ગુજરાતની કિંજલનું ફૂડ સ્ટાર્ટઅપ ItsPotluck.com, US અને ઇન્ડિયાના ફૂડ બ્લોગર્સ, હોમ કૂક્સમાં બન્યું લોકપ્રિય
હવે એ સમય આવી ગયો છે જ્યારે તમે ઘરે બેસીને, તમારી આવડત લોકો સુધી પહોંચાડીને ઘરબેઠાં ફેમસ થઇ શકો છો અને સાથે કમાણી પણ કરી શકો છો. ખાસ કરીને આ ટેકનોલોજી સમય કારણે ગૃહિણીઓને ઘણો ઉપયોગી સાબિત થઇ રહ્યો છે. પહેલાં કરતા હવે હોમકૂક્સ અને હોમબેકર્સની સંખ્યા પણ ઘણી વધી છે કારણ કે સ્ટાર્ટઅપ્સ દ્વારા તેમને એક્સ્પોઝર્સ મળી રહ્યું છે. ત્યારે અમદાવાદની હોમકૂક્સ તેમજ હોમબેકર્સને એક પ્લેટફોર્મ પર લાવ્યું છે ItsPotluck.com
શું છે ItsPotluck.com?
ItsPotluck.com એ એક એવી વેબસાઇટ તેમજ મોબાઈલ એપ્લિકેશન છે જે અમદાવાદની હોમકૂક્સે તૈયાર કરેલી વાનગીઓને પ્રોત્સાહિત કરી લોકોના ઘરઆંગણે પહોંચાડે છે. એક સમયે 2 બાળકોની માતાની એક જરૂરીયાત, ત્યારબાદ પેશનથી જેની શરૂઆત થઇ હતી તે આજે કેટલાંયે ફૂડ લવર્સની મનગમતી રેસિપીઝનું સ્ટોરેજ બોક્સ બની ગયું છે. સાથે જ ફૂડ બ્લોગર્સ તેમજ ફૂડ લવર્સ આ વેબસાઇટ પર વિવિધ રેસિપીઝ પણ શેર કરી શકે છે. ItsPotluck.comના ફાઉન્ડર કિંજલ પોપટ આ અંગે જણાવે છે,
"કહેવાય છે ને કે Necessity is the mother of invention અને આજ શોધના કારણે કંઇક અલગ તેમજ નવીન વિચાર ધરાવતું પ્લેટફોર્મ અસ્તિત્વમાં આવ્યું. જેમાં કન્ટેન્ટ, કોમર્સ તેમજ તમારા જેવી જ પેશન ધરાવતાં લોકો સાથે સંપર્કમાં રહી શકો છો."
ધીરે ધીરે આ પોર્ટલ ફૂડ બ્લોગર્સ તેમજ ફૂડ લવર્સ કમ્યુનિટી વચ્ચે લોકપ્રિય બનવા લાગ્યું અને આજે આ પોર્ટલ તેમજ મોબાઈલ એપ્લિકેશન સાથે 1000 ફૂડ બ્લોગર્સ જોડાયેલા છે. સાથે જ અત્યાર સુધી આ પોર્ટલ પર 35000 જેટલી રેસિપીઝ શેર કરવામાં આવી છે.
કેવી રીતે ItsPotluck.comનો વિચાર આવ્યો?
ગુજરાતમાં રહેતા કિંજલ પોપટ અને તેના હસબન્ડ વિનોદ થોડા વર્ષો અગાઉ અહીંથી US શિફ્ટ થયા. કિંજલ ગુજરાતી છે જ્યારે વિનોદ કેરાલાથી. ત્યાં જઈને અહીની વાનગીઓ બનાવવા કિંજલ ઇન્ડિયામાં રહેતા તેમના સંબંધીઓને ફોન કરતી અને રેસિપી જાણતી. કિંજલને તેના હસબન્ડને પસંદ હોય તેવી વાનગીઓ બનાવવી હોય પણ તેને રેસિપી ન ખબર હોય એટલે ઇન્ડિયા ફોન કરવાનો સિલસિલો શરૂ થઇ ગયો. ધીરે ધીરે કિંજલે તેની ગમતી રેસીપીઝ વિશે ગૂગલ કરવાનું શરૂ કરી દીધું. તેની મનગમતી વાનગીઓ અને ફૂડ બ્લોગ્સને બુકમાર્ક કરવા લાગી. અને સમય જતાં, જ્યારે કિંજલ પાસે પૂરતો ડેટાબેઝ તૈયાર થઇ ગયો ત્યારે તેણે પોતાની મનગમતી વાનગીઓને એક જ પ્લેટફોર્મ પર રાખવા એક પોર્ટલ તૈયાર કર્યું. અને ત્યાંથી જ જન્મ થયો ItsPotluck.comનો.
