રાસાયણિક પ્રોડક્ટ્સથી ખુદને બચાવો, ‘રસ્ટિક આર્ટ’ અપનાવો!
સારા, સુરક્ષિત અને સ્વસ્થ પ્રોડક્ટ્સની વધતી જતી માગને લીધે જૈવિક પ્રસાધન સામગ્રીઓના એક નવા ફાલે બજારમાં પોતાની હાજરી નોંધાવી છે. આવી જ એક કંપની છે ‘રસ્ટિક આર્ટ’
વર્ષ 2012માં ભારતમાં એફએમજીસી બજારનો કુલ વેપાર આશરે 36.8 બિલિયન અમેરિકી ડૉલર હતો અને વર્ષ 2015ના અંત સુધીમાં તે 47.3 બિલિયન અમેરિકી ડૉલરને પાર કરી જશે, એવો અંદાજ લગાવાઈ રહ્યો છે. આ વિશાળ બજારનો 32 ટકા હિસ્સો મોટા ભાગે કોસ્મેટિક્સ અર્થાત્ વ્યક્તિગત સૌંદર્ય (22 ટકા), વાળની સંભાળ (8 ટકા) અને બેબી કેર અર્થાત્ બાળકોની કાળજી (2 ટકા)ના ખાતામાં જાય છે. અનેક દાયકાથી પણ વધારે સમયગાળાથી 'હિંદુસ્તાન યુનિલીવર લિમિટેડ' પોતાની સૌથી લોકપ્રિય પ્રોડક્ટ ‘ફેયર એન્ડ લવલી’ના માધ્યમથી કોસ્મેટિક્સના બજાર પર કબજો જમાવી બેઠી છે. ગોદરેજ, ડાબર, ઇમામી અને પીએન્ડજી જેવી કંપનીઓ પણ કંઈ વધારે પાછળ નથી. આ તમામ આંકડાઓ પરથી સ્પષ્ટ છે કે ભારતના ગ્રામીણ અને શહેરી બન્ને વિસ્તારોમાં અત્યંત ખતરનાક રસાયણોના ઉપયોગથી બનેલા કોસ્મેટિક્સનાં પ્રોડક્ટ્સની બોલબાલા છે અને વિકલ્પોના અભાવને કારણે લોકો આ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવા માટે મજબૂર છે.
સમગ્ર બજાર પર એવી મોટી કંપનીઓનો કબજો છે, જે એવી પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે, જે પર્યાવરણની દૃષ્ટિએ પણ ખરી નથી ઊતરતી અને સંજોગો એવા છે કે હાથે બનાવેલી પ્રસાધન સમાગ્રીઓ (ટૉયલેટરીઝ)ના નિર્માતાઓ માટે પોતાનું સ્થાન ટકાવી રાખવું અને વિસ્તારિત કરવું એક મોટો પડકાર છે. જોકે, હાલમાં વધારે સારા, સુરક્ષિત અને સ્વસ્થ પ્રોડક્ટ્સની વધતી જતી માગને લીધે જૈવિક પ્રસાધન સામગ્રીઓના એક નવા ફાલે બજારમાં પોતાની હાજરી નોંધાવી છે. આવી જ એક કંપની છે – ‘રસ્ટિક આર્ટ’.
વર્ષ 2011ના પ્રારંભમાં મહારાષ્ટ્રના સતારા વિસ્તારમાં સંબંધમાં માસી અને ભાણીની જોડી સ્વાતિ માહેશ્વરી અને સુનીતા જાજૂએ કુદરતી પદાર્થોમાંથી સાબુ બનાવવાનું શરૂ કર્યું. સ્વાતિ કહે છે, “અમારા ઘરમાં અમે પહેલેથી જ લગભગ દરેક વસ્તુના કુદરતી વિકલ્પોનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરતા આવ્યા છીએ.” આખો દેશ જ્યારે રિન, સર્ફ અને એરિયલનો ઉપયોગ કરી રહ્યો છે ત્યારે સુનીતા અને તેનો પરિવાર આજે પણ નારિયેળના તેલમાંથી બનેલા કુદરતી સાબુનો ઉપયોગ કરે છે.
