અન્ના હઝારે જીવનમાં માત્ર એક વાર જ ખોટું બોલ્યા છે! ક્યારે, કેમ, કોની પાસે અને કેવી રીતે.. જાણવા વાંચો આ લેખ
અન્નાને બાળપણમાં પતંગ ચગાવવાનો અને લખોટીથી રમવાનો ખૂબ શોખ હતો. થાકી જાય કે પછી ભૂખ લાગે પછી જ મિત્રોનો સાથ છોડી ઘરે પાછા જતાં અન્ના!
અન્ના (અણ્ણા) હઝારે આધુનિક ભારતના સૌથી લોકપ્રિય અને પ્રભાવશાળી સામાજિક કાર્યકર છે. દેશના બહુમુખી વિકાસ, જનતાની ભલાઈ, અને લોકશાહીને મજબૂત કરવા માટે તેમણે અનેક સફળ આંદોલનો કર્યા છે. ભ્રષ્ટાચાર, ગરીબી, પછાતપણું, બેકારી, જેવી સમસ્યાઓ વિરુદ્ધ તેમની લડાઈ આજે પણ ચાલી રહી છે. પોતાનાં ગામ રાલેશન સિદ્ધિને આદર્શ ગામ બનાવીને તેમણે દેશને શ્રેષ્ઠ ગામનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેનાથી પ્રેરણા લઈને અનેક ગામના લોકો પોતાના ગામને પણ આદર્શ બનાવી ચૂક્યા છે. અન્ના હઝારે ચીંધ્યા માર્ગે ચાલીને દેશમાં ગામને સુંદર અને સમૃદ્ધ બનાવવાનું હજી પણ ચાલી રહ્યું છે.
માહિતીનો અધિકાર અને લોકપાલ બિલ અંગે શરૂ થયેલા અન્ના હઝારેના આંદોલને દેશભરની પ્રજાને એક કરી નાખી હતી. લોકોને અન્ના ઉપર એટલો વિશ્વાસ હતો કે બાળકો શું કે યુવાનો શું કે વૃદ્ધો શું તમામ લોકો ભ્રષ્ટાચારની લડાઈમાં કૂદી પડ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે હું પણ અન્ના, તમે પણ અન્ના આખો દેશ અન્ના. સામાજિક બદીઓ સામેની લડાઈમાં આખા દેશને એકત્રિત કરનારા આ મહાન વ્યક્તિત્વ, ક્રાંતિકારી અને મહાનાયકનાં જીવનની મહત્વપૂર્ણ ઘટનાઓને તેમનાં મુખે જ સાંભળવા માટે અમે તેમની પાસે સમય માગ્યો હતો. અગાઉ યોરસ્ટોરીને આપેલી ખાસ મુલાકાતમાં તેમણે ખેડૂતોનાં અન્ના બન્યા હતા તેની વાત કરી. અન્નાએ અમારી સાથે તેમનાં બાળપણના દિવસોની ખાટીમીઠી યાદો પણ વાગોળી હતી. ભારતીય લશ્કરમાં કામ કરતી વખતે થયેલા ખૂબ જ રોમાંચકારી અને ઐતિહાસિક અનુભવો વિશે જણાવ્યું હતું. તેમણે એ અનુભવોની વાત પણ કરી હતી કે જેના વિશે આજદિન સુધી લોકોને માહિતી નથી. આવા પ્રકારની કેટલીક ખૂબ જ અગત્યની અને ઐતિહાસિક ઘટનાઓને અમે અહીં શ્રેણી તરીકે રજૂ કરી રહ્યા છીએ. પ્રસ્તુત છે આ શ્રેણીનો પ્રથમ ભાગ.
