આઝાદીની બીજી લડાઈના નાયિકા છે ઇલાબહેન ભટ્ટ

સેવા-આંદોલનના જનની ઈલા ભટ્ટને વારસમાં જ મળી હતી અન્યાય સામે જંગ લડવાની તાકાત!

આઝાદીની બીજી લડાઈના નાયિકા છે ઇલાબહેન ભટ્ટ

Monday August 15, 2016,

20 min Read

ઇલાબહેનને અન્યાય સામે લડવાની તાકાત જાણે વારસામાં જ મળી હતી. માતા-પિતા તરફથી મળેલી આ તાકાત કંઈ કોઈ મામૂલી તાકાત ન હતી. એટલી તાકાત હતી કે જેને દેશના જ નહીં પરંતુ દુનિયાના લોકોએ પણ માની. સત્ય અને અહિંસા, આ એ અસ્ત્રો હતાં જેને સાથે લઈને ઈલાબહેને શ્વાસ રૂંધી નાંખે તેવા વિચારો, રૂઢીવાદી તાકાતો, શોષણ અને અન્યાય સામે લડાઈ લડી અને જીત મેળવી. તે ઈલાબહેનની પહેલ, તેમના સંઘર્ષ અને આંદોલનનું જ પરિણામ હતું કે દેશમાં સ્વરોજગાર મહિલાઓને તેમના અધિકારો મળ્યા, તેમના પર થઇ રહેલા શોષણ પણ રોક લગાવવા કાયદા બન્યાં. ઇલાબહેને ન માત્ર સ્વરોજગાર મહિલાઓને સંગઠિત કર તેમનું યુનિયન બનાવ્યું પણ તેમના ઉત્થાન અને વિકાસ માટે પોતાની સહકારી બેંક પણ બનાવી. ઇલાબહેન અહીં જ ન રોકાયા, તેમણે સ્વરોજગાર મહિલાઓનું જે સંગઠન બનાવ્યું તે અંતર્ગત કેટલીયે એવી સંસ્થાઓ પણ બનાવી જેનાથી સ્વરોજગાર મહિલાઓનો બહુમુખી વિકાસ થઇ શકે. સેલ્ફ એમ્પ્લોઇડ વિમેન્સ એસોશિયેશન (SEWA- સેવા) એટલે કે સ્વરોજગાર મહિલા સંઘ દ્વારા ઈલાબહેન દ્વારા દેશમાં એક એવી સામાજિક, આર્થિક અને સહકારી ક્રાંતિની શરૂઆત થઇ જેનાથી લાખો મહિલાઓએ પોતાની આર્થિક અને સામાજિક સ્થિતિ મજબૂત બનાવી દેશના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરવાની શરૂઆત કરી. 'સેવા' ક્રાંતિના નામે જાણીતા બનેલા આ આંદોલનનો સદ્પ્રભાવ દુનિયાના ઘણાં દેશોમાં પડ્યો. દુનિયાના કેટલાંયે દેશોની મહિલા કાર્યકર્તાઓએ ઇલાબહેનની 'સેવા'ને આદર્શ માનીને આવી જ રીતે આંદોલનની શરૂઆત કરી અને સ્વરોજગાર મહિલાઓને ન માત્ર તેમના અધિકાર અપાવ્યા પરંતુ તેમને આત્મનિર્ભર પણ બનાવ્યા. ઇલાબહેને સંઘર્ષ અને આંદોલનોથી શોષિત અને પીડિત બહેનોને એજ તાકાત આપી જે તેમને વિરાસતમાં મળી હતી- અન્યાય સામે લડત આપવાની, પોતાના અધિકાર મેળવવા સત્ય અને અહિંસાના રસ્તા પર ચાલી આંદોલન કરવાની. ઇલાબહેને પોતાના સફળ આંદોલનોથી એ પણ સાબિત કર્યું કે આંદોલનનો અર્થ હિંસા, વિધ્વંસ, તોડફોડ અને ઝંડેબાજી નથી, રચનાત્મક કાર્યો કરતા કરતા પણ આંદોલન સફળ કરી શકાય છે.

ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને 'રોટી, કપડાં અને મકાન' જેવી મૂળભૂત સુવિધાઓ માટે ઈલાબહેનનો સંઘર્ષ અને આંદોલન આજે પણ ચાલુ છે. 83 વર્ષની ઉમરે પણ તેઓ શોષિત અને પીડિત લોકો માટે પોતે જે કંઈ કરી શકે એ તમામ પ્રયત્નો કરતા રહે છે. અન્યાય વિરુદ્ધ લડત કરવાનો જુસ્સો આજે પણ તેમનામાં જોઈ શકાય છે. પોતાના જીવનમાં જેવી રીતે સાહસનો પરિચય તેમણે આપ્યો છે અને જેવી રીતે તેમણે ન્યાય માટે સંઘર્ષ કર્યો છે તે દુનિયા સમક્ષ હંમેશા એક ઉદાહરણ બની રહેશે. તેમના સંઘર્ષ અને સફળતાની સફર ઐતિહાસિક છે અને આ જ કારણ છે કે પ્રભાવશાળી વ્યક્તિત્વ આંતરરાષ્ટ્રીય સ્તર પર અસર બતાવે છે. આધુનિક યુગમાં દુનિયાની સૌથી પ્રભાવશાળી મહિલાઓમાં પોતાની ખાસ જગ્યા બનાવનાર ઈલાબહેન એટલે કે ઈલા ભટ્ટનો જન્મ 7 સપ્ટેમ્બર, 1933ના રોજ અમદાવાદમાં થયો હતો. માતા-પિતા ભણેલા તો હતાં જ પણ સાથે સાથે પ્રભાવશાળી વ્યક્તિત્વના માલિક પણ હતાં. પરિવાર ઘણો જ સંપન્ન હતો અને સમાજમાં તે પરિવારનો આદર-સમ્માન પણ ઘણો હતો. ઈલાબહેનના પિતા સુમંતરાય ભટ્ટ તેમના જમાનાના જાણીતાં વકીલ હતાં. દાદા, કાકા, પિતરાઈ ભાઈ સૌ કોઈ કાયદાના જાણકાર હતાં. 'વકીલોના પરિવાર'ના રૂપમાં ભટ્ટ પરિવાર સુરત શહેરમાં ઘણો લોકપ્રિય હતો.

