IIM લખનઉની મેનેજમેન્ટ ડીગ્રી, ટૉપ શૈક્ષણિક સંસ્થાના કૉ-ફાઉન્ડર, અને બધું છોડી ખોલી દવાની દુકાન? અમદાવાદના 'મેડકાર્ટ' સ્ટાર્ટઅપની વાત
ઉંચા પગાર કે મોટા હોદ્દાની નોકરી કે પછી મોટી કંપની ખોલવાને બદલે જો કોઈ વ્યક્તિ એક નાનકડી દવાની દુકાન ખોલે તો એ અચરજ પમાડે તેવી વાત ચોક્કસ ખરી. અને તેમાં પણ 'IIM લખનઉ' જેવી ખ્યાતનામ મેનેજમેન્ટ સંસ્થામાંથી ઉત્તીર્ણ થયા બાદ આવું પગલું ભરનારાને લોકો વણમાંગી સલાહ આપવા માંડે તે સ્વાભાવિક છે. YourStory આજે આવા જ એક સ્ટાર્ટઅપની વાત કરશે કે જેને કોઈ વ્યક્તિ વાસ્તવિકતામાં પરિણમે તેવું ભાગ્યે જ બને.
દવાઓ પર 80% સુધીનું ડિસ્કાઉન્ટ!
દવામાં ડિસ્કાઉન્ટ મળી શક ખરું? સામાન્ય સંજોગોમાં આ વાત ગળે ઉતરે નહીં, પરંતુ અમદાવાદની 'મેડકાર્ટ ફાર્મસી' છેલ્લા એક વર્ષથી પોતાના તમામ ગ્રાહકોને દવાના બીલ પર 15 થી 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપે છે. આ ફાર્મસીના સ્થાપક છે અંકુર અગ્રવાલ કે જેઓ IIM લખનઉની મેનેજમેન્ટ ડીગ્રી ધરાવે છે. તેમણે રાહત દરે શરૂ કરેલી જનરિક દવાની દુકાન અને તેનાં પાછળનો ઈતિહાસ રસપ્રદ છે.
નફા કરતાં લોકસેવાનો સકસેસ મંત્ર
આમ તો વેપાર અને નફો એ એકબીજાના પૂરક ગણાય છે.પરંતુ જયારે વેપારમાં નફાની સાથે લોકસેવાનાં અભિગમને પ્રાધાન્ય આપવામાં આવે, તો એ વેપારમાં નફા કરતાં લોકસેવા સકસેસ મંત્ર બની જાય છે. જી હા, મેડકાર્ટ ફાર્મસીએ આવું જ કંઇક કર્યું અને એક વર્ષમાં વિવિધ રોગોથી પીડાતા દર્દીઓની દવાના બીલ પાછળ રૂપિયા ત્રણ કરોડ રૂપિયાની બચત કરી છે. આ સાથે જ મેડકાર્ટે પુરવાર કરી દીધું કે જો સેવાનો અભિગમ હોય તો ન્યૂનતમ નફા સાથે પણ કોઈ પણ સ્ટાર્ટઅપને સફળતા સાંપડી શકે છે.
દવાનું મસમોટું બિલ ચૂકવતાં આવ્યો 'મેડકાર્ટ'નો વિચાર
મેડકાર્ટ ફાર્મસીનો પ્રારંભ એક વિશેષ ઉદેશ્ય સાથે સપ્ટેમ્બર 2014માં થયો હતો આ ફાર્મસીના સ્થાપક અંકુર અગ્રવાલ,
એક પ્રવેશ પરીક્ષાની જાણીતી અને સફળ સંસ્થામાં સહ સંસ્થાપક તરીકે 8 વર્ષથી સંકળાયેલા હતા. લગભગ એક વર્ષ અગાઉ તેમના સસરાને અચાનક કીડનીની બીમારીને કારણે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. ત્યારે તબીબોએ આપેલી દવાના પ્રીસ્ક્રીપ્શનનું મસમોટું બીલ ચૂકવતાં ચૂકવતાં જ તેમને રાહત દરે દવાની દુકાન ખોલવાનો વિચાર આવ્યો. અને તેજ રાત્રે તેમણે 'મેડકાર્ટ' નામ પણ નક્કી કરી દીધું અને ડોમેઈન રજીસ્ટર કરાવી લીધું. આ પછી દરેક સ્ટાર્ટઅપની માફક અંકુર પણ પોતાનાં વિચારને અમલ કરવાની પ્રક્રિયામાં લાગી ગયા. રાત દિવસ જોયા વિના દવાના વેપારની આંટીઘૂટી સમજવામાં વ્યસ્ત રહેતા અંકુરે ખૂબ જ ઓછા સમયમાં 2 લાખથી વધુ દવાના નામ અને તેની બનાવટમાં વપરાતા ઘટકો વિશે તલસ્પર્શી અભ્યાસ કરી લીધો.