અન્ના હઝારેનો જન્મ મહારાષ્ટ્રના અહમદનગર પાસે આવેલાં ભિંગાર વિસ્તારમાં થયો હતો. આમ તો અન્નાનું વતન રાલેશન સિદ્ધિ ગામ છે. પરંતુ કમાવા માટે અન્નાના દાદા ભિંગાર ખાતે સરપિવાર ચાલ્યા ગયા હતા. અન્નાએ જણાવ્યું હતું કે રાલેશન સિદ્ધિમાં પરિવારનાં ખેતરો હતાં પરંતુ ગામમાં હંમેશા દુષ્કાળ જેવી સ્થિતિ રહેતી હતી. તેનાં કારણે પાકની ઉપજ નહીંવત્ હતી. તેના કારણે જ અન્નાના દાદા સપરિવાર ભિંગાર જતા રહ્યા હતા. અન્નાના દાદા અંગ્રેજોનાં લશ્કરમાં જમાદાર હતા. અન્નાના પિતા, કાકા, ફોઈ અને અન્ય પરિવારજનો ભિંગારમાં જ રહે છે.
અન્નાનો જન્મ ભિંગારમાં જ થયો હતો. તેઓ બાબુરાવ હઝારે અને લક્ષ્મીબાઈનું પ્રથમ સંતાન હતાં. માતા-પિતા ધાર્મિક સ્વભાવના હતાં અને તેમને ઇશ્વરમાં અતૂટ વિશ્વાસ હતો. બાબુરાવ અને લક્ષ્મીબાઈએ પોતાનાં પહેલાં સંતાનનું નામ કિસન રાખ્યું હતું. કિસન સહુના લાડકા અને પ્રેમ મેળવનારા હતા. લોકો કિસનને ખૂબ જ પ્રેમ કરતા હતા અને તેને ખોળામાં બેસીને રમાડવા માગતા હતા. અન્નાને એ દિવસ આજે પણ યાદ છે કે જ્યારે તેમના પરિવારજનો તેમને ખુશ રાખવા માટે જાતભાતની રીતો અપનાવતા હતા. અન્નાએ જણાવ્યું હતું કે લોકો તેમને આટલો પ્રેમ કરતા હોવા છતાં તેમના માતા-પિતા તેમના માટે એટલું નહોતાં કરી શક્યા કે જેટલું અન્ય માતા-પિતા તેમનાં સંતાનો માટે કરતાં હોય છે. અન્નાએ જણાવ્યું હતું કે આટલો પ્રેમ કરવા છતાં પણ તેઓ આર્થિક સ્થિતિને કારણે એટલું નહોતાં કરી શક્યાં કે જેટલું અન્ય માતા-પિતા પોતાનાં સંતાનો માટે કરે છે.
અન્નાએ ચોથા ધોરણ સુધી ભિંગારની સરકારી શાળામાં શિક્ષણ લીધું હતું. ત્યાર બાદ તેમના મામા તેમને પોતાની સાથે મુંબઈ લઈને જતા રહ્યા. અન્નાના મામાને સંતાનમાં એકમાત્ર છોકરી હતી અને તેમણે અન્નાના માતા-પિતાને વિનંતી કરી કે તેઓ અન્નાને પોતાની સાથે મુંબઈ મોકલી દે. મામાએ તેમનાં માતા-પિતાને ખાતરી આપી કે તેઓ કિસનનો ઉછેર પોતાના સગા દીકરાની જેમ જ કરશે. મામાએ એમ પણ જણાવ્યું હતું કે તેમની એકમાત્ર દીકરી હવે મોટી થઈ ગઈ છે અને તે પરણીને સાસરે જતી રહેશે ત્યાર બાદ તેઓ બિલકુલ એકલા થઈ જશે. બાબુરાવ અને લક્ષ્મીબાઈને અન્ય સંતાનો પણ હોવાને કારણે તેમણે કિસનને પોતાની સાથે મોકલવાની