ઇલાબહેનના નાના અમદાવાદના જાણીતાં સર્જન હતાં અને સરકારી હોસ્પિટલ્સમાં લોકોની સેવા કરતા હતાં. આઝાદીની લડાઈમાં સક્રિય રૂપે ભાગ લેવાના ઈરાદાથી તેમણે તેમની નોકરી છોડી દીધી હતી. ઈલાબહેનના ત્રણેય મામા પણ સ્વતંત્રતા સેનાની હતાં. આખાયે પરિવારમાં દેશપ્રેમ કૂટી-કૂટીને ભરેલો હતો. આખા પરિવાર પર મહાત્મા ગાંધીનો ઘણો પ્રભાવ હતો. આ પરિવાર ગાંધીજીના દરેક કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લેતો હતો.

ઈલાએ એક એવા પરિવારમાં આંખો ખોલી હતી, જ્યાં પહેલેથી જ શિક્ષણ પ્રત્યે ઘણી જ જાગરૂકતા હતી. ઈલાના માતા વન લીલા વ્યાસ પહેલેથી જ ભણવામાં તેજસ્વી હતાં, પરંતુ લગ્નના કારણે તેમણે ભણવાનું છોડવું પડ્યું હતું. લગ્ન કરી જ્યારે લીલા વ્યાસ પોતાના સાસરે ગયા ત્યારે તેમના પતિએ ફરીથી ભણતર શરૂ કરાવ્યું. ઈલાના પિતાએ જાતે જ તેમની માતાને ભણાવ્યા. માતાના શિક્ષણ માટે એક શિક્ષક પણ રાખવામાં આવ્યા.

આખરે ઈલાબહેન એ દિવસ કેવી રીતે ભૂલી શકે કે જ્યારે એક જ દિવસમાં 2 મોટી સિધ્ધિઓ તેમના ઘરના નામે હતી, તેમને આજે પણ સારી રીતે એ દિવસ યાદ છે કે જ્યારે એ દિવસ તેમની અને તેમની માતાની પરીક્ષાના પરિણામો આવ્યા હતાં. ઇલાબહેને જણાવ્યું,

"એક દિવસ મારું દસમા ધોરણનું અને મારી માતાનું બીએની પરીક્ષાનું પરિણામ આવ્યું હતું. સમાચારપત્રમાં અમારા બંનેનું નામ છપાયું હતું. દસમું ધોરણ પાસ કરનારા તો ઘણાં વિદ્યાર્થીઓ હતાં, જેમાં મારું નામ પણ હતું, પરંતુ બીએની પરીક્ષા માત્ર મારી માતાએ જ પાસ કરી હતી."

તે એક એવો સમય હતો, જ્યારે પરિવારમાં સિદ્ધાંતોની લડાઈ ચરમસીમા પર હતી. કેટલીક વાતોને લઈને ઈલાબહેનના માતા અને પિતાના પરિવારોના વિચારો મેળ નહતા ખાતા. ઈલાબહેનના પિતા અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની પુરજોર વકીલાત કરતા પરંતુ તેમના નાના 'સ્વદેશી'ના કટ્ટર સમર્થક હતાં અને તેમણે અંગ્રેજોથી સખત નફરત હતી. અંગ્રેજોના શાસનની તેઓ વિરોધમાં હતાં અને એટલે જ તેમણે સરકારી નોકરી છોડી દીધી હતી અને આઝાદીની લડાઈમાં કૂડી પડયા હતાં. આઝાદીની લડાઈમાં ઇલાબહેનના નાના પોતાના તન-મન-ધન બધું ન્યોછાવર કરી ચૂક્યા હતાં.

ઈલાબહેન પર પોતાના માતા-પિતા અને નાના-દાદાના આદર્શો અને તેમના પરિવેશનો પ્રભાવ એકસમાન રૂપે પડ્યો હતો. ઇલાબહેન કહે છે,

"મારા પિતા બહુ જ દયાળુ, ધર્મભીરુ અને સિધ્ધાંતવાદી વ્યક્તિ હતાં. તેઓ નૈતિક મૂલ્યોના પાક્કા હતાં. તેમને સાચા-ખોટાની સમજ હતી અને તેઓ અમને પણ કહેતા રહેતા કે શું સાચું છે અને શું ખોટું. તેઓ હંમેશા અમને કહેતા કે આપણે માત્ર પોતાના વિશે જ નહીં, પરંતુ અન્યો વિશે પણ વિચારવું જોઈએ. મારા પિતાએ હંમેશા અન્યાય સામે લડત આપી હતી."

પોતાના માતા વિશે જણાવતાં ઈલાબહેને કહ્યું,

"મારી માતાને પણ સાચા-ખોટાની સમજ હતી. તે દરેક બાબતને સરળતાથી તોલી શકતી હતી. તેનામાં ઘણાં બધાં ગુણો હતાં. તે ભાષણ પણ સરસ આપતી. તે મહિલાઓના કાર્યક્રમમાં પણ ઘણો ભાગ લેતી. તેણે મહિલાઓના અધિકારો માટે લડાઈ પણ લડી."

ઈલાબહેનના માતા વન લીલા વ્યાસ પોતાના સમયના મોટા સામાજિક કાર્યકર્તા હતાં અને તેમણે ઘણાં મહિલા આંદોલનોનું નેતૃત્વ કર્યું હતું. તે ઑલ ઇન્ડિયા વિમેન્સ કોન્ફરન્સના પણ નેતા હતાં. વન લીલા પોતાના ઘર-પરિવારની ઘણી જવાબદારીઓ નિભાવતા જ મહિલા આંદોલનોમાં ભાગ લેતા. ઈલાબહેન કહે છે, "અમારા ઘરે કોઈ નોકર-ચાકર ન હતાં. માતા જ બધું કામ કરતી. ઘરનું બધું કામ કર્યા બાદ પણ તે પોતાના કામ માટે સમય કાઢી લેતી હતી."

પોતાની માતા માટે ઈલાબહેન એટલે આટલો ગર્વ અનુભવે છે કારણ કે તેઓ સુરતની અન્ય મહિલાઓની જેમ રૂઢીવાદી નહતા અને બદલાતા સમયની સાથે મહિલાઓને પણ બદલાવાની સલાહ આપતી. તેઓ મહિલા ક્લબ પણ જતાં.

આવા જ ઉચ્ચ વિચારો ધરાવતા પરિવારમાં ઇલાબહેનનું પાલન પોષણ થયું. ઈલાબહેનનું બાળપણ સુરતમાં વીત્યું. માતા-પિતાએ સુરતની મ્યુનિસિપલ કન્યા પાઠશાળામાં તેમનો પ્રવેશ કરાવ્યો. સ્કૂલ ઘરની પાસે હતી અને ઇલાબહેન પોતાની બે બહેનો સાથે સ્કૂલ જતાં. તેમનું સ્કૂલનું શિક્ષણ ગુજરાતીમાં જ થયું.

