‘કાશ્મીર બોક્સે’ કાશ્મીરની કલાને વિશ્વ ફલક પર પહોંચાડી, કલાકારોને મળ્યું આગવું પ્લેટફોર્મ
કાશ્મીરની અદભૂત સુંદરતા અને સાંસ્કૃતિક વારસાને કોઈ વર્ણનની જરૂર નથી. દુનિયાભરમાં કાશ્મીરના શ્રેષ્ઠ તેજાના, આકર્ષક હસ્તકલા તો વખણાય જ છે પણ અહીંયાના તાલિમબદ્ધ કારીગરો પણ તેની સૌથી મોટી તાકાત છે. પણ કમનસીબે અહીંયા રહેવું તેમના માટે ખૂબ જ કપરું છે.
કલાકારો અને ખેડૂતોએ તેમનો મૂળ વ્યવસાય છોડવો પડ્યો કારણ કે અહીંયાની સામાજિક સ્થિતિ અને અસ્થિરતાના કારણે તેઓ તેમની આવકમાં વધારો કરી શકતા. તે ઉપરાંત વચેટીયાઓ પણ મોટાપાયે ખાયકી કરતા હોવાથી તેમને સતત આર્થિક તંગીનો જ સામનો કરવો પડે છે. તેમના માટે લૉન ઉપલબ્ધ છે પણ વ્યાજદર અત્યંત વધારે છે. બજારમાં પણ કો-ઓપરેટીવ મોડલનો અભાવ હોવાના કારણે આત્મનિર્ભરતા લાવવામાં મુશ્કેલી થઈ જતી અથવા તો એમ કહીએ કે અશક્ય બની જતું. વ્યાપાર વધારવાના રસ્તાની તંગી, બજારની જાણકારીનો અભાવ અને વેપારમાં જરૂરી આધુનિક સુવિધાઓનો અભાવ હોવાના કારણે તેઓ વધુ મુશ્કેલીનો સામનો કરતા હતા. તે ઉપરાંત મોટાભાગના કલાકારો નિરક્ષર હતા. બીજી સમસ્યા એ હતી કે પારંપરિક કલાઓ સમય સાથે તાલમેલ સાધીને વિકસી નહોતી તેથી તેમાં રહેલી ઉત્કૃષ્ટતા છતાં તેની માગ નહોતી.
મુહીત મેહરાજ અને કાશીફ ખાને અહીંના કલાકારો અને હસ્તકલાને વિશાળ ફલક પર લઈ જવા કાશ્મીર બોક્સ (હાલમાં કાશીફ કાશ્મીર બોક્સનો ભાગ નથી, તે પોતાનો વ્યવસાય જાતે કરે છે.) ની સ્થાપના કરી.
કાશ્મીર બોક્સ ડોટ કોમ એક સામાજિક સાહસ છે જે કાશ્મીરની વિવિધ કલાવસ્તુઓનું વેચાણ કરે છે. શરૂઆતમાં તેમણે માત્ર ઓનલાઈન વેચાણ જ રાખ્યું હતું પણ સમયાંતરે તેમણે બ્રિક અને મોર્ટાર સ્ટોર પણ શરૂ કર્યા. કાશ્મીર બોક્સ ખાતે કલાકારો, શિલ્પકારો, અને અન્ય સર્જનાત્મક સાહસિકો તેમની કલા અને ઉત્પાદનોનું વૈશ્વિક સ્તરે વેચાણ કરી શકે છે.
બહુસ્તરીય અભિગમ
2013માં જ્યારે YourStory એ તેમની સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે, તેઓ બ્રાન્ડ કાશ્મીરને દુનિયા સુધી પહોંચાડવા માગે છે. છેલ્લાં બે વર્ષમાં મુહીતે તેની ટીમ સાથે સખત મહેનત કરી છે.
