અન્નાએ પોલીસવાળાને એટલો માર માર્યો હતો કે તેના માથા પર આઠ ટાંકા આવ્યા હતા, જાણો શા માટે અન્નાએ 3 મહીના સુધી ભૂમિગત રહેવું પડ્યું!

અન્નાએ પોલીસવાળાને એટલો માર માર્યો હતો કે તેના માથા પર આઠ ટાંકા આવ્યા હતા, જાણો શા માટે અન્નાએ 3 મહીના સુધી ભૂમિગત રહેવું પડ્યું!

Wednesday August 24, 2016,

5 min Read

અન્નાને તેમના મામા પોતાની સાથે મુંબઈ લઇ ગયા હતા. મુંબઈમાં અન્નાએ સાતમા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. ઘરની વિકટ પરિસ્થિતિ અને પરિવારની આર્થિક તંગીને કારણે અન્નાને નાની વયે જ નોકરી કરવી પડી હતી. અન્નાએ મુંબઈમાં ફૂલ, હાર અને બુકે બનાવીને વેચવાનું શરુ કર્યુ હતું. ફૂલોનો વેપાર કરવા પાછળ એક ખાસ કારણ હતું. અન્ના સ્કૂલથી છૂટીને ફૂલની એક દૂકાને જઇને બેસતા હતા. ત્યાં તેમણે બીજા મજૂરોને કામ કરતા જોઇને હાર અને બુકે બનાવવાનું શીખી લીધુ હતું. અન્નાએ જોયું હતું કે દુકાનદારે પોતાની ફૂલોની દુકાનમાં પાંચ મજૂરો લગાવી રાખ્યા હતા અને તે તેમની મહેનતનો ફાયદો ઉઠાવતો હતો. અન્નાને લાગ્યું કે પોતાની દુકાન શરૂ કરવામાં જ સારપ છે અને ફાયદો પણ. અન્નાએ કહ્યું,

"ફૂલોનું કામ સાત્વિક છે. ભગવાનના કંઠમાં હાર પહેરાવાય છે. આ પણ એક કારણ હતું કે મેં ફૂલોનું કામ શરૂ કર્યું હતું."

મુંબઈએ અન્નાના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આણ્યા હતાં. એક રીતે કહીએ તો કિસન બાબૂ રાવ હઝારે મુંબઈમાં જ પહેલીવાર અન્ના હઝારે બન્યા હતા. મુંબઈમાં જ તેઓ સામાજિક કાર્યકર્તા અને આંદોલનકારી બન્યા હતા. વિશેષ વાત છે કે કિશોર અવસ્થામાં જ ન્યાય અને અત્યાચાર સામે અવાજ ઉઠાવવો શરૂ કરી દીધો હતો. વયમાં નાના હતા, પણ અન્યાય, અત્યાચાર સામે તેમના તેવર અને આંદોલનકારી વલણ, નેતૃત્વની ક્ષમતાને જોઇને પીડિત લોકો તેમની પાસે મદદ માગવા માટે આવવા લાગ્યા હતા.

અન્ના જ્યાં ફૂલ વેચતા હતા ત્યાં બીજા મજૂરો અને સ્વરોજગાર કરનારા લોકો ફળ, ફૂલ શાકભાજી જેવો સામાન પણ વેચતા હતા. અન્ના લગભગ રોજ જોતા હતાં કે પોલીસવાળા આ ગરીબ અને અસહાય મજૂરો પાસેથી ‘હપ્તો’ વસૂલે છે. ‘હપ્તો’ નહીં આપવા પર પોલીસવાળા બળજબરી કરતા હતા. ખાખીનો રૂઆબ દાખવીને ઘણીવાર પોલીસવાળા આ મજૂરી કરનારા લોકો અને સ્વરોજગાર કરનારા લોકોને મારતા હતા. અન્ના કડક હતા, હપ્તો ચૂકવવાની વિરુદ્ધ હતાં, પોલીસવાળા તેમના વલણથી વાકેફ હતા. હપ્તાની વસૂલાત સામે અન્નાના વિરોધને જોઇને ઘણા સ્વરોજગાર કરનારા લોકો મદદ માટે અન્ના પાસે આવવા લાગ્યા હતા. અન્ના પોલીસવાળાને સમજાવતા હતાં કે હપ્તા વસૂલવા ખોટી વાત છે. કેટલાક પોલીસવાળા તેમની વાત સાંભળતા હતા તો મોટાભાગના નહોતા સાંભળતા. અન્નાના અનુસાર,

"તેમના (પોલીસવાળા) મગજ પર એટલી અસર નહોતી પડી કારણ કે તેમને ટેવ પડી ગઇ હતી ને."