ઈલાબહેને એ સમયે સ્કૂલમાં પગ મૂક્યો, જ્યારે આઝાદીની લડત તેના શિખર પર હતી. સ્કૂલ સમયની ઘણી બધી ઘટનાઓ આજે પણ ઈલાબહેનના મનમાં તાજી છે. તેમને યાદ છે કે કેવી રીતે ગોળીઓના અવાજ બાદ સ્કૂલમાં રજા અપાઈ જતી હતી. ઇલાબહેન જ્યારે સ્કૂલમાં હતાં, ત્યારે ચારેય બાજુ આંદોલનો થઇ રહ્યાં હતાં. પૂરું જોર લગાવીને અંગ્રેજોને દેશની બહાર કરવાના પ્રયત્નોમાં હતાં. દિવસે ને દિવસે સુરતમાં પણ આઝાદીની લડાઈ જોર પકડી રહી હતી. અવારનવાર પોલીસ અને સ્વાતંત્ર્ય સેનાનીઓ વચ્ચે હિંસક ઝડપ થઇ જતી. ઈલાબહેન એ જ દિવસોની યાદો તાજા કરતા જણાવે છે,

"ચારેય બાજુ આઝાદીની વાતો હતી. લોકો ગાંધીજીની વાતો કરતા, ભગતસિંહની ચર્ચા હતી. ગોળીબારનો અવાજ જાણે રોજના જીવનનો ભાગ બની ગયો હતો."

ઇલાબહેન જ્યારે સ્કૂલમાં હતાં, ત્યારે દેશને આઝાદી મળી ગઈ હતી. આઝાદી મળવાની ઉજવણીનો એ દિવસ પણ તેમને યાદ છે, પણ જે દિવસે ગાંધીજીની હત્યા થઇ હતી એ દિવસે સ્કૂલમાં શોકનો માહોલ હતો. ઇલાબહેનને પણ ઘણું દુઃખ થયું હતું. દુઃખના એ સમયમાં ઇલાબહેને પોતાના નાયક મહાત્મા ગાંધી પર એક કવિતા પણ લખી હતી. એ કવિતા વાંચીને સ્કૂલના સંસ્કૃત વિષયના શિક્ષક ઘણાં જ પ્રભાવિત થયાં હતાં કે તેમણે તમામ વિદ્યાર્થીઓની સમક્ષ ઈલાબહેનને એ કવિતા વાંચવાનું કહ્યું હતું.

જોકે ઇલાબહેને આઝાદીની લડાઈમાં સીધો ભાગ નહતો લીધો પણ તેમનો ફાળો પણ કંઈ ઓછો નહતો. તેમણે સ્વતંત્રતા સેનાનીઓની ખૂબ મદદ કરી હતી. જ્યારે જયારે તેઓ પોતાના નાના અને મામાના ઘરે જતાં, ત્યારે તેમને આઝાદીની લડાઈમાં પોતાનું યોગદાન આપવાનો મોકો મળતો. ઇલાબહેને કહ્યું,

"મારા નાનાના ઘરે ઘણી વખત પોલીસને રેડ પડતી. નાનાના ઘરેથી જ જુલૂસ નીકળતા. પોલીસે મારા ત્રણેય મામાને પકડી લીધા હતાં. એક દિવસ જ્યારે હું ઘરે હતી, ત્યારે પોલીસની રેડ પડી હતી. મને ખબર હતી કે ઘરે એક પ્રતિબંધિત પુસ્તક હતું. બાળકો પણ જાણતા હતાં કે તે પ્રતિબંધિત છે. જેવું મેં જોયું કે પોલીસ આવી રહી છે મેં તરત જ એ પુસ્તક પૂજા ઘરમાં લઇ ગઈ. મેં એ પુસ્તકને ગીતા, રામાયણ જેવા અન્ય ધાર્મિક પુસ્તકો વચ્ચે છુપાડી દીધું. પોલીસ ક્યારેય આ ધાર્મિક પુસ્તકોને હાથ નહતી અડાડતી અને એ દિવસે પણ તેઓ અમારા ઘરેથી ખાલી હાથે નીકળી ગયા."

ઈલાને નાની ઉંમરે પણ મોટી જવાબદારીઓ નિભાવવાની હતી. આઝાદીની લડત જ્યારે ચરમસીમા પર હતી ત્યારે પોલીસની નજર પણ તમામ સેનાનીઓ પર રહેતી અને એ સમયે ઇલાબહેનની સ્ફૂર્તિ અને બુદ્ધિક્ષમતા સેનાનીઓના બહુ કામમાં આવી. ગુપ્ત ચિઠ્ઠીઓને યોગ્ય સમયે, યોગ્ય હાથોમાં પહોંચાડવાની જવાબદારી ઈલાબહેનને ઘણી વાર સોંપવામાં આવી. નાના અને મામા, નામ અને સરનામું કહીને ઇલાબહેનના હાથમાં ચિઠ્ઠીઓ પકડાવી દેતા અને ઈલાબહેન તે ચિઠ્ઠીઓને યોગ્ય જગ્યાએ પહોંચાડી પરત ફરતા. ઈલાબહેન સાઈકલ પર સવાર થઈને જતાં હતાં અને પોતાનું મિશન પૂરું કરીને પાછા આવતા. તે એક છોકરી હતાં, ઉંમર પણ નાની, આજ કારણે પોલીસને ક્યારેય ઇલાબહેન પર શક ન ગયો. ઈલાબહેન કહે છે,

"એ દિવસો બહુ જ રોમાંચક હતાં. ગલી ગલી જઈને ચિઠ્ઠીઓ પહોંચાડવાની ઘણી મજા આવતી. તે કંઇક અલગ જ દિવસો હતાં. મેં રાષ્ટ્રભક્તિના ગીતો શીખ્યા હતાં અને હંમેશા એ ગીતો ગણગણ્યા કરતી."

બાળપણમાં 'વૈષ્ણવ જન તો તેને કહીએ..' ઇલાબહેનનું મનપસંદ ભજન હતું.

ઈલા ભટ્ટે આઝાદીની લડાઈ પણ જોઈ અને આઝાદી મળ્યા બાદના દિવસો જોયા અને માણ્યા પણ. સાથે જ તેમણે દેશમાં નવ-નિર્માણની પ્રક્રિયા શરૂ થતાં પણ જોઈ. સ્કૂલના દિવસોમાં ઇલાબહેને નક્કી કરી લીધું હતું કે તેઓ ભારતના નિર્માણમાં ભૂમિકા ભજવશે.

