ગ્રામીણ અને શહેરી ઉદ્યોગસાહસિકોને એક મંચ પર લાવવા ભરૂચના યુવાનની અનોખી પહેલ: સાબરમતી પ્રેરણા યાત્રા
આપણા દેશમાં એવાં કેટલાંયે હીરોઝ હશે કે જેઓ તેમની રોજબરોજની દુનિયામાં સફળતાના નવા મુકામો હાંસલ કરે છે. બધાથી અલગ કંઇક એવા હટકે કામ કરે છે કે જેનાથી આપણને સૌને પ્રેરણા મળે. બસ, આપણા માટે દુર્ભાગ્યની વાત એ છે કે આપણા દેશના એ ગ્રામીણ હીરોઝના એ કામ, સફળતા, સિદ્ધિઓ આપણી સુધી પહોંચે તેવા માધ્યમો આપણી પાસે નથી. પણ નીતિન ટેલર ગામે ગામ વસતા લોકોની અપાર સિદ્ધિઓને દુનિયા સમક્ષ લાવ્યા છે. અને તેની એક અનોખી સંસ્થા 'સર્વ હેપ્પીનેસ ફાઉન્ડેશન' કે જે સમાજમાં ખુશી ફેલાવવાના ધ્યેય સાથે તો કામ કરે જ છે પણ સાથે સાથે ગ્રામીણ ગુજરાતના 'અનસંગ હીરોઝ' (જેમની ખ્યાતિ આપણા સુધી નથી પહોંચી તેવા ગ્રામીણ હીરોઝ)ને સમગ્ર દેશ-દુનિયાથી વાકેફ કરાવે છે.
ગુજરાતના ભરૂચમાં નર્મદા નદીને કિનારે જન્મેલા અને ઉછરેલા નીતિન ટેલર 'સર્વ હેપ્પીનેસ ફાઉન્ડેશન'ના CEO અને ફાઉન્ડર છે. જેમ તેમની સંસ્થાનું નામ છે તે રીતે સમાજમાં હેપ્પીનેસ તો તે ફેલાવે છે. પરંતુ એક એવી વાત જે તેમણે અન્ય સોશિયલ આન્ત્રપ્રેન્યોર્સથી અલગ પાડે છે એ છે કે તે ગ્રામીણ લોકો અને શહેરના લોકો વચ્ચે એક મહત્ત્વપૂર્ણ કડી બને છે. તેઓ ભરૂચ અને નર્મદા જીલ્લાના ખૂબ ઓછા જાણીતાં પણ કુદરતની નજીક હોય તેવા સ્થળોની મુલાકાત તો કરાવે છે પણ તેની પાછળનો આશય હોય છે વિવિધ સંસ્કૃતિનું આદાન-પ્રદાન અને સાથે જ ગ્રામીણ લોકોની સિદ્ધિઓને ગામની બહાર શહેર અને દેશ-દુનિયા સુધી લઇ જવાનો.
નીતિન અત્યાર સુધી બેંગલુરુ અને સ્વીડનના સ્ટાર્ટઅપ્સ સાથે કામ કરી ચૂક્યા છે તેમજ 'ઇન્ટરનેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી (IIIT)માંથી M.Tech કર્યા બાદ તેમણે પ્રોફેસર તરીકે વિવિધ યૂનિવર્સિટીમાં સેવા આપી છે તેમજ સ્વીડનની માલમો યૂનિવર્સિટીમાં ઇંટરનૅશનલ સ્ટુડન્ટ તરીકે ભારત દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ અંગે નીતિન જણાવે છે,
"મેં સ્વીડન તેમજ બેંગલોરમાં આંતરરાષ્ટ્રીય સૉફ્ટવેર કંપનીમાં જોબ કરી હતી. પરંતુ મેં મારા અભ્યાસનો ઉપયોગ દેશના યુવાનોને પ્રેરણા આપવાના ઉદેશ્ય સાથે સારા પગારની નોકરી અને વિદેશની ઑફર છોડીને માદરે વતન ભરૂચ આવવાનો નિર્ણય લીધો. અને 3 વર્ષ સુધી ગામડાઓમાં લોકોનું શિક્ષણ તેમજ આરોગ્ય સુધારવાનું કામ કર્યુ."
2014માં શરૂઆત થઇ 'નર્મદા પ્રેરણા યાત્રા'ની
યુવાનોને પ્રેરણા પૂરી પાડવા તેમજ ગુજરાતના ભરૂચ-નર્મદા જિલ્લાઓને પ્રમોટ કરવાના આશયથી 2014માં નર્મદા પ્રેરણા યાત્રાની શરૂઆત કરવામાં આવી. જેમાં દેશના 12 રાજ્યોમાંથી 100 યુવાનોએ જોડાવાની ઈચ્છા દર્શાવી. જેમાંથી 25 લોકોને પસંદ કરાયા અને આ યાત્રાની શરૂઆત કરવામાં આવી. નર્મદા પ્રેરણા યાત્રાના આયોજન અંગે નીતિન જણાવે છે,
"આ સમગ્ર યાત્રાનો આશય ગામના એ લોકોની સિદ્ધિઓને જાણવાનો અને પ્રોત્સાહિત હતો જેઓ છેલ્લા કેટલાંયે સમયથી કોઈ પણ જાતની પ્રશંસા કે અન્ય કોઈ વળતરની અપેક્ષા વગર કામ કરે જાય છે. ભરૂચ અને નર્મદાના ઘણા ગામોમાં એવા કેટલાંયે લોકો છે જેઓ હેલ્થ, એજ્યુકેશન, પુન: પ્રાપ્ય ઉર્જા જેવા ક્ષેત્રોમાં પોતાનું મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહ્યાં છે. સાથે જ તેમની કામગીરી દ્વારા તેઓ તેમની આસપાસ રોજગારીનું પ્રમાણ પણ વધારી રહ્યાં છે. આવા અનસંગ હીરોઝમાંથી યાત્રામાં જોડાતા યુવાનોએ પ્રેરણા લઇ પોતે પણ એક સામાજિક પહેલ કરી તે વાતનો મને આનંદ છે."