સ્વાતિ કહે છે, “લોકોની પાસે જૂની વસ્તુઓ ફરી ઉપયોગલાયક બનાવવાનો સમય જ નથી. લોકો વાપરવા માટે તૈયાર હોય એવી જ વસ્તુઓ શોધતા હોય છે અને વ્યક્તિગત સૌંદર્ય એક એવું કાર્ય છે, જેને રોજેરોજ કરવાની જરૂર હોય છે. આ કારણે જ અમે ‘રસ્ટિક આર્ટ’નો પાયો નાંખ્યો.” જોકે, આમાં સૌથી મોટો પડકાર આ પ્રકારનાં ઉત્પાદનો પ્રત્યે લોકોની જાગૃતિનો અભાવ હતો. “લોકોને લાગતું હતું કે જૈવિક ઉત્પાદનો બહુ મોંઘાં હોય છે અને તેને લીધે જ તેઓ આવી ચીજવસ્તુઓ વાપરવા માટે માનસિક રીતે તૈયાર નથી હોતા. અને એવું ન હોય તોપણ તેમને આમાં કંઈક ગરબડ હશે એવી શંકા હોય છે.”
‘રસ્ટિક આર્ટ’ની સૌથી લોકપ્રિય પ્રોડક્ટ તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલી એલોવેરા જેલ છે. નાના-મોટા નિર્માતાઓ જથ્થાબંધ એલોવેરા ખરીદવા માટે ઘણી વાર ‘રસ્ટિક આર્ટ’નો ઉપયોગ કરે છે. તેઓ કહે છે, “ઘણી વાર મારા પર માત્ર 20 કિલો એલોવેરા ખરીદવાનારાના ફોન આવે છે. હું જ્યારે તેમને પૂછું કે આટલા ઓછા એલોવેરાનું શું કરશો ત્યારે તેમનો જવાબ હોય છે કે અરે! અમારે અમારી પ્રોડક્ટને એલોવેરાની સાબિત કરવા માટે થોડીક એલોવેરા જેલ મિલાવવી જરૂરી છે.”
‘રસ્ટિક આર્ટ’ની સામે બીજો મોટો પડકાર ગ્રાહકોની આદતો અંગે છે. મોટી કંપનીઓ મોટા પાયે ચીજવસ્તુઓનું ઉત્પાદન કરીને પોતાના ગ્રાહકોને મોટા પ્રમાણમાં પ્રોડક્ટ ખરીદવા માટે પ્રેરિત કરે છે. એટલે સામાન્ય ગ્રાહકો દર મહિને પોતાના વપરાશ માટે સૌંદર્ય પ્રસાધન સામગ્રીઓ એક સામટી જ ખરીદી લેતા હોય છે. વળી, હાથે બનાવેલી ચીજવસ્તુઓ આ મામલે બહુ જુદી પડે છે. તે ઓછા ફીણ દેનારી અને ટૂંકી જીવન અવધિ ધરાવતી હોવાથી તેને ટૂંકા ગાળા માટે જ ખરીદી શકાય છે. જોકે, સ્વાતિ કહે છે, “છતાં પણ આ એક મહિનાથી પણ વધારે સમય સુધી ચાલે છે, કારણ કે તે બહુ ઓછું વપરાય છે. અને એ રીતે આખરમાં તે ઘણા વાજબી સાબિત થાય છે.”
‘રસ્ટિક આર્ટ’ના પર્યાવરણ પ્રત્યે જાગૃત ગ્રાહકો સ્વાતિ અને સુનીતાને પોતાની પ્રોડક્ટ માટે ‘રીફિલ’નો વિકલ્પ આપવા માટે વારંવાર અનુરોધ કરે છે. જોકે, સ્વાતિ કહે છે કે પેકેજિંગ માટે તેઓ જે પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે તે સંપૂર્ણપણે બાયોડિગ્રેડેબલ છે. છતાં પણ તેના ગ્રાહકો કહે છે કે બોટલ જો સારી હોય તો પછી કચરો વધારવાને બદલે તેને ફરી ભરાવીને તેનો ઉપયોગ શા માટે ન કરવો જોઈએ.
સ્વાતિનું માનવું છે કે લોકોને જો લાગતું હોય કે તેમણે જરૂર કરતાં વધારે પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવો જોઈએ તો તેઓ ભલે કરે, પરંતુ તેમને કમ સે કમ એ ખ્યાલ હોવો જોઈએ કે તેઓ જે પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે, તે વાસ્તવમાં શું છે. તે કહે છે, “આ તો અચરજની વાત છે કે આપણી પાસે નવજાત શિશુઓ માટે કેટલી બધી પ્રોડક્ટ્સ છે. પણ તમે તમારા નવજાત માટે એટલું તો કરી જ શકો કે બોટલ પર દર્શાવવામાં આવેલી સામગ્રીની વિગતોનો તમને ખ્યાલ હોય.”
