તણાવ ભગાવો, રચનાત્મકતા ખીલવોઃ ઉદ્યોગસાહસિકો માટે યોગ આશીર્વાદરૂપ
આ લેખ યોગ વિશે રચનાત્મક જાગૃતિ અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પરની શ્રેણીનો એક ભાગ છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી તારીખ 21 જૂનના રોજ થાય છે.
યોગના શારીરિક ફાયદા વિશે ઘણી જાગૃતિ આવી છે. પણ ઉદ્યોગસાહસિકો માટે યોગ વિવિધ પ્રકારની મુખ્ય જરૂરિયાતો પૂર્ણ કરે છે – જેમ કે, માહિતી પર પ્રક્રિયા કરવા ક્ષમતા વધારે છે, રચનાત્મકતા અને ઉત્પાદકતાનું સ્તર વધારે છે, તણાવને દૂર કરવા મજબૂતી પ્રદાન કરે છે અને માનસિક ક્ષમતામાં વધારો કરે છે. યોગના માનસિક, ચેતાતંતુ સાથે સંબંધિત અને શારીરિક લાભ ઘણા છે. તમે શોખીન હોવ કે નિષ્ણાત હોવ, આ પ્રાચીન કળા દરરોજ થોડી મિનિટ કરવાથી તમારા શરીરમાં ઊર્જાનો નવસંચાર થશે અને મનને નવેસરથી નવીન ઊર્જા પ્રાપ્ત થશે.
માનસિક ફાયદા
ચિકિત્સકો યોગનો ઉપયોગ મનને નબળું પાડતાં વિકારો અને એકાગ્રતા ઘટાડતી સમસ્યાઓનું નિવારણ કરવા સંલગ્ન પદ્ધતિ તરીકે કરે છે. સંશોધનોમાં દાવા કરવામાં આવ્યાં છે કે યોગથી મગજમાં ઓક્સિજનનો પ્રવાહ વધે છે અને તેના પરિણામે હતાશા-નિરાશા આવતી નથી. તમે જેટલા વધારે યોગ કરશો, તેટલી જ તમારા માનસિક સંતોષ અને ક્ષમતામાં વધારો થશે. યોગના એક સત્રમાં અભ્યાસ કર્યા પછી તમે અંદરથી શુદ્ધતા અનુભવશો, જે તમારા જીવનમાં ખરેખર હકારાત્મક દ્રષ્ટિકોણ તરફ દોરી જશે.
મોટા ભાગના ઉદ્યોગસાહસિકો ફિટનેસપ્રેમી હોય છે, છતાં તેઓ માનસિક સ્વસ્થતાને ઓછી પ્રાથમિકતા આપે છે. આ ખરેખર કમનસીબ બાબત છે, કારણ કે કોઈ પણ સ્ટાર્ટઅપની શરૂઆતમાં ઉદ્યોગસાહસિકને વધારે પડકારોનો સામનો કરવો પડે છે, જેમાં તેમની માનસિક ક્ષમતાની કસોટી થાય છે. આ સ્થિતિ સંજોગોમાં તમારે માનસિક અને શારીરિક સંતુલન જાળવવા પ્રયાસ કરવા પડે છે.
તણાવમાંથી મુક્તિ
સામાન્ય રીતે એવી માન્યતા છે કે તણાવથી શરીરને નુકસાન થાય છે, પણ તણાવ હંમેશા શરીરને નુકસાનકારક નથી. શરૂઆતમાં તણાવ મનુષ્યને અસ્તિત્વ ટકાવી રાખવાની કુશળતા શીખવે છે. જ્યારે તમે શૂન્યમાંથી સર્જન કરો છો, ત્યારે સૌપ્રથમ અસર તમારા શરીરને થાય છે. સતત એક પછી એક કામમાં વ્યસ્તતા અને નિયત સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવાથી તણાવમાં વધારો થાય છે.