મુહીતે જણાવ્યું હતું કે, તેમણે બિઝનેસનું નવું મોડલ અમલમાં મૂક્યું હતું જેના દ્વારા કલાકારોને આર્થિક લાભ થવાની સાથે સાથે તેમને લાઈમલાઈટમાં લાવી શકાય. કાશ્મીર બોક્સમાં ચોક્કસ રોયલ્ટી પ્રોગ્રામ અમલમાં મૂકવામાં આવ્યો છે જેના દ્વારા દરેક કલાકારની દરેક પ્રોડક્ટ જોઈ શકાય અને તેનો વ્યાપ વધારી શકાય. કોઈપણ કલાકારની કોઈ પણ વસ્તુ વેચાય કે તરત જ તેની રોયલ્ટી તેના બેંક એકાઉન્ટમાં જમા થઈ જતી.
કલાકારોને વિશાળ સ્તરે કામ કરવાની તક મળે તે માટે કાશ્મીર બોક્સ ક્રાફ્ટ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ, સ્કૂલ ઓફ ડિઝાઈન એન્ડ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ કાર્પેટ ટેક્નોલોજી સાથે જોડાણ કરી કામ કરે છે. મુહીત વધુમાં જણાવે છે કે, માત્ર કાશ્મીરની કલાની જ નામના થાય તેમ નહીં પણ કલાકારોને યોગ્ય તાલિમ મળે તેવો અમારો ઉદ્દેશ છે.
તેમને અત્યારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે જે કલાકારો પાસેથી ઓર્ડર મળે તેમની સાથે તેઓ કામ કરે છે. વીડિયો કોન્ફરન્સ દ્વારા તેઓ કલાકારોને તાલિમ આપે છે જેથી ઈચ્છીત પરિણામ મેળવી શકાય. સારા ડિઝાઈનર્સ સાથે વાતચીત કરવાથી કાશ્મીરી કલાકારોની આવડતમાં પણ સુધારો થયો છે. હવે તેઓ સમયસર અને ગુણવત્તાસભર કામ કરતા થયા છે. કાશ્મીર ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા યોજાતા આંતરાષ્ટ્રીય ખરીદ-વેચાણ મેળામાં ભાગ લેતા થયા છે અને પરિણામ ધાર્યા કરતા ઘણું સારું છું. એક સમયે જે લોકો કાશ્મીર બોક્સને પોતાનું પ્રતિસ્પર્ધી માનતા હતા તેઓ પણ તેના મૂલ્યોને જાણી ગયા છે અને હવે તેઓ પણ પોતાની કારીગરી કાશ્મીર બોક્સ દ્વારા રજૂ કરે છે.
કાશ્મીર બોક્સ દ્વારા થતી 10 ટકા આવક કાશ્મીર બોક્સ ફાઉન્ડેશન માટે રાખવામાં આવે છે જે કલાકારો અને ઉત્પાદક સમાજના ભલા માટે કામ કરે છે. ફાઉન્ડેશનને શરૂઆતમાં યોગ્ય રકમ મળતાની સાથે જ વધુ સારું કામ કરવાનું શરૂ કરી દીધું. હાલમાં કાશ્મીર બોક્સ તેના નફાનું પુનઃ રોકાણ કરીને વેપારનો વિકાસ અને વિસ્તરણ કરી રહ્યું છે અને 2019થી પ્રોફિટ શેરિંગ પર કામ કરશે.
હાલમાં તેમણે શ્રીનગર ખાતે આવેલા તેમના હેડક્વાર્ટર 'શેર-એ-ખાસ' ખાતે પોતાનો પહેલો સ્ટોર શરૂ કર્યો છે. ગ્રાહકો તેમને અવારનવાર કહેતા કે તેઓ વસ્તુઓને જાતે જોવા અને અનુભવવા માગે છે તેથી તેમણે પોતાનો સ્ટોર શરૂ કર્યો. ઘણી વખત ગ્રાહકો કલાકાર સાથે ચર્ચા કરવા માગતા હોય છે અને તેમના સામાજિક સહાયના કામમાં પણ જોડાવા માગતા હોય છે.