સ્કૂલનું શિક્ષણ પૂરું થયા બાદ ઈલાબહેને એમટીબી કોલેજથી આર્ટ્સમાં ગ્રેજ્યુએશન કર્યું. ગ્રેજ્યુએશનનું ભણતર પત્યા બાદ તેમણે કાયદાનું શિક્ષણ મેળવવાનું શરૂ કર્યું. ઈલાબહેન કહે છે,

"અમે ત્રણ બહેનો હતી. અમારે કોઈ ભાઈ નહતો. વકીલાતમાં પરિવારની વિરાસત આગળ વધારવાની હતી. અમારે ત્રણ બહેનોમાંથી કોઈ ને કોઈએ તો વકીલ બનવાનું જ હતું. એટલે મેં કાયદો ભણવાનું અને વકીલ બનવાનો નિર્ણય લીધો."

કાયદાના શિક્ષણ બાદ પહેલાં સુરતમાં અને છેલ્લા વર્ષની ફાઈનલ ટર્મ વખતે અમદાવાદની 'સર એલ એ શાહ લૉ કોલેજમાં પ્રવેશ મેળવ્યો અને અહીંથી જ 1954માં કાયદાની ડીગ્રી મેળવી. ઇલાબહેને શિક્ષણ દરમિયાન હિંદુ કાયદા પર વિશેષ અધ્યયન કર્યું હતું અને આ ક્ષેત્રમાં શાનદાર પ્રદર્શનના કારણે તેમને સ્વર્ણ પદક પ્રદાન કરાયું. થોડા સમય સુધી ઈલાબહેને શ્રીમતી નાથી બાઈ દામોદર ઠાકરે વુમન યુનિવર્સીટીમાં વિદ્યાર્થીઓને અંગ્રેજીનું શિક્ષણ આપ્યું.

ઈલાબહેન જ્યારે કાયદાનું શિક્ષણ લઇ રહ્યાં હતાં, ત્યારે તેમના માતા-પિતા અને શિક્ષકોએ એમને કહ્યું હતું- 'ગામડે જાઓ, ત્યાં રહો, તેમની પાસેથી શીખો, સૌની મદદ કરો, ન્યાય અને અન્યાયને સમજો, સઘર્ષ પણ કરો અને વિકાસ પણ.' આજ વાતો ઇલાબહેનના જીવનના આશય બની ગયા. તેઓ કહે છે.

"મારા પરિવારના સંસ્કારોએ જ મને લોકોની મદદ કરવાનું શીખવ્યું. જિંદગીનો રસ્તો પસંદ કરવામાં મને કોઈ મુશ્કેલી ના પડી. ગાંધીજીએ રસ્તો બતાવ્યો હતો, તેમણે કહ્યું હતું કે નવો દેશ બનાવવાનો છે. મેં પણ દેશ માટે કામ કરવાનો નિર્ણય લઇ લીધો હતો."

દેશ નિર્માણમાં સમર્પિત થવાના આશયથી ઈલાબહેને લોકોની સ્થિતિ-પરિસ્થિતિને જાણવા-સમજવાની કોશિશ શરૂ કરી. તેઓ કેટલાંયે લોકોને મળ્યા, લોકોની સમસ્યાઓને સમજવાની શરૂ કરી. ઈલાબહેને દેશમાં ગરીબીના કારણો પણ જાણવાની શરૂઆત કરી. કાયદાનું શિક્ષણ લેતી વખતે તેમણે સંવિધાન હેઠળ લોકોને મળતાં અલગ અલગ અધિકારો વિશે પણ જાણ્યું. પોતાના પ્રયાસોથી ઇલાબહેનને બે વાતોનો અહેસાસ થયો- પહેલું, કેટલાંયે લોકો પોતાના અધિકારોથી વંચિત છે અને તેનું સૌથી મોટું કારણ છે કે લોકોને પોતાના અધિકારો વિશે જાણકારી નથી. બીજું, ગરીબ લોકોને જો મોકો આપવામાં આવે તો તેઓ કામ કરવામાં અને પોતાની આર્થિક સ્થિતિ સુધારવા સક્ષમ થશે. મોકા ન મળવાથી અને શોષણનો શિકાર થવાના કારણે કેટલાંયે લોકો ગરીબ બનીને જ જીવી રહ્યાં છે. આ અહેસાસ બાદ ઈલાબહેને નિર્ણય કરી લીધો કે લોકોને તેમના અધિકાર અપાવવા અને ગરીબી દૂર કરવા જરૂરીયાતમંદોની મદદ કરવાનું જ તેમનું લક્ષ્ય હશે. આજ આશયથી તેઓ ટેક્સટાઈલ લેબર એસોશિયેશન (કપડાં કામગાર સંઘ)થી જોડાઈ ગયા. કાયદાની ડીગ્રી લેતા જ તેમણે મજૂર સંગઠનમાં સક્રિય ભૂમિકા નિભાવવાની શરૂ કરી દીધી. ઈલાબહેન કાયદાના જાણકાર હતાં, તેમને કાયદાકીય મામલા જોવાની અને સંભાળવાની જવાબદારી સોંપવામાં આવી. મજૂરોનો પગાર, તેમના બોનસ જેવા મામલા જોવા, સમજવાની જવાબદારી ઈલાબહેનના ખભા પર હતી.

સંગઠનમાં કામ કરતા કરતા જ ઈલાબહેને કાયદાકીય લડાઈ લડી અને મજૂરોને ન્યાય અપાવવાની શરૂઆત કરી પરંતુ તેમની મોટી લડાઈ સંગઠનમાં હાજર રૂઢીવાદી તાકાતો સામે પણ હતી. ઈલાબહેન સુરતમાં ઉછર્યા હતાં, એટલે તેમના પર ત્યાની સંસ્કૃતિનો વધુ પ્રભાવ હતો અને સુરતના લોકો પર મુંબઈની સંસ્કૃતિ અને રહેણી-કહેણીનો પ્રભાવ હતો. ઇલાબહેન કહે છે,

"મેં જયારે કપડાં કામગાર સંઘ માટે કામ કરવાનું શરૂ કર્યું ત્યાં સંગઠનમાં મહિલાઓ ન હોવાના બરાબર હતી. હું એ દિવસોમાં તો માથે પલ્લુ નાખીને માથું પણ નહતી ઢાંકતી, આ જ વાતને લઈને સંગઠનના ઘણાં પુરુષોને આપત્તિ હતી. સુરતમાં મહિલાઓ માથે નહતી ઓઢતી અને વાળમાં ફૂલ નાખતી હતી પરંતુ અમદાવાદમાં લોકો સુરત જેવા ન હતાં. શરૂઆતમાં તો એક બે લોકોએ મને ટોકી પણ મેં તેમનું ન સાંભળ્યું."