પણ, અન્ના થોડા સમય માં જ પોલીસવાળાના હાથે શોષિત અને પીડિત લોકોના નાયક બની ગયા હતા. કિશોર, પણ કિસન ‘અન્ના’ બની ગયા હતા. અન્યાય સહન કરવો અને કોઇની સાથે અન્યાય થતો જોઇને ચુપ રહેવુ તેમના સ્વભાવમાં નહોતું. કિશોર હતા, લોહી ગરમ હતું, મનમાં જુસ્સો હતો, માતાએ શિખવેલી વાત યાદ હતી કે જેટલું શક્ય હોય લોકોની મદદ કરવી, અન્ના અન્યાય સામેના જંગમાં નેતા બની ગયા હતા.

આ જંગ દરમિયાન એક એવી ઘટના સર્જાઈ, જેણે અન્નાને મુંબઈ છોડવા મજબૂર કર્યા હતા. એક દિવસ એક પોલીસવાળાએ એક ફળવાળાને હપ્તો નહીં આપવા બદલ માર માર્યો હતો. પોલીસવાળાનો માર ખાનાર વ્યક્તિ અન્ના પાસે આવ્યો હતો. પીડિતને સાથે લઇને અન્ના તે પોલીસવાળા પાસે ગયા હતા. જ્યારે અન્નાએ તે પોલીસવાળાને એક ગરીબ વ્યક્તિને હેરાન નહીં કરવાની વાત કહી હતી ત્યારે તે પોલીસવાળો અન્ના સાથે પણ ઊંચા અવાજમાં વાત કરવા લાગ્યો હતો. અન્નાના શબ્દોમાં - 

"હું ત્યાં ગયો અને પોલીસવાળાને પૂછ્યું...અરે! તમે શા માટે તકલીફ આપો છો, આ ગરીબ લોકો છે. તો તે ગુસ્સામાં મારી પર પણ બબડવા લાગ્યો હતો. તેના હાથમાં એક ડંડો હતો, તે ડંડો મેં ખેંચ્યો અને તેનાથી તેને એટલો માર્યો કે તેના માથે આઠ ટાંકા આવ્યા!"

વિશ્વાસ કરવો મુશ્કેલ છે! અહિંસા અને શાંતિના દૂત મનાતા અન્નાએ એક પોલીસવાળાને લોહીલૂહાણ કરી નાખ્યો હતો. પોલીસના ડંડાથી જ પોલીસવાળાને ફટકાર્યો હતો. ગાંધીવાદી વિચારધારામાં માનતા અન્નાએ તે ઘટનાની સ્મૃતિને તાજી કરતા કહ્યું,

"હકીકતમાં હિંસા થઇ ગઇ હતી, પણ તે વખતે ગાંધીજી મારા જીવનમાં નહોતા. હું તો છત્રપતિ શિવાજીને જોઇ રહ્યો હતો. તેમના અનુસાર રાજા કે મુખી ભૂલ કરે તો તેનો હાથ કાપી નાખવો જોઇએ."

પોલીસવાળાને ફટકારવા બદલ અન્ના સામે ધરપકડ વોરન્ટ ઇશ્યૂ થયો હતો. ધરપકડથી બચવા માટે અન્ના ભૂમિગત થઇ ગયા. પોલીસને છક્કડ ખવડાવવા માટે તેઓ અલગ-અલગ સમયે અલગ-અલગ જગ્યાએ રહેવા લાગ્યા હતા. અન્નાએ કહ્યું,

"બે-ત્રણ મહીના સુધી હું ભૂમિગત રહ્યો હતો. મારી ફૂલોની દૂકાનને પણ ઘણું નુકસાન થયું હતું. ફળ વેચનારા આ લોકો મારા કોઇ સગા નહોતા- પણ અત્યાચાર સામે લડવાની મારી ફરજ હતી. અને મેં મારી ફરજ પૂરી કરી હતી."

