ભારતથી પાકિસ્તાન સુધી ભૂખ સામે જંગે ચઢી છે 'રોબિનહૂડ આર્મી'
બંને દેશો વચ્ચે જ્યારે સરહદે કટોકટીની સ્થિતિ હોય છે ત્યારે આ સ્વાતંત્ર્ય દિવસે ભારત અને પાકિસ્તાનના નાગરીકોએ અનોખી ઉજવણી કરી, અનોખી આઝાદીની ઉજવણી, ભૂખ્યા રહેવામાંથી આઝાદી. કેટલાક વખતથી 'રોબિનહૂડ આર્મી' તરીકે ઓળખાતા કેટલાક સ્વયંસેવકો ભૂખ્યાને ભોજન કરાવવાનું કામ કરે છે.
'ઝોમેટો'ના ઈન્ટરનેશનલ ઓપરેશનના વીપી નીલ ઘોષને આ વિચાર આવ્યો હતો જ્યારે તે લિસ્બન ખાતે પોર્ટુગલમાં પોતાના કામ માટે ગયા હતા. વિદેશમાં પોતાના પાર્ટનરની સંખ્યા વધારવા માટે કામ કરતા સમયે તેને રીફૂડનો કોન્સેપ્ટ જોવા મળ્યો. નીલ જણાવે છે, "તે લોકો સ્થાનિક માહોલમાં કામ કરતા હતા જેણે મને આકર્ષ્યો. મેં તેમની સાથે સ્વયંસેવક તરીકે જોડાવાનું નક્કી કર્યું જેથી મને સમગ્ર પ્રક્રિયાની સમજ મળે."
ત્યાંથી પાછા ફર્યા પછી નીલે ગુડગાંવમાં ઓગસ્ટ, 2014માં પોતાના સાથી કર્મી આનંદસિંહા સાથે 'રોબિનહૂડ આર્મી'ની રચના કરી. આ આર્મીની શરૂઆત માત્ર છ સ્વયંસેવકોથી થઈ હતી જે રોજ રાત્રે 150 લોકોને ભોજન કરાવતા હતા. થોડા સમયમાં જ 'રોબિનહૂડ આર્મી' એટલી જાણીતી થઈ ગઈ કે તે ભારત અને પાકિસ્તાનના 15 શહેરોમાં છે અને તેમાં 732 સ્વયંસેવકો કામ કરે છે જે 1,26,954 લોકોને ભોજન પૂરું પાડે છે.
કામગીરી
માળખું ખૂબ જ સરળ છેઃ આ ટીમ દ્વારા રેસ્ટોરાં જોડે જોડાણ કરવામાં આવ્યું છે કે, તેમના વધેલા ભોજનને ભેગું કરીને જરૂરીયાતમંદ લોકોને પહોંચાડે છે. નીલ જણાવે છે, "અમે જ્યારે કામ શરૂ કર્યું ત્યારે અમને લાગ્યું કે આ કામમાં વહેંચણીની વ્યવસ્થા યોગ્ય રીતે કરવી જોઈએ. ભોજનની ખરેખર જેને જરૂર છે તેવા લોકોની શોધ માટે તેમની ટીમે શહેરમાં ફરવાનું શરૂ કર્યું. અમને જ્યારે એમ લાગ્યું કે આ ભોજન ખરેખર જરૂરિયાતવાળા લોકોને મળે છે કે નહીં ત્યારે અમે ખાતરી કરવા તેની તસવીરો અમારા ફેસબુક પેજ પર મૂકવાની શરૂ કરી દીધી. આ શરૂઆતના કારણે જ અમારા ગ્રૂપને યોગ્ય પ્રતિસાદ મળવા લાગ્યો."
નીલ અને આનંદના અનેક મિત્રોએ તેમને કહ્યું કે તેઓ તેમના શહેરોમાં આવે અને આ અંગે સમજાવે. નીલ વધુમાં જણાવે છે, "આ ઉપરથી અમને ખ્યાલ આવ્યો કે આ અભિયાન મોટા પાયે કરી શકાય તેમ છે. શરૂઆતમાં તેમની ટીમ દ્વારા મુંબઈ, દિલ્હી, બેંગ્લુરુ, હૈદરાબાદ, કોલકાતા જેવા શહેરોમાં કામગીરી કરવામાં આવી. મિત્રો અને પરિવારજનોની મદદથી શરૂ થયેલા આ અભિયાનમાં ધીમે ધીમે અનેક સ્વયંસેવકો જોડાવા લાગ્યા.