મોટી વાત તો એ છે કે કપડાં કામગાર સંઘના કર્મચારીઓમાં ઈલાબહેન એકમાત્ર મહિલા હતાં. કોર્ટમાં જયારે તે મજૂરો તરફથી દલીલો કરતા ત્યારે કોર્ટમાં પણ તે એકમાત્ર મહિલા હતાં.

ઈલાબહેનની વાત માત્ર જાગરૂકતા અભિયાનો સુધી સીમિત ન રહી. તેઓ પુરુષો સાથે ખભેથી ખભો મલાવીને કામ કરવાના સમર્થક હતાં. ઈલાબહેન ખુદ પણ પુરુષોની સમાન મહેનત કરતા હતાં. કપડાં મજૂરોના હિતોની રક્ષા માટે તેઓ કંઈ પણ કરવા હંમેશા તૈયાર રહેતા. દૂર-દૂર સુધી કાપડ મિલોમાં જઈને મજૂરોને મળતાં અને તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવતા. થોડા જ સમયમાં તેમણે સમગ્ર અમદાવાદમાં 'કાપડ મજૂરોનો અવાજ' તરીકેની ઓળખ બનાવી લીધી હતી. મજૂરોના હક્કોની લડાઈ માટે તેમણે દૂર દૂર સુધી જવું પડતું હતી, સંગઠને તેમને સ્કૂટર પણ લઇ આપ્યું હતું. તેઓ સમગ્ર અમદાવાદમાં સ્કૂટર ચલાવનાર બીજી મહિલા બન્યાં. આ એ સમય હતો, જ્યારે ઇલાબહેને પોતાની તાકાત, કાબેલિયત, દ્રઢ સંકલ્પ, કાયદાના જ્ઞાનનો પરિચય આપવાની સાથે સાથે પોતાની નેતૃત્વ ક્ષમતાનો પરોચાય આપવાનું પણ શરૂ કરી દીધું હતી. નેતૃત્વની શાનદાર ક્ષમતા જોઇને ઈલાબહેનને કાપડ કામગાર સંઘની મહિલા વિંગના પ્રભારી બનાવી દેવાયા હતાં. આ જ સમય દરમિયાન ઈલાબહેનને ઇઝરાયેલ જવાનો મોકો મળ્યો. ઇઝરાયેલના પ્રવાસ દરમિયાન તેમણે એફ્રો એશિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ લેબર એન્ડ કૉ-ઓપરેટિવ ઇન તેલ અવિવથી ઘણું શીખવા મળ્યું. 'લેબર એન્ડ કૉઓપરેટિવ'માં આંતરરાષ્ટ્રીય ડીપ્લોમાની સાથે ઈલાબહેન ઇઝરાયેલથી ભારત પરત ફર્યા.

કાપડ કામગાર સંઘ માટે કામ કરતી વખતે પણ ઈલાબહેન ઘણી નવી વાતો શીખ્યા અને સમજ્યા. ઇલાબહેન કહે છે,

"એ દિવસોમાં મેં જોયું કે દેશમાં હજારો એવી આર્થિક પ્રવૃત્તિઓ છે, જ્યાં માલિક-મજૂરનો સંબંધ નથી, જ્યાં શેઠ-નોકરનો સંબંધ નથી. લાખો-કરોડો લોકો એવા છે જે સ્વયં રોજગાર કરે છે. અને સ્વરોજગારો માટે કોઈ કાયદો પણ નથી. મને એ વાત પર ઘણું આશ્ચર્ય થયું કે દેશના સૌથી મોટા શ્રમદળના અધિકારીઓની રક્ષા માટે કોઈ કાયદો નથી. આ વાત પણ મારી સમજની બહાર હતી કે દસથી બાર કલાક કરતા સ્વરોજગાર પર નિર્ભર લોકો આખરે ગરીબ કેમ છે? કેમ આ લોકો ભૂખ્યા પેટે સૂવા મજબૂર છે. દેશમાં સ્વરોજગાર પર નિર્ભર લોકો માટે ના તો કોઈ કારગર નીતિ હતી ના તો કોઈ કાયદો."

ઈલાબહેને આ વાત પર પણ ધ્યાન આપ્યું કે કાપડ મિલોમાં કામ કરતા કર્મચારીઓ અને મજૂરોના પરિવારોની ઘણી મહિલાઓ પરિવારની આવક વધારવા અન્ય જગ્યાઓ પર કામ કરતી. તેમણે હવે સ્વરોજગારોના હક્કમાં લડાઈ લડવાનો મોટો નિર્ણય લઇ લીધો હતો. તેમણે શરૂઆત કાપડ મિલ મજૂરોના પરિવારોની મહિલાઓથી જ કરી. ઈલા ભટ્ટની કોશિશોના કારણે હવે મહિલાઓને કાપડ કામગાર સંઘનું મહિલા વિંગમાં સદસ્યતા મળવા લાગી.

ઈલાબહેને ફરી એક વાર મોટો નિર્ણય લીધો. તેમણે સ્વરોજગાર મહિલાઓને સંગઠિત કરી તેમના અધિકારો માટે લડાઈ લડવાનું નક્કી કર્યું. 1970માં ઈલાબહેને સ્વરોજગાર મહિલાઓને સંગઠિત કરવાનું કામ શરૂ કર્યું. એ સમયે પુરુષ હોય કે મહિલાઓ, તમામ સ્વરોજગાર અસંગઠિત હતાં. સરકાર તરફથી એમને કોઈ પ્રકારની માન્યતા પ્રાપ્ત નહતી થઇ. તેમની આગેવાની કરનાર પણ કોઈ નહતું. ના કોઈ યુનિયન, ના કોઈ નેતા. તેમના અધિકારો માટે કોઈ તગડું આંદોલન પણ નહતું થયું. એવી સ્થિતિમાં ઈલાબહેને નિર્ણય કર્યો- સ્વરોજ્ગારોને સંગઠિત કરવા, તેમના અધિકારોની રક્ષા માટે આંદોલનની પહેલ કરવી અને સ્વરોજગારોને સંવૈધાનિક અધિકાર અપાવવાનો.

