દેશભરના પોલીસકર્મીના યુનિફોર્મમાં આવશે બદલાવ, હવે પહેરશે સ્માર્ટ યુનિફોર્મ!
દેશના તમામ પોલીસકર્મીઓનો યુનિફોર્મ હવે એકસમાન હશે. પોલીસ ફોર્સના યુનિફોર્મમાં એક મોટો બદલાવ થવા જઈ રહ્યો છે. અત્યાર સુધી દેશના તમામ પોલીસકર્મીઓ અંગ્રેજોના જમાનાના યુનિફોર્મ પહેરતા હતાં!
પોલીસ તેમજ આમ જનતા પાસેથી મળેલા મંતવ્યો પ્રમાણે હાલના યુનિફોર્મમાં ઘણી ખામીઓ છે. જો આ ખામીઓ દૂર કરી લેવાઈ, તો ખૂબ જલ્દી જ આપણા પોલીસ જવાનો નવા રંગ-ઢંગમાં જોવા મળશે.
દેશના તમામ પોલીસકર્મીઓનો યુનિફોર્મ એકસમાન થશે. પોલીસ ફોર્સના યુનિફોર્મમાં એક મોટો બદલાવ થવા જઈ રહ્યો છે. અત્યાર સુધી તો દેશના તમામ પોલીસકર્મીઓ અંગ્રેજોના જમાનાનો યુનિફોર્મ પહેરતા હતાં.
આ યુનિફોર્મનું કપડું એટલું જાડું હોય છે કે પોલીસકર્મીઓને ગરમીના દિવસોમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
યુનિફોર્મમાં બદલાવ લાવવા 'નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ડીઝાઈન' (NID) અમદાવાદને કામ સોંપવામાં આવ્યું છે. જો બધું સમુંસુથરું પાર પડ્યું તો બહુ જ જલ્દી પોલીસકર્મીઓ એક નવા યુનિફોર્મમાં જોવા મળશે.
આમાં સિવિલ પોલીસની સાથે જ કેન્દ્રશાસિત પ્રદેશોની પોલીસ તેમજ સેન્ટ્રલ પેરામિલિટ્રી ફોર્સીસના યુનિફોર્મ પણ ફરીથી ડીઝાઈન કરાઈ રહ્યાં છે. આ ડ્રેસમાં પેન્ટ-શર્ટ અને બૂટ સિવાય જેકેટ, ટોપી તેમજ બેલ્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તે સિવાય, રેઈનકોટ તેમજ હેડગિયરની ડીઝાઈન પણ તૈયાર કરવામાં આવી છે. બ્યૂરો ઓફ રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ (BPR&D)ના સહયોગથી યુનિફોર્મના 9 નમૂના તૈયાર કરવામાં આવ્યા છે. આ નમૂનાઓ તમામ રાજ્યોની પોલીસ સુધી પહોંચાડવામાં આવ્યા જેથી સૌ કોઈ પોતપોતાની પસંદ જણાવી શકે. 9 રાજ્યોથી મળેલા ફીડબેક અને પબ્લિક શો પ્રમાણે પોલીસના હાલના યુનિફોર્મમાં ઘણી ખામીઓ છે.
એક તો સમગ્ર દેશના પોલીસકર્મીઓના યુનિફોર્મમાં કોઈ સમાનતા નથી.
બીજું કે પોલીસનો યુનિફોર્મ બહુ જાડો હોય છે જેથી ગરમીના દિવસોમાં ઘણી મુશ્કેલી પડે છે.
સાથે જ યુનિફોર્મમાં જરૂરી વસ્તુઓ રાખવા માટેની પણ પૂરતી જગ્યા નથી.
ટોપીનું કપડું પણ જાડું હોવાથી ગરમીઓના દિવસોમાં વધુ અગવડ પડે છે.
હેલ્મેટ એટલું ભારે હોય છે કે ઈમરજન્સીમાં તેને પહેરવું અઘરું બની જાય છે.
બેલ્ટ એટલો મોટો છે કે નમવામાં મુશ્કેલી પડે છે.
દુનિયાભરના અન્ય દેશોની જેમ બેલ્ટમાં મોબાઈલ ફોન અને સ્માર્ટ ચાવી રાખવાની જગ્યા હોવી જોઈએ.
સાથે જ હાલ જે યુનિફોર્મ છે તે ધૂંધળા વાતાવરણમાં સરળતાથી નથી દેખાતો. BPR&Dના ડાયરેક્ટર મીરા બોરવાન્કર કહે છે,
"ખાખી યુનિફોર્મની આલોચના થતી રહે છે. જેમાં બદલાવ થવો જરૂરી છે. પોલીસકર્મીઓના હાલના યુનિફોર્મ દરેક સિઝનમાં પહેરવા લાયક નથી જેનો વિકલ્પ લાવવો જરૂરી છે."
ડીઝાઈન થઇ રહેલા નવા યુનિફોર્મ વિશે જાણવા જેવું...
- NID અને BPR&D દ્વારા આ યુનિફોર્મને ડીઝાઈન કરાયા છે જે દેશભરના પોલીસકર્મીઓ માટે એકસમાન હશે!
- વિવિધ સીઝન, કામકાજનો પ્રકાર અને કમ્ફર્ટને ધ્યાનમાં રાખીને 9 પ્રકારની ડીઝાઈન તૈયાર કરવામાં આવી છે.
- નવા યુનિફોર્મમાં સ્ટ્રેચેબલ કપડું વપરાશે જે પ્રદૂષણ સામે પણ રક્ષણ આપશે.
- 3% લોકોને હાલનો યુનિફોર્મ સ્માર્ટ લાગે છે!
- 23% લોકોને હાલનો યુનિફોર્મ રંગ ઉડી ગયેલો હોય તેવો લાગે છે.
- 50% લોકોનું કહેવું છે કે એ તો યુનિફોર્મ પહેરનાર પર આધાર રાખે છે.
- 23% લોકોએ આ અંગે કોઈ મંતવ્ય ન આપ્યું.