કાશ્મીર બોક્સ આંતરરાષ્ટ્રીય બજારની ડિજિટલ સ્ટ્રેટેજીને પણ જાણે છે. કાશ્મીર બોક્સે હવે ગિફ્ટ માર્કેટમાં પણ પગપેસારો કરી દીધો છે. આ પગલું ખૂબ જ આયોજનબદ્ધ ગણવામાં આવે છે. ગિફ્ટ માર્કેટ પર નજર કરીએ તો ખ્યાલ આવે છે કે, આંતરરાષ્ટ્રીય સ્તરનું ગિફ્ટ માર્કેટ 300 અબજ ડોલરનું છે. મુહીત અમને જણાવે છે કે, "પેહરણ (કાશ્મીરીઓનું પારંપરિક વસ્ત્ર) ગત વર્ષે શિયાળામાં રશિયામાં મોટાપાયે વેચાયું હતું."
કલાકારોને મોટાપાયે આગળ વધારવા કાશ્મીર બોક્સ હવે કલાકારો અને ગ્રાહકોની મુલાકાત પણ કરાવે છે. વીડિયો દ્વારા તેઓ ગ્રાહકોને વસ્તુઓની સમજ આપે છે જેની તેઓ ખરીદી કરે છે.
પાઈલટ પ્રોજેક્ટ અને અસર
તેમની ભગીની સંસ્થા માય રાહત ડોટ કોમ દ્વારા ખેડૂતો માટે ઓજારો બનાવવામાં આવે છે અને ગ્રામ્ય જમ્મુ-કાશ્મીરમાં ખેડૂતોને તેના વિશે તાલિમ પણ આપવામાં આવે છે. આ પાઈલટ પ્રોજેક્ટ દ્વારા તેઓ ખેડૂતોના ઉત્પાદનોને માર્કેટમાં મોકલે છે જેથી તેમને ફાયદો થાય.
બીજા પાઈલટ પ્રોજેક્ટ હેઠળ તેઓ નવી નવી બ્રાન્ડ પર કામ કરે છે. મુહીતે વધુમાં જણાવ્યું કે, એમ્મા, જાન, કોશુર દસ્તકર, હિમાલયાન, પેરેડાઈઝ જેવી બ્રાન્ડ પ્રખ્યાત થઈ પણ સાથે સાથે તેનો બીટુસી (બિઝનેસ ટુ કસ્ટમર) બિઝનેસ 300 ટકાથી વધીને 2500 ટકા સુધી વધેલો જોવા મળ્યો હતો.
પડકારો
ખીણ પ્રદેશોમાં મૂળ કલાકારો ઓછા રહ્યા હોવાથી સારા અને જાણકાર કલાકારો મેળવવા સૌથી મોટો પડકાર હતો. મુહીતને આશા છે કે, તેઓ પોતાના સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા વિવિધ કાશ્મીરી હસ્તકલાને વિકસાવી શકશે. કાશ્મીર બોક્સને ઈશ્ફાક મિર (જે આ ટીમ સાથે સ્ટ્રેટેજી અને એક્ઝિક્યુશન પર સક્રિય રીતે કામ કરે છે) પાસેથી ભંડોળ મળ્યું. તે ઉપરાંત તેણે અન્ય સ્થળેથી પણ ભંડોળ માટે પ્રયાસ શરૂ કર્યા.
મુહીત બીજા પડકાર પર પ્રકાશ ફેંકતા જણાવે છે કે, "હજી અમારી સાથે ટોચની કક્ષાની ટીમ નથી. હાલમાં અમારો કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ (સીએજીઆર) દર વર્ષે 400 ટકા પહોંચ્યો છે. સારા સમાચાર એ છે કે, આ મોડલ ભંડોળ લાવવા માટે સફળ સાબિત થયું છે જેના દ્વારા ભાવને પણ કાબુમાં રાખી શકાશે."
મુહીતનું એક જ સ્વપ્ન છે કે, કાશ્મીરના ખજાનાને 'કાશ્મીર બોક્સ' દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તર પર મૂકવામાં આવે. કાશ્મીર બોક્સ જેવું સોશિયલ એન્ટરપ્રાઈઝ પડકારોનો સામનો કરીને તેમના નાગરિકોને આર્થિક સદ્ધરતા અપાવવા માગે છે તે ઉપરાંત સદીઓ જૂની કળામાં પ્રાણ ફુંકવાનું કામ કરે છે.