ટ્રેનની મુસાફરી દરમિયાન ગરમાગરમ સ્વાદિષ્ટ ભોજન તમારા સુધી પહોંચાડશે 'રેલટિફિન ડૉટ કૉમ'
ભારતીય રેલવેમાં મળતા ભોજનના એક સ્મરણ માત્રથી તમારું મન ખાટું થઈ જતું હોય તો અહીં તમારા માટે એક આકર્ષક વિકલ્પ છે, જેનો તમે તમારી આગામી રેલવે મુસાફરીમાં ઉપયોગ કરી શકો છો. 'રેલટિફિન ડૉટ કૉમ' તમને તમારી સીટ પર મનપસંદ ભોજન પીરસવાની ગેરન્ટી આપે છે.
ભારતીય રેલવેમાં મુસાફરીનો વર્ષોનો અનુભવ ધરાવતા 'રેલટિફિન ડૉટ કૉમ'ના સીઈઓ અને સહ-સંસ્થાપક પીયૂષ બોથરા કહે છે, "આ વિચાર ત્યારે આવ્યો જ્યારે ભારતીય રેલવેમાં લાંબી મુસાફરી દરમિયાન પહેલીવાર ભોજનનો અનુભવ થયો." એ જ ક્ષણ હતી, જ્યારે તેમણે પોતાના મિત્ર હર્ષિત જૈન (સીઓઓ, રેલટિફિન ડૉટ કૉમ) સાથે નોકરી છોડીને આ દિશામાં કામ શરૂ કરવાનું વિચાર્યું. હર્ષિત એમડીઆઈ અને પીયૂષ આઈઆઈએમ લખનૌથી મેનેજમેન્ટમાં સ્નાતક છે. બન્નેએ સાથે વ્યવસાય શરૂ કર્યા પહેલાં વ્યાવસાયિક તરીકે ઘણા જોખમી વ્યવસાયોમાં સાથે રહ્યા છે.
પીયૂષ કહે છે, “અમને લાગ્યું કે આ બજાર બહુ મોટું છે. રોજ એક કરોડ મુસાફરો ભારતીય રેલવેમાં પ્રવાસ કરે છે. આજકાલ મોબાઇલ એક જરૂરિયાત છે અને સામાન્યથી લઈને સ્માર્ટફોનમાં પણ ઇન્ટરનેટ પર ટ્રેનના સમયનો ખ્યાલ આવે છે.” ટેક્નોલોજીનો ઉપયોગ કરીને 'રેલટિફિન ડૉટ કૉમ' સરળતાથી ઓર્ડર લે છે. મુસાફર તેમની વેબસાઇટ પર પોતાની ટિકિટના પીએનઆર નંબર સાથે ઓર્ડર બૂક કરી શકે છે કે પછી સીધા તેમના ગ્રાહક સેવા કેન્દ્ર (કસ્ટમર કેર) પર ફોન કરીને પણ ઓર્ડર નોંધાવી શકે છે. જરૂરી મૂડીરોકાણ સારી રીતે એકઠું કરીને અને વ્યાવસાયિક પ્રારંભ કર્યા પછી માત્ર પાંચ જ મહિનામાં 'રેલટિફિન ડૉટ કૉમ' 150 રેલવે સ્ટેશન અને 3500 ટ્રેન સુધી પોતાની પહોંચ ઊભી કરી ચૂક્યું છે. તેને ગ્રાહકો અને વિતરકો તરફથી ગજબની પ્રતિક્રિયાઓ મળી છે અને રોજે રોજ ગ્રાહકોની સંખ્યા વધતી જાય છે.
મોડી ટ્રેનની સમસ્યાને દૂર કરવાનો કીમિયો
'રેલટિફિન ડૉટ કૉમ' માટે ટ્રેન લેટ હોય એ એક જટિલ સમસ્યા છે, પરંતુ તેમણે ક્યારેય એની ફરિયાદ કરી નથી, બલકે તેઓ રેલના ટાઇમ ટેબલ ટ્રેક કરવા માટે ભારતીય રેલવે દ્વારા અપાયેલાં ઉપકરણોની મદદથી આ મુશ્કેલીને પાર કરે છે. ટ્રેન મોડી પડી હોય તેને કારણે ગ્રાહકોના ભોજન પર તેની અસર ન થાય એ વાતની તેઓ બહુ કાળજી રાખે છે. આ ઉપરાંત એ વાત પર પણ બહુ ભાર મૂકે છે કે ઓછામાં ઓછું ભોજન ખરાબ થાય. ઉદાહરણ તરીકે જો ટ્રેન ત્રણ કલાક માટે મોડી ચાલી રહી હોય તો 'રેલટિફિન ડૉટ કૉમ' ગ્રાહકને ઓર્ડરમાં લખેલા સ્ટેશનથી એક સ્ટેશન પહેલાં જ ભોજન પહોંચાડી દે છે, જેથી મુસાફરને સમયસર ભોજન મળે. આ સેવાનો શ્રેય 'રેલટિફિન ડૉટ કૉમ' પોતાના 150 વિતરકોને આપે છે, જે આ સમસ્યાને સારી રીતે હેન્ડલ કરે છે.