સરહદ પાર સુધી
જાન્યુઆરીના અંતમાં નીલનો LSEનો કરાચી ખાતેનો સહકર્મી તેના સંપર્કમાં આવ્યો. નીલ વધુમાં જણાવે છે, "અમે જે કામ કરતા હતા તેમાં તેણે રસ દાખવ્યો અને કરાચીમાં તેવું કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. 14 ફેબ્રુઆરીના રોજ કરાચી ખાતે અમારા નવા જ જૂથની કામગીરીની શરૂઆત થઈ. આજે અમારા સૌથી સક્રિય ચાર ક્ષેત્રમાં કરાચીનો સમાવેશ થાય છે."
દરેક ક્ષેત્રમાં સ્વયંસેવકોની એક કૉર ટીમ છે જે બાકીના સ્વયંસેવકોની કામગીરીનું ધ્યાન રાખે છે સાથે સાથે રેસ્ટોરાં સાથે સંપર્ક કરીને ભોજનની વહેંચણીની વ્યવસ્થા કરે છે. ટીમ ઓફ ગ્રીનના સભ્યોએ પોતાની રીતે રેસ્ટોરાં સાથે ગોઠવણ કરીને ચોક્કસ સ્થળે મળવાનું, ભોજન લેવાનું, તેનું વિભાજન કરવાનું, પેકિંગ કરવાનું અને જરૂરિયાતવાળા લોકોને વહેંચવાનું નક્કી કરે છે.
આ કામમાં વહેંચણી મહત્વની છે. દરેક જૂથમાં પોતાની કામગીરી અને ઈચ્છા પ્રમાણે લોકો વહેંચાયેલા છે. અમે માત્ર ઘરવિહોણા લોકોને જ ધ્યાનમાં નથી રાખતા. અમે એ પણ જોયું છે કે એઈમ્સ અને દિલ્હીની અન્ય હોસ્પિટલોમાં કેન્સરથી પીડાતા ઘણા લોકો છે. અમને ખ્યાલ આવ્યો કે તેમને પણ પૂરતા ભોજનની જરૂર છે.
મિશન 100K
દર વર્ષે આ આર્મી દ્વારા વિવિધ પ્રકારના લોકોની શોધ કરવામાં આવે છે અને મદદ પહોંચાડવામાં આવે છે. દિલ્હીમાં શિયાળા દરમિયાન ભોજન આપવા કરતાં રસ્તે રઝળતા લોકોને ગરમ કપડાં અને ધાબડાં જેવી વસ્તુઓ આપવાને પ્રાધાન્ય આપવામાં આવે છે. આ અભિયાનને લોકો સુધી પહોંચાડવા અમે વધારેમાં વધારે તસવીરો લઇને ફેસબુક પર મૂકીએ છીએ. અમે અમારા સ્વયંસેવકોને એવી રીતે તાલિમ આપીએ છીએ જેથી તેઓ જ્યારે ભોજન આપે ત્યારે તેમને અભિમાન ન આવે અને સામેની વ્યક્તિને નાનપ ન અનુભવાય. અમે તસવીરો પણ તેમની પરવાનગી અને ઈચ્છા હોય તો જ લઈએ છીએ.
આ સ્વાતંત્ર્ય દિવસે આ આર્મી દ્વારા અલગ જ લડાઈ લડવામાં આવી હતી, તેઓ લોકોની મૂળભૂત જરૂરિયાતોને પહોંચી વળવા પર ધ્યાન આપી રહ્યા છે અને તેમણે ભૂખ સામે જંગ શરૂ કરી છે.
આઝાદી દિવસની સંધ્યાએ રોબિન હૂડ આર્મી દ્વારા ઉબેર અને સ્કૂપ હૂપની મદદથી ભારત અને પાકિસ્તાનના 1,00,000 જેટલા નિરાશ્રિતોને ભોજન કરાવવામાં આવ્યું હતું.
લેખક- સિંધુ કશ્યપ
અનુવાદક- રવિ ઈલા ભટ્ટ