રજૂઆત કરી હતી. મામાની વાતો અને દલીલો સામે સહુએ ઝૂકવું પડ્યું. પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી અને મામાએ કિસનનું ભણતર ચાલુ રાખવાની ખાતરી આપી હોવાને કારણે બાબુરાવ અને લક્ષ્મીબાઈએ પોતાના લાડકા દીકરા કિસનને મામા સાથે મુંબઈ મોકલી દીધો. પરંતુ જેટલો સમય અન્ના ભિંગારમાં રહ્યા તે દરમિયાન તેમનું જીવન સામાન્ય બાળકોની જેમ ભણવા-ગણવા અને રમવા-કૂદવામાં જ ગયું તું. નાનપણમાં અન્નાને રમવાનો ખૂબ જ શોખ હતો. જ્યારે પણ તક મળે ત્યારે તેઓ મિત્રો સાથે રમવા નીકળી જતા હતા. અન્નાને પતંગ ચગાવવાનો ખૂબ જ શોખ હતો. તેમનું બાળમાનસ પણ પતંગની જેમ ઊંચે આકાશમાં ચગતું હતું. પોતાનાં પતંગને આકાશમાં ચગતો જોઈને તેમને ખૂબ જ ખુશી થતી હતી. જેમ-જેમ પતંગ આકાશમાં ઊંચે ચગતો તેમ-તેમ તેમની ખુશી વધતી જતી હતી. અન્નાને આકાશમાં કબૂતરો ઉડાડવાનો શોખ પણ હતો. અન્નાને કબૂતરો પ્રત્યે એટલો પ્રેમ હતો કે બાળપણમાં તેમણે પોતાને ત્યાં કબૂતરો પણ પાળી રાખ્યા હતાં. તેઓ ખૂબ જ પ્રેમથી હાથમાં કબૂતર પકડતાં અને પછી તેને આકાશમાં ઉડાડી મૂકતા હતા. આકાશમાં કબૂતરને ઉડતા જોઇને અન્ના ગદગદિત થઈ જતા હતા.
ગામના અન્ય છોકરાંઓની જેમ અન્નાને લખોટીઓ રમવાનો પણ ખૂબ જ શોખ હતો. માટીમાં લખોટીઓ રમવાનું પણ તેમને પસંદ હતું. એક લખોટી ઉપર નિશાન તાકીને મારે ત્યારે અન્નાની ખુશીનો પાર નહોતો રહેતો. પોતાનાં બાળપણની વાતોને અમારી સાથે વાગોળતા અન્નાએ જણાવ્યું,
"હું જ્યારે કબૂતરને આકાશમાં છોડું અને તે જ્યારે પલટી મારે ત્યારે મને ખૂબ જ આનંદ થતો હતો. મનને એમ થતું કે કબૂતરોમાં પણ કેટલું જ્ઞાન છે. એને હું એટલું દૂર છોડી દેતો છતાં પણ તે ઘરે પાછું આવી જતું હતું તેને કેટલું જ્ઞાન હોય છે."
અન્નાએ એ જણાવતાં પણ ખચકાટ ન અનુભવ્યો કે રમત-ગમતમાં વધારે રસ હોવાને કારણે તેઓ ભણવામાં પૂરતું ધ્યાન નહોતાં આપી શક્યા. તેમણે અમને જણાવ્યું,
"મને રમવાનો વધારે શોખ હોવાને કારણે ભણતર ઉપર વધારે ધ્યાન નહોતો આપી શક્યો. આમ મારું મગજ ખૂબ જ સારું હતું ઘરમાં ભણતો ન હોવા છતાં પણ પહેલા નંબરે પાસ થતો હતો. કારણ કે શિક્ષક જે ભણાવતા તે હું ધ્યાનથી સાંભળીને યાદ રાખતો હતો. ભૂલી નહોતો જતો તેને મારા હૃદયમાં રાખતો હતો."
