પરિવારમાં સૌને ગાતા જોઈ નાનપણથી જ ગાવાનો શોખ જાગ્યો, આજે બોલિવૂડની સફળ પ્લેબેક સિંગર બની ગુજરાતની ઐશ્વર્યા!

પરિવારમાં સૌને ગાતા જોઈ નાનપણથી જ ગાવાનો શોખ જાગ્યો, આજે બોલિવૂડની સફળ પ્લેબેક સિંગર બની ગુજરાતની ઐશ્વર્યા!

Wednesday May 18, 2016,

4 min Read

"મેં મારી મમ્મીને પૂછ્યું, મમ્મી.. હું મોટી થઈને કેવી બનીશ? હું સુંદર દેખાઈશ? હું પૈસાદાર બનીશ? અને મમ્મીએ મને જવાબ આપ્યો, Que Sera Sera! એટલે કે જે થશે એ થશે. આપણે ભવિષ્ય કેવી રીતે જોઈ શકીએ?"

આ શબ્દો છે પોતાના મધુર કંઠ અને આગવી અદાથી સૌના દિલ જીતી લેનારી ઐશ્વર્યા મજમુદારના. એક નાનકડી સ્વીટ બાળકી એક સિંગિંગ રિઆલિટી શોમાં ભાગ લેવા ગઈ અને તેણે શોના જજીસથી લઈને દર્શકો સૌના મન મોહી લીધા. આજે ઐશ્વર્યા બોલિવૂડ ફિલ્મ્સ માટે પ્લેબેક સિંગિંગ કરે છે અને પોતાની કરિઅરને નવા જ શિખરો સર કરાવવા અમદાવાદથી મુંબઈ શિફ્ટ થઇ ગઈ છે. 

image


નાનપણથી જ સંગીતનો માહોલ

"મારા ઘરમાં પહેલેથી જ સંગીતનો માહોલ. અને બધાને ગાતા જોઈ મને પણ ગાવાની ઈચ્છા થતી અને એ સ્વાભાવિક પણ હતું. 3 વર્ષની ઉંમરે જ મેં ભારતીય ક્લાસિકલ સંગીત શીખવાની શરૂઆત કરી દીધી. અને નાનપણનો જ આ શોખ પ્રોફેશન બની ગયો."

ઐશ્વર્યા જણાવે છે.

TV અને ઐશ્વર્યા!

"TV પર સંગીતના કાર્યક્રમો જોતી રહેતી અને એમાંથી મને પણ ગાવાની પ્રેરણા મળતી. મારા મમ્મી અને પાપાએ મેં ગયેલા કેટલાંક જૂના હિન્દી ગીતો રેકોર્ડ કર્યા. અને મારો વિડીયો Zee TVને મોકલી આપ્યો. મને ઓડિશન માટે બોલાવવામાં આવી અને ફાઈનલ્સમાં જવા માટે હું સિલેક્ટ પણ થઇ ગઈ. 10 વર્ષની ઉંમરે જ મારી આ મ્યુઝિકલ જર્ની શરૂ થઇ ગઈ હતી." 

14 વર્ષની ઉંમરે જ ઐશ્વર્યા સ્ટાર પ્લસ પર શરૂ થનારા 'સ્ટાર વોઈસ ઓફ ઇન્ડિયા, છોટે ઉસ્તાદ'માં ભાગ લીધો. અને 5 મહિનાની અથાગ મહેનતના અંતે સુખદ પરિણામ આવ્યું. ઐશ્વર્યા આ શોની વિજેતા બની. વધુમાં ઐશ્વર્યા જણાવે છે,

"મારી સફર સરળ નહોતી રહી. છોટે ઉસ્તાદ એ એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. અને મ્યુઝીકની આ નવી સફર માટે હું ખૂબ ઉત્સાહિત હતી. સંગીતપ્રેમીઓ પાસેથી મને ખૂબ જ પ્રેમ અને પ્રેરણા મળી છે."
image


ગાયક તરીકે સફળ સફર

અત્યાર સુધી ઐશ્વર્યા દુનિયાભરમાં 2000થી વધુ લાઈવ મ્યુઝિક કોન્સર્ટ કરી ચૂકી છે. કેટલીયે જિંગલ્સ માટે ઐશ્વર્યા પોતાનો અવાજ આપી ચૂકી છે. સાથે જ ઘણી બોલિવૂડ ફિલ્મ્સ માટે ઐશ્વર્યા પ્લેબેક સિંગિંગ કરી ચૂકી છે. વર્ષ 2008માં 'હરિ પુત્તર' સાથે ઐશ્વર્યાએ બોલિવૂડ ડેબ્યૂ કર્યું. જોકે વર્ષ 2014માં આવેલી સુભાષ ઘાઈની 'કાંચી' ફિલ્મમાં ઐશ્વર્યાએ પોતાનો અવાજ આપ્યો અને ત્યારથી લઈને ઐશ્વર્યાએ પાછું વળીને જોવું નથી પડ્યું. જ્યારે વર્ષ 2015માં આવેલી 'પ્રેમ રતન ધન પાયો'માં પ્લેબેક સિંગિંગ કર્યું છે. ઐશ્વર્યા ગુજરાતી, બેંગોલી તેમજ કન્નડ ભાષામાં પણ ગીતો ગાય છે. 