અન્નાના અનુસાર તેમના ભૂમિગત થવાના તે દિવસો ઘણા મુશ્કેલી ભર્યા હતા. પોલીસથી બચવા માટે તેઓ ઘણી વાર રેલવે સ્ટેશનો પર સૂતા હતા. ક્યારેક કોઇ મિત્રને ત્યાં, તો ક્યારેક કોઇ અન્ય મિત્રને ત્યાં રાત ગાળી હતી. તેમણે ખૂબ સતર્ક રહેવું પડતું હતું. પોલીસવાળાને માર્યો હતો તેથી બધા પોલીસવાળા તેમને કોઇપણ ભોગે પકડવા માગતા હતા. ફૂલની દૂકાન બંધ હતી, તે કારણે રોજી-રોટી ચલાવવી મુશ્કેલ થઇ ગઇ હતી. અન્ના કહે છે,

"તે દિવસો ખૂબ ખતરનાક હતા. બહુ જોખમ હતું અને ઘણી તકલીફો હતી, પણ પોલીસ મને પકડી શકી નહોતી."

અન્ના જ્યારે ભૂમિગત હતા, ત્યારે તેમને જાણવા મળ્યું કે ભારત સરકારે યુવાનોને સેનામાં ભરતી થવાનું આહવાન કર્યું છે. ત્યારે અન્નાએ નિર્ણય કરી લીધો કે તેઓ સેનામાં ભરતી થશે અને સૈનિક બનશે. અન્ના સેનામાં ભરતી થયા હતા અને તેઓ ધરપકડથી પણ બચી ગયા હતા.

પણ...મુંબઈએ તેમને શોષિત અને પીડિત લોકોના નાયક બનાવી દીધા. તેઓ આંદોલનકારી અને સામાજિક કાર્યકર્તા બની ચુક્યા હતા. પોલીસવાળાને ફટકારવો અને ધરપકડ વોરન્ટવાળી ઘટના પહેલા અન્નાએ મુંબઈમાં ભાડૂઆતો પર થતા અત્યાચાર સામે પણ આંદોલન શરૂ કર્યુ હતું. તે દિવસો દરમિયાન મુંબઈમાં કેટલાક ગુંડા અને લુખ્ખા તત્વો ભાડૂઆતો પાસે જતા હતા અને તેમને મકાન ખાલી કરાવવાની ધમકી આપીને તેમની પાસેથી પૈસા વસૂલતા હતા. જ્યારે અન્નાને આ અત્યાચાર વિશે જાણવા મળ્યુ ત્યારે તેમણે પોતાના કેટલાક સાથીઓ અને તેમના વિચાર સાથે મેળ ધરાવતા લોકોનું એક સંગઠન બનાવ્યુ હતું. અન્નાએ પોતાના સાથીઓ સાથે જઇને ભાડૂઆતો પાસેથી પૈસા વસૂલતા ગુંડાઓને તેમની ભાષામાં જ ધમકી આપી હતી કે જો તેઓ વસૂલાત બંધ નહીં કરે તો તેમને જોઇ લેશે. અન્નાની ધમકી, તેમનો તેવર, તેમનો અવાજ એટલો દમદાર હતો કે મોટા-મોટા ગુંડા ગભરાઇ ગયા હતા. અન્ના ઘણાં ગર્વ સાથે કહે છે,

"હું બાળપણથી જ લડતો આવ્યો છું. હું નાનો હતો, પણ તે ગુંડાઓને કહી દીધું હતું કે ગુંડાગીરી અમને પણ આવડે છે. આ વાતે તેઓ ડરી ગયા હતા."

લેખક- ડૉ.અરવિંદ યાદવ, મેનેજિંગ એડિટર, ઇન્ડિયન લેન્ગવેજીસ, યોરસ્ટોરી

........................

આ સ્ટોરીઝ પણ વાંચો:

અન્ના હઝારે જીવનમાં માત્ર એક વાર જ ખોટું બોલ્યા છે! ક્યારે, કેમ, કોની પાસે અને કેવી રીતે.. જાણવા વાંચો આ લેખ

માતા પિતાનાં સંસ્કારોને કારણે કિસન નાનપણથી જ લોકોના ‘અન્ના’ બની ગયા!