અન્ના શાળાએથી પરત આવીને તરત જ પોતાના મિત્રો સાથે રમવા જતા રહેતા હતા. તેઓ રમવામાં એટલા મશગૂલ થઈ જતાં કે તેમને સમયનું ભાન નહોતું રહેતું. જ્યારે થાકી જતાં અને ખૂબ જ ભૂખ લાગતી ત્યારે તેઓ ઘરે આવતા હતા. રોજ સાંજે સાત સાડા સાત વાગ્યા સુધી ઘરની બહાર પોતાના મિત્રો સાથે રમ્યા કરતા હતા. રાલેશન સિદ્ધિના યાદવબાબા મંદિરમાં થયેલી આ બેહદ ખાસ મુલાકાત દરમિયાન અન્નાએ અમને પોતાનાં જીવનની એ ઘટના પણ જણાવી કે જ્યારે તેઓ જીવનમાં પહેલી વખત જૂઠ્ઠું બોલ્યા હતા. અન્નાએ જણાવ્યું કે તે તેમનાં જીવનનું પહેલું અને અંતિમ જૂઠ્ઠાણું હતું. શાળાના દિવસો દરમિયાન બોલવામાં આવેલાં આ જૂઠ્ઠાણાં બાદ તેઓ ફરી ક્યારેય જૂઠ્ઠું નથી બોલ્યાં. પહેલાં અને અંતિમ જૂઠ્ઠાણાંની આ ઘટના એ સમયની છે કે જ્યારે અન્ના શાળામાં ભણતા હતા. તે વખતે અન્ના ચોથા ધોરણમાં ભણતા હતા અને રોજની જેમ તે દિવસે પણ માસ્તરે તેમને હોમવર્ક આપ્યું હતું. તેમણે સ્કૂલ છૂટ્યા બાદ સહુને પુસ્તકમાંથી પાઠ લખી આવવા માટે જણાવ્યું હતું. છૂટ્યા બાદ અન્ના ઘરે ગયા અને પોતાની હંમેશની ટેવ મુજબ પુસ્તકો બાજુએ મૂકીને રમવા જતા રહ્યા. તે દિવસે અન્ના પોતાના મિત્રો સાથે ખૂબ જ રમ્યા. એટલું રમ્યા કે ઘરે આવ્યા બાદ થાકનાં કારણે તેમને ઊંઘ આવી ગઈ. બીજે દિવસે તેઓ ગૃહકાર્ય કર્યા વિના જ શાળાએ જતા રહ્યા. શાળામાં જ્યારે શિક્ષકે વિદ્યાર્થીઓની નોટબુક તપાસવાની શરૂ કરી તો અન્ના ગભરાઈ ગયા. તેમને સૂઝ્યું નહીં કે શું કહેવું. જ્યારે શિક્ષકે તેમને ગૃહકાર્ય બતાવવા માટે જણાવ્યું તો અન્નાએ જૂઠ્ઠું કહી દીધું કે તેમણે ગૃહકાર્ય તો કર્યું છે પરંતુ નોટ ઘરે ભૂલી ગયા છે. શિક્ષકે તેમને ઘરે જઈને નોટ લાવવા કહ્યું અને અન્નાએ ઘરે જવાનું જ શ્રેષ્ઠ સમજ્યું.
અન્ના પોતાની માતાને ખૂબ જ પ્રેમ કરતાં હતાં. તેઓ પોતાની માતાથી કોઈ વાત છૂપાવતા નહોતા. ઘરે પહોંચતાં જ અન્નાએ પોતાની માતાને આખીયે વાત જણાવી દીધી. અને માતાની સામે એક એવી દરખાસ્ત મૂકી દીધી કે જેને સાંભળીને માતા ગુસ્સે થઈ ગઈ. અન્નાએ માતાને કહ્યું કે તે દિવસે તેઓ પોતાનું હોમવર્ક પૂરું કરી લેશે પરંતુ પાછા સ્કૂલે નહીં જાય. પરંતુ બીજા દિવસે જ્યારે તે સ્કૂલે જશે તો માતાએ પણ તેમની સાથે આવવું પડશે અને કહેવું પડશે કે તે સ્કૂલેથી આવ્યો ત્યારે મેં મારા દીકરાને કામથી બહાર મોકલી દીધો હતો. તેથી તે પાછો સ્કૂલે નહોતો આવી શક્યો અને આ જ વાત તમને કહેવા માટે હું આવી છું. આ સાંભળીને માતા ખૂબ જ ગુસ્સે થઈ અને અન્નાને ધમકાવ્યા. તેમણે અન્નાને કહ્યું કે તું ખોટું બોલે છે અને મને પણ ખોટું બોલવાનું કહે છે. હું ખોટું નહીં બોલું. માતાનાં આવાં કડક વલણને કારણે અન્ના ગભરાઈ ગયા. તેમને થયું કે જો સ્કૂલમાં આ ભૂલ પકડાઈ જશે તો તેમની બદનામી થશે. માસ્તરનાં હાથનો માર અને બદનામીની બીક તેમને વધુ હેરાન કરવા લાગી. પોતાના અંતિમ પ્રયાસ રૂપે તેમણે માતાને એવું કહીને ધમકી આપી કે જો તે સ્કૂલે આવીને ખોટું નહીં બોલે તો તેઓ સ્કૂલ જવાનું જ બંધ કરી દેશે. અન્નાના શબ્દોમાં,
"જો તમે કાલે નહીં આવો અને આવું નહીં કહો તો હું સ્કૂલ છોડી દઇશ. હું નહીં જઈ શકું આવું કાળુ મોં કેવી રીતે બતાવીશ કે મારી ભૂલ થઈ ગઈ છે."