છેલ્લાં ચાર વર્ષોમાં ‘રસ્ટિક આર્ટ’ને બેંગલુરુમાંથી સૌથી વધારે વેપાર મળ્યો છે. આ ઉપરાંત તેમને પંજાબ, દિલ્હી, ગોવા અને પશ્ચિમ બંગાળમાં પણ ગ્રાહકો તરફથી સારી પ્રતિક્રિયા મળી છે. આમ છતાં પોંડીચેરીના એક અજાણ્યા ગામની મહિલાઓ દ્વારા હાથેથી બનાવેલી એક પ્રોડક્ટ પર નિર્ભર વ્યવસાય, જે વગર કોઈ મશીનરીથી તામિલનાડુ અને કેરળની સજીવ ખેતી માટે પ્રમાણિત ખેતરોમાંથી આવેલી સામગ્રી પર નિર્ભર છે, તેના વિશે વિચારવું એક મોટો પડકાર છે. “અમારો માસિક વકરો આશરે 6થી 7 લાખનો છે. અમારી પોતાની કોઈ પણ દુકાન નથી. અમે માત્ર દુકાનદારો અને ઓનલાઇન માધ્યમથી અમારી ચીજવસ્તુઓ વેચીએ છીએ.” તેમનો દાવો છે કે એક કાયમી વ્યવસાય છે, પરંતુ ક્યારેક આ જ વાત તેમની સૌથી મોટી નબળાઈ બની જાય છે.” તે આગળ કહે છે, “અમે ઇચ્છીએ તોપણ મોટી બ્રાંડ બની શકીએ નહીં. અમારી પહોંચ માત્ર જમીની સ્તર સુધી છે. અમારા માટે મોટા બનવાનો માત્ર એક જ માર્ગ છે અને એ છે વધારે ઉત્પાદન એકમોનું સફળતાપૂર્વક સ્થાપન કરવું.”
સ્વાતિ માને છે કે દેશના સજીવ સૌંદર્ય પ્રસાધનોના બજાર માટે કડક નિયમો બનાવવા એ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે. આનાથી મોટી બ્રાંડ્સને પોતાની પ્રોડક્ટ્સને વિશ્વસનીય બનાવવા માટે મદદ કરશે અને આને કારણે બજારમાં નકલી ઉત્પાદન કરનારા નાબૂદ થશે. બાકી તો એક ગ્રાહકને એવો વિશ્વાસ અપાવવો કે તે જે ચીજવસ્તુ ખરીદી રહ્યો છે, તે પૂર્ણપણે સ્થાયી અને સજીવ છે, તે બહુ મુશ્કેલ છે. તેમના મતે બીજું પગલું ગ્રાહકોમાં જાગૃતિ લાવવાનું છે. તે કહે છે, “મોટી બ્રાંડ્સને અત્યંત હાનિકારક પ્રોડક્ટ્સ સાથે ભારતના ગ્રામીણ પ્રદેશોમાં પ્રવેશ કરતા જોઈને ખાસ્સી નિરાશાજનક હોય છે. અમારી પાસે સતારાની આજુબાજુની અનેક એવી ગ્રામીણ મહિલાઓ છે, જે અમારી સજીવ પ્રોડક્ટ્સ ખરીદવા અમારી પાસે આવે છે. ગ્રામીણ વિસ્તારમાં રહેનારા લોકો સારી ચીજવસ્તુ ખરીદવા માટે વધારે પૈસા આપવા પણ તૈયાર હોય છે અને તેઓ શહેરી લોકો કરતાં વધારે સમજદાર હોય છે.”
‘રસ્ટિક આર્ટ’ના ભવિષ્ય અંગે જણાવતાં સ્વાતિ કહે છે, “હાલમાં અમે ઝડપભેર વિકાસ તરફ અગ્રેસર છીએ. હાલમાં ઘણા લોકો સજીવ પ્રોડક્ટ્સ ખરીદવા માટે રસ ધરાવે છે અને તેઓ અમારી ચીજવસ્તુઓને બહુ મહત્ત્વ આપે છે. તેમને ખ્યાલ છે કે સારી પ્રોડક્ટ્સનો તેઓ આંખો મીંચીને ઉપયોગ કરી શકે છે. અમારા અનેક ગ્રાહકો અમને આવીને પૂછે છે કે શું અમારી પાસે બાળકો માટે સજીવ ફેયરનેસ ક્રીમ છે. આ સ્વાભાવિક છે, પરંતુ અમને આશા છે કે સમયની સાથે આ બધી બાબતો બદલાશે અને લોકો પોતાના શરીર પર ઉપયોગ કરાતી ચીજવસ્તુઓ અને પર્યાવરણ પ્રત્યે જાગૃત થશે.”
લેખક – એસ.ઐજાઝ
અનુવાદક – સપના બારૈયા વ્યાસ