દરેક માગ પૂરી કરવી
'રેલટિફિન ડૉટ કૉમ' વિતરકો સાથે એ રીતે સહભાગી બન્યા છે કે વિતરકો ખુદને 'રેલટિફિન ડૉટ કૉમ'નો હિસ્સો ગણે છે. 'રેલટિફિન ડૉટ કૉમ' વિતરકોની સાથે ટ્રેનના ટાઇમ ટેબલની માહિતી સહિયારી કરીને સમગ્ર પ્રક્રિયા સરળ રીતે ચલાવવા માગે છે, જેનાથી સમય અને ભોજનની બરબાદી ન થાય. આને કારણે બન્ને રીતે 'રેલટિફિન ડૉટ કૉમ'ની જીત થાય છે, ડિલિવરીની પણ ગેરન્ટી છે અને ગ્રાહકોને પણ તાજું ગરમાગરમ ભોજન મળી રહે છે. હર્ષિત પોતાની 15 સભ્યોની ટીમને આની ક્રેડિટ આપે છે, જે ફોન પર કસ્ટમર સર્વિસથી માંડીને વિતરક, મેનેજમેન્ટ, આઈટી અને માર્કેટિંગ વગેરે તમામ વિભાગોની દેખરેખ રાખે છે.
ભાવિ યોજનાઓ
'રેલટિફિન ડૉટ કૉમ'ની આગળની રણનીતિમાં ડિજિટલ અને સોશિયલ માર્કેટિંગ પર ધ્યાન આપવાનો સમાવેશ થાય છે. વેબસાઇટ અને મોબાઇલ એપ થકી મળેલા ફીડબેક અને રેટિંગ દ્વારા સારું પરફોર્મ કરનારા વિતરકોને ઈનામ અપાશે.
હર્ષિત કહે છે, “રેલટિફિન ડૉટ કૉમ લોકો માટે મુસાફરી દરમિયાન એક વિશ્વસનીય સાથી બની રહ્યું છે. ઓનલાઇન ફૂડ ઓર્ડરના ક્ષેત્રમાં આ પ્રારંભિક દોર છે. મને લાગે છે કે 'રેલટિફિન ડૉટ કૉમ' રેલવે મુસાફરોને સારું ભોજન પીરસવાની દિશામાં એક આદર્શ મૉડલ બની શકે છે. આ તો હજુ શરૂઆત છે અને અમે ઘણી લાંબી મજલ કાપવાની છે.”
અન્યોથી જરા હટ કે...
'ટ્રાવેલખાના ડૉટ કૉમ' અને 'કમસમ' જેવા હરિફોની સામે 'રેલટિફિન ડૉટ કૉમ' એક માત્ર એવી સંસ્થા છે, જે ભોજન વિતરણ કરવાની ગેરન્ટી આપે છે. આધાર એક હોવા છતાં આ સંસ્થાઓમાં ફરક ગ્રાહકોની સંતુષ્ટિ મામલે છે. 'રેલટિફિન ડૉટ કૉમ' એક ડગલું આગળ હોવાની પાછળ તેની સાથે જોડાયેલા વિતરકો પણ છે, જે ભોજનને ચોખ્ખું રાખવા ઉપરાંત સમયસર પહોંચાડી દે છે.
પીયૂષ કહે છે, “ટ્રેન સ્ટેશન પર પાંચ મિનિટ માટે જ રોકાય છે, એવામાં ગરમાગરમ ભોજન સમયસર ગ્રાહકો સુધી પહોંચાડવું જરૂરી છે. આને લીધે અમારી સર્વિસ પ્રત્યે લોકોનો વિશ્વાસ વધતો જાય છે. હજું તો આ પહેલું પગલું છે. અમે ઘણી નવી ચીજો આ ક્ષેત્રમાં લાવવા માગીએ છીએ.”
લેખક – ગુંજન પારુલકર
અનુવાદક – સપના બારૈયા વ્યાસ