાય ત્યારે તેમને ઘણી મુશ્કેલીઓ નડતી હતી, ખાસ કરીને તેમણે હોટલમાં રહેવા માટે રૂમ બુક કરાવવો હોય ત્યારે. તેમને હોટલનો રૂમ બુક કરાવવા માટેનાં અન્ય પ્લેટફોર્મ્સ વિશે સૂચનો આપતાં પહેલાં એ સ્પષ્ટતા કરી દઈએ કે સુનિલ અને અમૃતા અપરિણિત છે.

ભારતમાં અપરિણિત યુગલો હોટલ રૂમ બુક કરાવવા જાય ત્યારે હોટલના સ્ટાફ દ્વારા તેમને વિચિત્ર નજરે જોવામાં આવે છે અને આ બાબતને સામાન્ય ગણવામાં આવતી નથી. તેમને પ્રશ્નો પૂછવામાં આવે છે કે માફ કરજો પણ તમે પરિણિત છો, મને આ મેડમનાં ગળામાં મંગળસૂત્ર નથી દેખાતુંશું મને તમારું કોઈ ઓળખપત્ર આપી શકો કે જેથી મને એમ લાગે કે તમે પરિણિત છો આવી અનેક પ્રશ્નોની ઝડીઓ તેમની સામે વરસાવી દેવામાં આવે છે કે જેનો કોઈ અંત નથી હોતો.

લગ્નપૂર્વે સેક્સનો આનંદ એ ભારતમાં હકીકતથી અનેક જોજનો દૂર છે. તેના કારણે જ્યારે અપરિણિત યુગલો હોટલમાં એક રાત માટે રૂમ બુક કરાવવા જાય ત્યારે તેને નાકનું ટીચકું ચડાવીને જોવામાં આવે છે. નવાં સ્ટાર્ટઅપ્સ સ્ટે અંકલ અને ઓયો રૂમ્સે પોતાનાં પ્લેટફોર્મ ઉપર રિલેશનશિપ મોડની શરૂઆત કરી છે.

જેમાં અપરિણિત યુગલોને હોટલનો રૂમ આપવામાં આવશે નહીં તેવી માન્યતાને દૂર કરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઓયો રૂમ્સનાં રિલેશનશિપ મોડમાં તમને એવી હોટલ્સની યાદી જ જોવા મળે છે કે જેઓ અપરિણિત યુગલને રૂમ્સ આપે છે. આવી હોટલ્સમાં સ્થાનિક ઓળખપત્ર સાથે પણ અપરિણિત યુગલોને કોઈ જ જાતની ઝંઝટ વિના રૂમ્સ આપી દેવામાં આવે છે.

ઓયોના ચીફ ગ્રોથ ઓફિસર કવિકૃતે જણાવ્યું,

"અનેક સમય સુધી વિશ્લેષણ કર્યા બાદ તેમને ખ્યાલ આવ્યો હતો કે હોટલની પોલિસીને કારણે યુગલોને અગાઉ કરવામાં આવેલી સારી સારી વાતો છતાં તેમને છેલ્લી ઘડીએ રૂમ આપવા માટેની ના પાડી દેવામાં આવે છે."

આ અંગે યોરસ્ટોરી સાથે વાત કરતાં કવિકૃતે જણાવ્યું,

"અમે અમારા તમામ ભાગીદારોનું સન્માન કરીએ છીએ પણ સામે અમારા માનવંતા ગ્રાહકોને પણ એ બાબતની ખાતરી આપીએ છીએ કે ઓયોમાં આવનારા તમામ ગ્રાહકોનું સ્વાગત કરવામાં આવે. તેથી અમારી ટીમે ટેકનોલોજી અને સમૃદ્ધ કન્ટેન્ટનો ઉપયોગ કરીને આ સમસ્યાનું નિરાકરણ શોધ્યું. ભારતની હોટલોમાં અપરિણિત યુગલોને રૂમ ન આપવા માટેનો કોઈ કાયદો નથી. અથવા તો તમે જે શહેરમાં રહેતા હો તે જ શહેરમાં તમને હોટલનો રૂમ ન મળે તેવો પણ કાયદો નથી."

જોકે, ઘણા ભાગીદારોએ પોતાનાં ચેક-ઇન્સના નિયમો બદલવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ ટીમે જણાવ્યું હતું કે તે હોટલોએ સાધારણ ઓળખપત્રોનાં ધોરણે હોટલમાં રૂમ ફાળવવા માટેના નિયમો એકદમ સરળ બનાવી દીધા હતા. આ તમામ હોટલ્સની યાદી વેબસાઇટ અને કંપનીની એપ ઉપર રહેલી છે.

રિલેશનશિપ મોડ ફિચરને માય એકાઉન્ટ સેગમેન્ટમાં જઈને શરૂ કરી શકાય છે. સ્ટે અંકલ કરતાં વિપરીત ઓયો રૂમ્સ નવા ગ્રાહકોને પોતાની આ સેવા આપતી નથી. કવિકૃત જણાવે છે,

"ગ્રાહકો આધારિત આ વેપારમાં અમે હોટલમાં રહેવા દરમિયાન ઊભાં થતાં પ્રશ્નોનું નિરાકરણ કરવા અંગે પ્રયાસ કરી રહ્યા છીએ અને એવી ખાતરી આપી રહ્યા છીએ કે ઓયો તમામ લોકો માટે છે. અમે ખાતરી આપીએ છીએ કે કોઈ પણ યુગલને ઓયોમાં કોઈ પણ જાતની તકલીફ વિના સરળતાથી રૂમ ફાળવવામાં આવશે."

ટીમનો એવો દાવો છે કે આ પ્રકારના રૂમો ભારતભરનાં 100 જેટલાં શહેરોમાં પ્રાપ્ય છે. અત્યારે તેમની પાસે જેટલા રૂમો છે તેમાંના 60 ટકા રૂમો યુગલોને સરળતાથી મળી શકે તે પ્રકારનાં છે. આ તમામ રૂમો બધાં જ મેટ્રો શહેરોમાં અને ભારતનાં અગ્રગણ્ય શહેરોમાં આવેલા છે. હાલમાં ઓયો પોતાના 6500 ભાગીદારો મારફતે દેશભરનાં 200 શહેરોમાં 70 હજાર રૂમો આપે છે.

આ બાબત અંગે સ્ટે અંકલ અને ઓયો રૂમ્સે સ્થાનિક સરકારી અધિકારીઓ તેમજ સ્થાનિક લોકો સાથે નૈતિકતાની નીતિઓ પણ બનાવી છે. આ દેશમાં યુગલો જાહેરમાં હાથમાં હાથ પરોવીને ફરતાં હોય તેમને વિચિત્ર નજરે જોવામાં આવે છે. આ ઉપરાંત મુંબઈના મઢઆઇલેન્ડમાં પણ એક અપરિણિત યુગલને હોટલે રૂમ ફાળવતાં પોલીસે તેમની ધરપકડ કરી હતી.

લેખિકા – સિંધુ કશ્યપ

અનુવાદક- YS ટીમ ગુજરાતી

Montage of TechSparks Mumbai Sponsors