લોકોનો સહકાર પૂરી પાડે છે પ્રેરણા!

ઐશ્વર્યાની સફળતામાં તેના ચાહકો, પરિવાર, મિત્રો અને આસપાસના વાતાવરણની કેવી અસર રહી છે તે અંગે જણાવે છે,

"હું માનું છું કે આપણે આજે જેવા છીએ તે આપણી આસપાસના લોકો અને વાતાવરણના કારણે. હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મને હંમેશા પ્રોત્સાહિત કરતા માતા-પિતા મળ્યા છે. જેઓ દરેક ક્ષણે મારી સાથે રહ્યાં છે. મારા માતા-પિતા મને હંમેશા એક સારી વ્યક્તિ બનવાનું મહત્તવ સમજાવતા રહે છે. આપણા જીવનના સિદ્ધાંતો અને મૂલ્યો કેમ જરૂરી છે અને કેવી રીતે એક સરળ જીવન જીવી શકાય, સાથે જ કેવી રીતે જિંદગીને ભરપૂર રીતે માણી શકાય તેનું મહત્તવ સમજાવતાં રહે છે." 
image


ઘણાં લોકો ઐશ્વર્યાને આટલી નાની ઉંમરે મેળવેલી સફળતાનું રહસ્ય પૂછતા રહે છે. તેના જવાબમાં ઐશ્વર્યા કહે છે,

"મારા માટે સફળતાની સીડી એકદમ મેજિકલ છે. સફળતાનું દરેક પગથિયું ચડતાં રહો. અડચણો આવશે. સફળતા ઘણી દૂર હોય તેવું પણ લાગશે. પણ થાક્યા કે ધીમા પડયા વગર એક પછી એક પગથિયું ચડતાં રહીએ. દરેક નવા સ્ટેપને એક સિક્કાની જેમ જુઓ અને તમારી લાઈફને એક પિગી બેંકની જેમ. તમારી પિગી બેંકમાં એક પછી એક કોઇન્સ નાખતા રહો. અને એમ એમ કરતા કરતા જ તમે સફળતાની સીડીના સૌથી છેલ્લા અને ઊંચા પગથિયા પર પહોંચી જશો."

સકસેસ મંત્ર

"મારો સફળતાનો મંત્ર છે કે તમારા પર વિશ્વાસ રાખો. Believe in Yourself! તમારા કામને પ્રેમ કરો. અને દુનિયા તમને અનુસરશે."

સંગીત સિવાય ઐશ્વર્યાને લોકો સાથે રહેવું અને લોકો સાથે વાતો કરવી ગમે છે. સાથે જ તેને વાંચવાનો શોખ છે. પોતાના શોખ અંગે ઐશ્વર્યા કહે છે,

"હું કંઈ પણ વાંચી શકું છું. ક્રાફ્ટ્સ મારા જીવનનો મહત્ત્વનો ભાગ છે. કલર્સ, પેપર, ગ્લ્યૂ, રિબન્સ મને ખુશખુશાલ બનાવે છે. સ્વિમિંગ અને બેડમિન્ટન મારા મનગમતા સ્પોર્ટ્સ છે. તેનાથી હું એક્ટિવ રહું છું."

ઐશ્વર્યા હાલ એડવાન્સ ક્લાસિકલની ટ્રેઈનિંગ લઇ રહી છે. તેને ક્યારેય સ્ટેજનો ડર નથી રહ્યો. જોકે ઐશ્વર્યા અને તેના માતા પિતાએ હંમેશા એ વાતનું ધ્યાન રાખ્યું છે કે સંગીતના કારણે તેનું ભણતર ન બગડે. હાલ ઐશ્વર્યા મમ્મી સાથે મુંબઈમાં રહે છે. અને હાલ ઓપન યુનીવર્સિટીમાંથી કોલેજ કરી રહી છે. ઐશ્વર્યા અંગ્રેજી તેમજ સ્પેનિશમાં પણ ગાય છે. અંગ્રેજી અને હિન્દી ગીતોનું ફ્યુઝન કરવું ઐશ્વર્યાને પસંદ છે. સાથે જ ઘણી બોલિવૂડ ફિલ્મ્સમાં ઐશ્વર્યા પોતાનો અવાજ આપી ચૂકી છે. 

 વધુ હકારાત્મક અને સકસેસ સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:

RJની ગ્લેમરસ જોબ છોડી ડીજીટલ મીડિયામાં છવાઈ ટ્રેન્ડસેટર અદિતિ રાવલ!

પુરુષોનું વર્ચસ્વ ધરાવનાર ક્ષેત્રમાં ટોચ પર પહોંચનાર 22 વર્ષીય મહિલા હેરા રસૂલ

વિદેશી નોકરી છોડીને આદિવાસી મહિલાઓની મદદે આવી આરુષી!