25 લાખ રૂપિયાના પ્રારંભિક રોકાણ સાથે અંકુરે ગત સપ્ટેમ્બર 2014માં અમદાવાદના સ્ટેડીયમ પાંચ રસ્તા પાસે એક નાનકડી દુકાનમાં 'મેડકાર્ટ' ફાર્મસી શરૂ કરી. આ સાથે જ પોતાના નિર્ધાર મુજબ તેમણે દવા પર 15 થી માંડી 80 ટકા સુધી ડિસ્કાઉન્ટ આપવાની શરૂઆત કરી. MRP કરતાં ઓછા ભાવે પણ દવા મળી શકે અને જનરિક દવાઓ સંપૂર્ણપણે અસરકારક છે તે સમજાવતાં અંકુર અને 'મેડકાર્ટ'ના કર્મચારીઓને સમય લાગ્યો પરંતુ ધીમે ધીમે લોકોને વિશ્વાસ બેસવા લાગ્યો. અને ધીરે ધીરે હવે ગ્રાહકો સામેથી પોતાની દવાના જનરિક પર્યાય વિશે પૃછા કરતા થઇ ગયા હતા.
આ અંગે મેડકાર્ટના સ્થાપક અને સિઈઓ અંકુર અગ્રવાલ જણાવે છે, "દવાના વ્યવસાયમાં નફાનો ગાળો બહુ મોટો હોય છે. વળી ગ્રાહકોમાં જાગૃતિનો પણ ઘણો અભાવ છે આથી લોકો ખૂબ ઉંચી કિંમતો ચૂકવે છે. અમે લોકોને બ્રાન્ડેડ દવાના પર્યાય અને બ્રાન્ડેડ જનરિક વચ્ચેની કિંમતનો તફાવત સમજાવી તેમને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરીએ છે. વળી MRP કરતાં ઓછા દરે દવા આપતા હોવાથી લોકોને ઘણો હાશકારો મળે છે."
આજે કેન્દ્ર સરકાર જન ઔષધ યોજના હેઠળ લોકોના ખિસ્સાને પોસાય તેવી જનરિક દવાનાં સ્ટોર ખોલવા લોકોને માટે પ્રોત્સાહિત કરી રહી છે. ત્યારે અંકુર આંતરરાષ્ટ્રીય કક્ષાની બ્રાન્ડેડ કંપનીઓની જનરિક દવાઓ વેચે છે. એટલું જ નહીં, પણ દવા લેવા આવતા દરેક ગ્રાહકને જે તે દવા તથા બ્રાન્ડેડ અને બ્રાન્ડેડ જનરિક દવા વચ્ચે ભાવના તફાવતની પણ માહિતી અપાય છે.
મેડકાર્ટે તાજેતરમાં જ એક વર્ષ પૂર્ણ કર્યું છે અને તેની ઉજવણીના ભાગરૂપે ગરીબી રેખા નીચે જીવતા અને જરૂરીયાતમંદ ગ્રાહકોને 500 રૂપિયા સુધી દવાઓ એક માસ માટે મફત આપવાની ઘોષણા કરી છે અને આ પાછળ તે ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ કરશે.
આ ઊપરાંત દીવાળી બાદ 'મેડકાર્ટ'નો પ્રથમ મેગા સ્ટોર પણ અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં શરૂ થશે તેમજ આગામી એક વર્ષમાં વડોદરા, રાજકોટ સહીતના શહેરોમાં મેડકાર્ટ પોતાની વિસ્તૃતીકરણની સફર ખેડશે.