અન્ના કહે છે,
"દરેક માતાનું દિલ સરખું હોય છે. દરેક મા એક સમાન હોય છે. પોતાના દરેક બાળક ઉપર માતાનો પ્રેમ સરખો હોય છે. તે દિવસે મારી વાતોથી માતાનું દિલ પીગળી ગયું. અને મેં ઘડી કાઢેલી વાર્તા માસ્તરને કહેવા માટે રાજી થઈ ગયાં."
આ કિસ્સો સંભળાવતી વખતે અન્નાએ ભગવાન શ્રીકૃષ્ણ અને યશોદા વચ્ચે થયેલા માખણચોરીના કિસ્સાને પણ યાદ કર્યો. અન્નાએ પોતાના અંદાજમાં સૂરદાસની રચના મૈયા મોરી મૈં નહીં માખન ખાયો લલકારી. અને કહ્યું કે શ્રીકૃષ્ણના મોં ઉપર માખણ લાગેલું હતું અને તેમ છતાં પણ તેઓ તેમની માતા સમક્ષ ખોટું બોલી રહ્યા હતા કે મેં માખણ નથી ખાધું. પણ માતાએ જ્યારે તેમને ધમકાવ્યા અને ખખડાવ્યા ત્યારે તેમણે માતા ઉપર આરોપો લગાવ્યા તેથી માતાનું મન ઓગળી ગયું. અને યશોદાએ કૃષ્ણને કહેવું પડ્યું કે તું નહીં માખન ખાયો.
રસપ્રદ વાત એ છે કે અન્નાના બાળપણનું નામ કિસન છે. બાળપણમાં સહુ તેમને કિસન કહીને જ બોલાવતાં હતાં. પરંતુ જ્યારે તેમણે અન્યાય, અત્યાચાર અને હિંસાની સામે અવાજ ઉઠાવવાનો શરૂ કર્યો ત્યારે સહુ લોકો માટે તેઓ અન્ના (મોટાભાઈ) બની ગયા. પોતાના તમામ ભાઈઓમાં મોટા હોવાને કારણે આમ પણ તેઓ બાળપણથી જ અન્ના હતા. પરંતુ નિઃસહાય અને જરૂરીયાતમંદ લોકોની મદદ કરતાં કરતાં તેઓ બધા માટે અન્ના બની ગયા. સ્કૂલમાં માસ્તર સમક્ષ જૂઠ્ઠું બોલવાની વાત બાદ અન્નાએ જણાવ્યું,
"તે દિવસે હું જે પાઠ શીખ્યો ત્યારથી આજ સુધી મારી ઉંમર 79ની થઈ હજી સુધી હું ખોટું નથી બોલ્યો. અને એ જે હું જૂઠ્ઠું બોલ્યો તે આજીવન નહીં ભૂલી શકું."
અન્નાનાં જીવન ઉપર તેમના પિતા બાબુરાવ અને માતા લક્ષ્મીબાઈનો ખૂબ જ પ્રભાવ છે. આજે અન્ના આટલા મજબૂત છે તો તે તેમના માતા-પિતા પાસેથી મળેલાં સંસ્કાર અને અમુક ગુણોના કારણે જ છે.
આગામી ભાગમાં અન્ના ઉપર તેમના માતા-પિતાની અસર કેવી રીતે પડી અને આજે પણ અન્ના તેમને કેવી રીતે અને શા માટે યાદ કરે છે તેના વિશે જણાવીશું...
લેખક- ડૉ.અરવિંદ યાદવ, મેનેજિંગ એડિટર, ઇન્ડિયન લેન્ગવેજીસ, યોરસ્ટોરી
અનુવાદક- YS ટીમ ગુજરાતી