આજ નિર્ણયને અમલમાં લાવતા ઈલાબહેને 1972માં સેલ્ફ એપ્લોઈડ વિમેન્સ એસોશિયેશન (SEWA) એટલે કે સ્વરોજગાર મહિલા સંઘ (સેવા)ની સ્થાપના કરી. તે દેશમાં સ્વરોજગારો માટે પહેલું સંગઠન હતું. આ સંગઠનની શરૂઆત કરી ઈલાબહેને નવો ઈતિહાસ રચી દીધો.

મહિલાઓની મદદ કરતા તેમણે પૂર્ણ રૂપથી આત્મનિર્ભર અને સ્વાવલંબી બનાવવા 'સેવા'ને શરૂ કરવાનું મુખ્ય લક્ષ્ય હતું. રોટી, કપડાં અને મકાનની સમસ્યા દૂર કરવાની હતી. મહિલાઓની સામાજિક અને આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરવાની હતી. 'સેવા' દ્વારા મહિલાઓમાં તેમના કૌશલ્યનો વિકાસ કરી તેમને કારોબારમાં આગળ વધારવાનું પણ એક મોટું લક્ષ્ય હતું.

ઈલાબહેને સ્વરોજગાર મહિલાઓનું સંગઠન તો બનાવી લીધું પણ તેમની સામે હજી ઘણાં મોટા પડકારો હતાં. પહેલો મોટો પડકાર સામે આવ્યો તે હતો સંગઠનની નોંધણી. ટ્રેડ યુનિયનના રજીસ્ટ્રારે સંગઠનને રજીસ્ટર કરવાની ના પાડી દીધી. રજીસ્ટ્રારની દલીલ હતી કે શ્રમિક સંગઠન બનાવવું છે તો પહેલાં તે માલિકનું નામ કહેવાનું રહેશે જ્યાં સંગઠનની મહિલાઓ નોકરી કરી રહી છે. સંગઠનની તમામ મહિલાઓ અલગ અલગ જગ્યાએ કામ કરતી હતી અને સ્વરોજગાર પણ હતી, તેમના કોઈ માલિક ન હતાં. આ અંગે ઇલાબહેન કહે છે,

"નોંધણી માટે પણ અમને લડાઈ લડવી પડી. અમે ધરણા-પ્રદર્શન કર્યું અને દિલ્હી પણ ગયા. આંદોલન કર્યા બાદ જ રજીસ્ટ્રારે અમારા સંગઠનની નોંધણી કરી."

સંગઠનની નોંધણી બાદ સદસ્યોને આર્થિક રીતે મદદ કરવાનો મોટો પડકાર સામે આવ્યો. તમામ બેંક્સ સ્વરોજગારોને લોન આપવા તૈયાર ન હતી. ઇલાબહેન કહે છે,

"એ દિવસોમાં સ્વરોજગારોની કોઈ સુરક્ષા ન હતી. બેંક લોન આપવાની ના પડતી અને એટલે લોકો માર્કેટથી લોન લેતા. મેં જોયું કે કેટલાંયે લોકો દેવામાં ડૂબેલા હતાં. શાહૂકાર એમનું શોષણ કરતા. એક દિવસ અમારી સંગઠનની બેઠકમાં બેંકથી કેવી રીતે લોન લેવામાં આવે એ વાત પર ચર્ચા થઇ રહી હતી, ત્યારે ચંદાબહેન નામની એક સદસ્યએ કહ્યું કે- કેમ આપણે બેંકમાં આપણું ખાતું ન ખોલાવી લઈએ? મને એ વાત સાચી લાગી."

ચંદાબહેનનું સૂચન માનીને ઈલાબહેને સેવા કૉ-ઓપરેટિવ બેન્કનો પાયો નાખ્યો. પરંતુ આ વખતે નોંધણીમાં ઘણી અડચણો આવી. કૉ-ઓપરેટિવ બેંકોના રજીસ્ટ્રારે પણ નોંધણીની ના પાડી દીધી. ભારતની રીઝર્વ બેંકે પણ વાંધો રજૂ કર્યો. રીઝર્વ બેંકના અધિકારીઓની ફરિયાદમાં એક એ પણ હતું કે મોટા ભાગની મહિલાઓ અશિક્ષિત છે અને જ્યારે બેંકમાં ખાતેદાર બનશે કે પછી ચૂંટણી જીતીને ડાયરેક્ટર બનશે ત્યારે બેંક કેવી રીતે ચલાવશે. ઈલાબહેન કહે છે,

"અમે નિર્ણય કર્યો કે અમે બધી મહિલાઓને લખતા-વાંચતા પણ શીખવાડીશું. અમે દિવસ રાત મહેનત કરી. જ્યારે અમારી સભ્યો હસ્તાક્ષર કરવાનું શીખી ગઈ ત્યારે અમે બેંક અધિકારીઓને અમારી બેંકની નોંધણી કરવાનું કહ્યું. ઘણી મુશ્કેલી બાદ અમારી બેંકની નોંધણી થઇ શકી."

સેવા કૉ-ઓપરેટિવ બેંકે કામ કરવાની શરૂઆત કરી, બહેનોની જિંદગીમાં બદલાવ આવવાની શરૂઆત થઇ ગઈ. મહિલા સદસ્યોને લોન મળવા લાગી અને તે રકમથી મહિલાઓ નવો કારોબાર શરૂ કરવા લાગી કે પછી પોતાના જૂના કારોબારનો વિસ્તાર કરવા લાગી. આ બેંકના માધ્યમથી 'સેવા'ને શરૂ કરવાનું મુખ્ય લક્ષ્ય- એટલે કે મહિલાઓને સંપૂર્ણ રોજગારરહી જોડવા પૂરું થવા લાગ્યું.

સંગઠન અને તેનાથી જોડાયેલી સંસ્થાઓ મહિલા સદસ્યોને આવાસો, બચત, પેન્શન તથા વીમા જેવી સેવાઓ પણ પ્રદાન કરે છે. એટલે કે 'સેવા' માતૃ સંસ્થા છે અને 'સેવા' બેંક, ગુજરાત રાજ્ય મહિલા સેવા સહકારિતા સંઘ લિ., 'સેવા' અકાદમી, 'સેવા' પારિસ્થિતિકી પર્યટન, 'સેવા' નિર્માણ કન્સ્ટ્રકશન વર્કર્સ લિ., લોક સ્વાસ્થ્ય, 'સેવા' ઇન્સ્યોરન્સ, 'સેવા' કલાકૃતિ, 'સેવા સંકાર કેન્દ્ર' જેવી સંસ્થાઓ સહયોગી સંસ્થાઓ છે.