ગ્રામીણ લોકોમાંથી ઉદ્યોગસાહસિકતાના પાઠ ભણવા પણ ઘણાં યુવાનોએ રસ દાખવ્યો. જેથી વર્ષ 2015માં નર્મદા પ્રેરણા યાત્રાની 'ગ્રામીણ યુવા એડીશન' પણ યોજવામાં આવી. જેમાં ભાગ લેનાર યુવાનોને ગામના સફળ ઉદ્યોગસાહસિકો સાથે રૂબરૂ કરવવામાં આવ્યા. નર્મદા પ્રેરણા યાત્રાની ગ્રામીણ એડીશનને પણ યુવાઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો. તેમાં દેશના 5 રાજ્યોમાંથી યુવાનોએ ભાગ લીધો.
હાલમાં જ નર્મદા પ્રેરણા યાત્રાની 4થી એડીશન યોજાઈ જેમાં 15 યુવાનો- ચેન્જમેકર્સે ભાગ લીધો અને ઉદ્યોગસાહસિકતાના પાઠ ભણ્યા.
વર્ષ 2015માં જ્યારે ડૉ. APJ અબ્દુલ કલામ ગુજરાત આવ્યા ત્યારે તેમને આ પ્રેરણા યાત્રાની જાણ થતા ઘણી ખુશી વ્યક્ત કરી હતી અને યાત્રાની ગ્રામીણ એડીશનનું લોન્ચિંગ તેમની સિગ્નેચર દ્વારા કરવામાં આવ્યું.
ગ્રામીણ યુવાઓને કરે છે તૈયાર!
યુવાઓને ઉદ્યોગસાહસિકતા માટે તૈયાર કરવા અંગે નીતિન ટેલર જણાવે છે,
"'સર્વ હેપ્પીનેસ ફાઉન્ડેશન'ની 'નર્મદા પ્રેરણા યાત્રા' દ્વારા અમે એવા પ્રયાસો હાથ ધરીએ છીએ જેનાથી યુવાનોને નાના પાયેથી ધંધો કરવાની પ્રેરણા મળે. યાત્રામાં ભાગ લેનાર ચેન્જમેકર્સ પોતપોતાના ગામમાં ડેરી ટેકનોલોજી, ખેતી, ફૂડ પ્રોસેસિંગ જેવા ક્ષેત્રોમાં પોતાના બિઝનેસની શરૂઆત કરે તેવા પ્રયાસો કરીએ છીએ. અમને એ વાતનો ગર્વ છે કે અમારી આ પહેલ માટે ગુજરાત સરકારના 'સેન્ટર ફોર આંત્રપ્રેન્યોરશિપ ડેવલોપમેન્ટ (CED) સાથે જોડાયેલા છીએ અને તેમની સાથે રહીને ભરૂચ-નર્મદા જીલ્લાના લોકોમાં ઉદ્યોગસાહસિકતાને લગતી પ્રવૃત્તિઓ વધે તે પ્રકારે કામ કરીએ છીએ."
'સાબરમતી પ્રેરણા યાત્રા'નો અમદાવાદ ખાતેથી પ્રારંભ
નર્મદા પ્રેરણા યાત્રાની સફળતા બાદ નીતિન ટેલર સાબરમતી પ્રેરણા યાત્રાનું આયોજન અમદાવાદ ખાતેથી કરી રહ્યા છે. આ પ્રોગ્રામનું આયોજન તારીખ 28 જુલાઈથી 31 જુલાઈ, 2016 દરમિયાન કરવામાં આવ્યું છે. સાબરમતી નદી આપણા દેશમાં મહત્ત્વનું અને ઐતિહાસિક સ્થાન ધરાવે છે. ગાંધીજી સાબરમતીના કાંઠેથી આપણા દેશની આઝાદીની ક્રાંતિની શરૂઆત કરી હતી. તેમણે આપેલા ચરખાએ સ્વતંત્રાનો સંદેશો આપ્યો હતો. આ 4 દિવસની યાત્રા માટે આખા દેશમાંથી 25 યુવાન-યુવતીઓની પસંદગી કરવામા આવશે. આ યાત્રા દરમિયાન અમદાવાદમાં તેમજ આજુ બાજુના વિસ્તારોમાં શિક્ષણ, ખેતીવાડી, આરોગ્ય, સ્ત્રી સશક્તિકરણ ક્ષેત્રે નોંધપાત્ર કામ કરતી સામાજીક સંસ્થાઓની મુલાકાત લઈ યુવાઓને સમાજ તેમજ દેશ માટે સારા કામ કરવાની પ્રેરણા આપવામાં આવશે.
'સાબરમતી પ્રેરણા યાત્રા'માં ભાગ લેવા આ લિંક પર ક્લિક કરો
નીતિન ટેલરનો સંપર્ક કરો- Facebook