જ્યારે કિંજલે ItsPotluck.com પર કામ કરી રહી હતી ત્યારે તે દિવસના સમયે ફૂલ ટાઈમ નોકરી કરતી અને રાતે જાગીને પણ પોર્ટલ પર કામ કરતી. વર્ષ 2014માં કિંજલ અને તેના પતિને લાગ્યું તેમના આ વિચાર, પહેલને આગળ લઇ જઇ શકાય તેમ છે. અને એ નિર્ણય બાદ કિંજલે તેની જોબ છોડી દીધી. કિંજલ રીટેઈલ તેમજ ડીઝાઈન ઇન્ડસ્ટ્રીમાં પ્રોડક્ટ સ્ટ્રેટેજીને લગતો 15 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. છતાં પણ આ ટેક સેવી મોમે પોતાના સ્ટાર્ટઅપ પ્રત્યેની પેશનને ફોલો કરવા સંપૂર્ણ સમય ItsPotluck.comને આપવાનું નક્કી કર્યું. એ જ સમયે કિંજલને પોર્ટલ સિવાય મોબાઈલ એપ્લિકેશન બનાવવાનો વિચાર સૂઝ્યો.
હોમકૂક્સને પ્રોત્સાહિત કરવાનો આશય
ItsPotluck.com દ્વારા કિંજલ તેના હોમટાઉન અમદાવાદની મહિલાઓને જેઓ વિવિધ વાનગીઓ બનાવવાનો રસ ધરાવે છે અને સારી વાનગીઓ બનાવી શકે છે, તેમને પ્રોત્સાહિત કરવાનું વિચાર્યું. આમ પણ અમદાવાદ તેની ચટાકેદાર વાનગીઓ અને ફૂડ સ્ટ્રીટસના કારણે જાણીતું છે. અને કિંજલે તેના આ સપનાને સાકાર કરવા મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી. આજે અમદાવાદની હોમકૂક્સ આ પોર્ટલ તેમજ એપ્લિકેશન પર પોતાની શ્રેષ્ઠ રેસિપીઝ ફોટોઝ સાથે મૂકે છે. જે યુઝર આ પોર્ટલ કે એપ પર આવે અને કોઈ હોમકૂકની રેસિપી પસંદ પડે તો તેનો ઓર્ડર આપી શકે છે. ItsPotluck.comની મોબાઈલ એપ્લિકેશન iOS તેમજ એન્ડ્રોઈડ ફોન્સ પર ઉપલબ્ધ છે. હોમકૂક્સની વાનગીઓ ગ્રાહકોના ઘરઆંગણે પહોંચાડવા કિંજલે એક ડિલીવરી ચેનલ સાથે જોડાણ કર્યું છે જેથી સમયસર વાનગીઓની ડિલીવરી કરી શકાય.
ભવિષ્યની યોજના
આજે પણ કિંજલ દિવસના 12 જેટલા કલાકો ItsPotluck.comને આપે છે. જયારે એક નાનકડી ટીમ સાથે મક્કમપણે તેઓ આગળ વધી રહ્યાં છે. આ ટીમ ભવિષ્યમાં USમાં હોમકૂક્સની સુવિધા પૂરી પાડવાના લક્ષ્ય સાથે કામ કરી રહી છે. સાથે જ ભારતનાં વિવિધ શહેરોમાં આ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવાની યોજના છે. જ્યારે કે કિંજલ ItsPotluck.comના એકસ્પાન્શન માટે VC પાસેથી પણ ફંડ મેળવવાની યોજના ધરાવે છે.
સ્ટાર્ટઅપ્સને લગતી અન્ય સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો
આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:
જોબ ઈન્ટરવ્યુમાં પૂરતો સમય ન મળતા અમદાવાદના યુવાને 'વીડિયો CV' બનાવતી કંપની સ્થાપી દીધી!
પોતાના નામને સાર્થક કરતી: અમદાવાદની ‘રચના’