ઘણી ખુશી વ્યક્ત કરતા ઈલાબહેને જણાવ્યું,

"અમારા સંગઠનમાં અત્યારે 18 લાખથી વધુ સદસ્ય છે. અમારું સંગઠન હવે ગુજરાતની બહાર ઘણાં રાજ્યોમાં સક્રિય છે. અમારી બેંકમાં 4 લાખ ખાતેદારો છે. બેંકની વર્કિંગ કેપિટલ 300 કરોડ રૂપિયા છે. બેંકમાં દર વર્ષે 9 થી 12% ડિવિડંડ પણ આપવામાં આવે છે."

તેઓ વધુમાં જણાવે છે,

"જે દિવસે સરકારે સ્વરોજગારોને ઓળખપત્ર આપ્યા, તે દિવસે મને ખૂબ ખુશી થઇ. એ વાતની મને વધારે ખુશી થઇ કે તેમને પણ સરકારી યોજનાઓ સાથે જોડવામાં આવ્યા અને તેઓ પણ પાંચ સામાજિક સુરક્ષા યોજનાઓના હકદાર બન્યાં. તેઓ હવે વીમા અને સ્વાસ્થ્ય સુવિધાઓનો લાભ ઉઠાવી શકે છે."

હાલના સમયની મહિલા આંદોલનકારીઓ વિશે પૂછેલા એક સવાલના જવાબમાં ઈલાબહેને કહ્યું,

"હું માનું છું કે આજની મહિલાઓ બહુ બહાદુર છે. દરેક જમાનાની મહિલાઓથી ઘણી મજબૂત છે. હું બસ તેમને એક સલાહ આપીશ, હું કહીશ- જીવનમાં સાદગીને અપનાવો, જીવનના ઘણાં સવાલોના જવાબ સાદગીમાં છે. સાદગીથી જીવન સફળ થશે."

ઈલાબહેન પહેલથી મહાત્મા ગાંધીજીના વિચારોમાં ઊંડી શ્રદ્ધા ધરાવે છે. સાદગી તેમનું સૌથી મોટું આભૂષણ રહ્યું છે. જીંદગીના દરેક કામમાં સાદગી અને સ્વચ્છતા પસંદ કરે છે. તેઓ આજે પણ ખાદીના કપડાં પહેરે છે. અહિંસામાં તેમને અતૂટ વિશ્વાસ છે. સત્ય અનેન ઈમાનદારી તેમના જીવનમાં સૌથી મોટા અસ્ત્ર છે. 83 વર્ષના થઇ ચૂક્યા છે, પરંતુ હજી પણ પોતાના તમામ કામ જાતે જ કરે છે. ન્યાયની લડાઈમાં હાર ન માનવાનો જુસ્સો આજે પણ તેમનામાં એટલો જ જોવા મળે છે.

ઈલાબહેનની એક મોટી ખાસિયત છે કે તેઓ અન્યાય બિલકુલ સહન નથી કરી શકતા. માતા-પિતા તરફથી મળેલા સંસ્કારોના કારણે તેઓ અન્યાયની સામે લડાઈ લડતા બિલકુલ નથી ગભરાતા. તેમના વિચાર અને સિધ્ધાંત બિલકુલ સ્પષ્ટ છે. તેમની લડાઈ અન્યાયની વિરુદ્ધ તેમજ જરૂરિયાતમંદોને રોટી, કપડાં અને મકાન મળે તેના સંઘર્ષની છે.

80ના દસકામાં જ્યારે ગુજરાતમાં આરક્ષણને લઈને આંદોલન શરૂ થયા હતાં ત્યારે ઈલાબહેને આરક્ષણનું સમર્થન કર્યું હતું. તેમણે એ વાતની પરવાહ ન કરી કે ખુદ તેમના જ સમાજના લોકો તેમના વિરોધી બની જશે. એટલે સુધી કે ઇલાબહેનના પાડોશીઓએ તેમના ઘર પર હુમલા કરવાના શરૂ કરી દીધા. તેમના ઘણાં સંબંધીઓ પણ તેમના વિરોધમાં જતાં રહ્યાં. ઈલાબહેનને વિવિધ ધમકીઓ પણ આપવામાં આવી, પરંતુ સિદ્ધાંતોના પાક્કા ઈલાબહેન ન રોકાયા, ન કોઈની સામે નમ્યા.

ઈલાબહેને લગ્ન પણ પોતાની મરજીથી કર્યા. 1956માં ઈલાબહેનના લગ્ન રમેશ ભટ્ટ સાથે થયા. બંનેના પ્રેમલગ્ન હતાં. ઈલાબહેનના માતા પિતા શરૂઆતમાં આ લગ્નના વિરોધમાં હતાં. તેનું કારણ પણ સાફ હતું- આર્થિક રૂપે રમેશનો પરિવાર એટલો સંપન્ન ન હતો જેટલો ઇલાબહેનનો પરિવાર હતો. રમેશના પિતા ટેક્સટાઈલ વર્કર હતાં. ઈલાબહેનના માતા-પિતા ઈચ્છતા હતાં કે તેઓ પોતાની દીકરીના લગ્ન તેમનાથી પણ વધુ સંપન્ન પરિવારમાં કરે. પરંતુ, ઈલાબહેનને રમેશ સાથે પ્રેમ થઇ ગયો અને તેમણે આ નિર્ણય કરી લીધો કે તેઓ રમેશ સિવાય બીજા કોઈને પોતાના જીવનસાથી નહીં બનાવે.

રમેશ અને ઈલાબહેનની મુલાકાત કોલેજના દિવસોમાં થઇ હતી. બંને એક જ ક્લાસમાં હતાં. રમેશ અન્ય વિદ્યાર્થીઓમાં લોકપ્રિય હતાં અને એક વિદ્યાર્થી નેતા પણ હતાં. રમેશ પણ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાના પક્ષમાં હતાં. તેઓ સમાજવાદની નવી વિચારધારાથી પ્રભાવિત હતાં. ઇલાબહેનને ન માત્ર રમેશના વિચારો પસંદ પડયા પણ તેમના વ્યક્તિત્વથી પણ ઘણાં પ્રભાવિત થયા હતાં.