અગાઉ ઉલ્લેખ કર્યા મુજબ તણાવ શરીરમાં હંમેશા નુકસાનકારક નથી. પણ જ્યારે તણાવમાંથી તમને છૂટકારો ન મળે ત્યારે એ તમારા શરીર માટે જીવલેણ બને છે. તેનાથી તમારા શરીરમાં એસિડનો ભરાવો થાય છે. એક સંશોધન મુજબ, મનુષ્ય ટ્રાફિકમાં ફસાઈ જાય અને કામમાં વિલંબ થવાના વિચારનો જે તણાવ અનુભવે છે એ તણાવનું પ્રમાણ કેટલું હોય છે? જ્યારે આફ્રિકાના જંગલોમાં સિંહ, જિરાફ અને ઝિબ્રાનો પીછો કરે ત્યારે તેઓ સિંહથી બચવા માટે જે તણાવ અનુભવે છે એટલો જ તણાવ મનુષ્ય અનુભવે છે!
એટલું જ નહીં, પહેલી વખત યોગનો અનુભવ કરનાર અને પોતાના ક્ષેત્રમાં બહોળો અનુભવ ધરાવતી વ્યક્તિઓ પણ પ્રથમ સત્રમાં જ તેની જાદુઈ અસરથી રોમાંચિત થઈ જાય છે. તેમને યોગથી સંતોષ અને હળવાશની લાગણી થાય છે. જેમણે થોડા સમયથી યોગની પ્રેક્ટિસ કરી છે, તેમના જીવનમાંથી લગભગ તણાવ દૂર થઈ જાય છે. યોગ મનુષ્યના મનને શાંત કરે છે અને વિચારવાયુમાં રાહત આપે છે. તેનાથી તન અને મન વચ્ચે સંવાદિત સ્થાપિત થાય છે.
ચેતાતંતુઓને લાભ
જ્યારે આપણે યોગ કરીએ છીએ, ત્યારે શારીરિક અને સંચારના ચેતાતંતુના સ્તર વચ્ચે સંતુલન પુનઃસ્થાપિત થાય છે તથા સાર્વત્રિક ઊર્જાનો પ્રવાહ પેદા થાય છે, જે તન અને મન બંનેને શાંતિ પ્રદાન કરે છે. યોગથી યાદશક્તિમાં સુધારો થાય છે અને તમારી સમજણ સ્પષ્ટ થાય છે. તે સંકલન અને ઊંડાણ વધારે છે.
રચનાત્મકતા અને સ્વાભાવિકતા
ઉત્પાદકતા અને આગામી મોટા વિચાર માટે સતત નજર દોડાવવાના યુગમાં આપણા મનને મજબૂત કરવું જરૂરી છે, કારણ કે મનમાં જ શ્રેષ્ઠ વિચારો પેદા થાય છે. યોગથી તમે તમારા આત્મા સાથે ફરી જોડાણ સ્થાપિત કરો છો, ઉદ્યોગસાહસિકતાની કુશળતામાં વધારો થાય છે.
યોગ ચિંતા અને તણાવમાં ઘટાડો કરે છે તથા પોતાની જાત વિશેની શંકા નિર્મૂળ કરવામાં મદદ કરે છે. તે જાગૃતિ વધારે છે. તેના પરિણામે સ્વસ્વીકાર્યતા જન્મે છે, જેનાથી તમે તમારી અંદર રહેલી તમામ ઊર્જાનો રચનાત્મક રીતે ઉપયોગ કરવા સક્ષમ બનો છો અને ઇચ્છિત પરિણામ હાંસલ કરો છો. સામાજિક કુશળતા, સુખાકારી, એકાગ્રતા અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે, ત્યારે નકારાત્મકતાનું સ્તર સંપૂર્ણપણે દૂર થાય છે. મનમાં તણાવ શરીરને નિર્બળ પાડે છે અને તેનાથી આપણે આપણી ક્ષમતાઓનો પૂરતાં પ્રમાણમાં ઉપયોગ કરી શકતા નથી, આપણી રચનાત્મકતાનો નાશ થાય છે અને આપણી અંદર રહેલી જીવંતતાનો નાશ થાય છે. યોગ આ તણાવ અને ચિંતાને દૂર કરે છે અને પછી આપણી અંદર રહેલી ક્ષમતાને સંવર્ધિત કરે છે.