રમેશને જયારે આઝાદ ભારતમાં થયેલી પહેલી જનગણનાના આંકડા ભેગા કરવાનું કામ મળ્યું હતું ત્યારે તેમણે ઇલાબહેનને પણ પોતાની સાથે રાખ્યા. બંનેએ સુરતની ઝૂંપડપટ્ટીઓમાં જનગણનાનું કામ કર્યું. આ કામ દરમિયાન જ ઇલાબહેને ત્યાં રહેતી મહિલાઓની સમસ્યાઓ અને મુસીબતોને જોવાનો, જાણવાનો અને સમજવાનો મોકો મળ્યો. ગરીબ મહિલાઓના દુઃખ-દર્દે ઈલાબહેનને અંદરથી હચમચાવી નાખ્યા. તેમણે ત્યારે જ મહિલાઓના ઉત્થાન અને વિકાસ માટે કામ કરવાનો નિર્ણય કરી લીધો.

શરૂઆતમાં તો ઈલાબહેનના પરિવારે લગ્નને લઈને સખત વિરોધ નોંધાવ્યો. પણ એ બંનેનો પ્રેમ જોઇને સૌએ નમવું જ પડ્યું. ઇલાબહેન અને રમેશના લગ્ન 1956માં થયા. તેમનું જીવન પણ ઘણું સાદગી ભર્યું રહ્યું. તેમણે બે સંતાનો થયા- પહેલી દીકરી જેનું નામ અમીમયી તેમજ ત્યારબાદ દીકરાનો જન્મ થયો જેનું નામ મિહિર રખાયું.

ઇલાબહેનની સેવા માત્ર ગુજરાત, કે પછી ભારત સુધી સીમિત ન રહી. તેમણે આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ મહિલાઓને વધુ મજબૂત બનાવવા ખૂબ મહેનત કરી. ઈલા ભટ્ટે 1979માં ઇસ્થર ઓકલો અને મિશૈલા વાલ્શ સાથે મળીને 'વુમન વર્લ્ડ બેન્કિંગ' નામની સંસ્થાની સ્થાપના કરી. તેઓ વર્ષ 1980થી 1988 સુધી આંતરરાષ્ટ્રીય સંસ્થાના અધ્યક્ષ રહ્યાં. આ સંસ્થા 'સેવા'ની જેમ જ કામ કરે છે. 'વુમન વર્લ્ડ બેન્કિંગ' સંસ્થાનો આશય પણ ગરીબ અને જરૂરીયાતમંદ મહિલાઓને આર્થિક રૂપે પગભર બનાવવાનો છે. કે પછી સ્વરોજગાર પરની મહિલાઓમાં કૌશલ્યનો વિકાસ કરી તેમના કારોબારનો વિસ્તાર કરવાનો છે.

મહિલાઓના જીવન-સ્તરને ઊંચું ઉઠાવવા, તેમને સંગઠિત કરી તેમની તાકાત વધારવા, ગરીબ અને જરૂરીયાતમંદ મહિલાઓના અધિકારોની લડાઈનું નેતૃત્વ કરવા જેવા સાહસી, અદ્વિતીય અને પ્રભાવશાળી કાર્યો માટે ઈલાબહેનને દેશ અને દુનિયામાં કેટલાંયે મોટા સમ્માનો અને પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે. ગજબની નેતૃત્વ ક્ષમતાનો પરિચય આપવા બદલ ઈલા ભટ્ટને વર્ષ 1977માં 'સામુદાયિક નેતૃત્વ શ્રેણી'માં 'મેગ્સેસે પુરસ્કાર' આપવામાં આવ્યો. વર્ષ 1984માં તેમને સ્વીડનની સંસદે 'રાઈટ લિવલીહૂડ' અવોર્ડ પ્રદાન કર્યો. ભારત સરકારે તેમની સેવાઓને ધ્યાનમાં રાખીને 1985માં 'પદ્મશ્રી' સન્માનથી નવાજ્યા. આગળના વર્ષે જ એટલે કે 1986માં તેમને ભારત સરકારે 'પદ્મભૂષણ'થી નવાજ્યા. 2001માં હાવર્ડ યુનિવર્સીટીએ તેમને 'ઓનરેરી ડૉકટરેટ'ની ડીગ્રી પ્રદાન કરી. ત્યારબાદ યેલ, વડોદરા તેમજ અન્ય વિશ્વવિદ્યાલયોએ પણ તેમને 2010માં જાપાનના પ્રતિષ્ઠિત 'નિવાનો શાંતિ પુરસ્કાર'થી પણ સન્માનિત કરાયા. ઈલાબહેનને 2011માં ઇન્દિરા ગાંધી પુરસ્કાર પણ મળ્યો. ઇલાબહેન રાજ્યસભાના સદસ્ય પણ રહી ચૂક્યા છે. તેમણે ભારતીય યોજના આયોગમાં સદસ્ય તરીકે કામ કરીને મહિલાઓના ઉત્થાન અને વિકાસ માટે નવી નવી યોજનાઓ બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. એક સવાલના જવાબમાં ઈલાબહેને કહ્યું,

"હું ક્યારેય સફળતાના પરિપ્રેક્ષ્યમાં નથી વિચારતી. વિફળતા વિશે પણ નથી વિચારતી. હું બસ એજ વાત પર ધ્યાન આપું છું કે જે રસ્તા પર હું ચાલી રહી છું, તે સાચ્ચું હોય કે નહીં, ભલે મોડું થાય, પરંતુ મંજિલ સુધી પહોંચવાનો રસ્તો યોગ્ય હોવો જોઈએ."

ઈલાબહેન સાથે અમારી આ વિશેષ વાતચીત અમદાવાદ ખાતેના તેમના ઘરે થઇ હતી. આ ખાસ વાતચીત દરમિયાન એક સંદર્ભમાં મેં તેમને 'મેડમ' કહીને સંબોધ્યા. ત્યારે ઈલા રમેશ ભટ્ટે કહ્યું- જો તમે મને બહેન કહેશો તો વધારે ખુશિ થશે.

લેખક- ડૉ.અરવિંદ યાદવ, મેનેજિંગ એડિટર, ઇન્ડિયન લેન્ગવેજીસ, યોરસ્ટોરી

અનુવાદક- YS ટીમ ગુજરાતી

આવી જ અન્ય પ્રેરણાત્મક સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:

ધર્મથી મોટી છે માનવતા, જાણો કેવી રીતે સદફ આપાએ બચાવ્યો ગર્ભવતી રાજકુમારી અને તેના બાળકનો જીવ

તારા પાટકર પત્રકારત્વ છોડીને રોટી બેંક દ્વારા ભુખ્યાને ભોજન કરાવે છે!

ઘરેલુ હિંસાનો વિરોધ કરી, ચાલી નીકળી નવી રાહ પર, આજે સફળ ઉદ્યોગસાહસિક છે સ્મિતા ભારતી!