માતા પિતાનાં સંસ્કારોને કારણે કિસન નાનપણથી જ લોકોના ‘અન્ના’ બની ગયા!

માતા પિતાનાં સંસ્કારોને કારણે કિસન નાનપણથી જ લોકોના ‘અન્ના’ બની ગયા!

Tuesday August 23, 2016,

3 min Read

અન્ના હઝારે સાદગીની મૂર્તિ છે. તેમની રહેણી-કરણી, ખાન-પાન અને અન્ય કાર્યો સાદગીથી ભરેલાં છે. તેઓ ખાદીનાં કપડાં પહેરે છે અને મોટાભાગે સફેદ ધોતી અને ઝભ્ભો પહેરે છે. માથા ઉપર ગાંધી ટોપી તેમનાં પહેરવેશની ખાસ ઓળખ છે. તેઓ શુદ્ધ શાકાહારી છે. કોઈ જ પ્રકારનું વ્યસન કર્યું નથી અને હંમેશા લોકોની મદદ કરવા માટે આગળ રહે છે.

અન્ના કોઈ પણ કામ કેમ ન કરે તેમના ઉપર તેમનાં માતા-પિતાની અસર સ્પષ્ટપણે દેખાય છે. અન્નાના જણાવ્યા અનુસાર તેઓ નાનપણથી જ તેમનાં માતા-પિતા પાસેથી ઘણું શીખ્યાં છે. માતા-પિતા પાસેથી મળેલા સંસ્કારોને કારણે જ તેઓ ન્યાય સામે લડવા માટે પ્રેરાયા છે. માતાએ તેમને શાળામાં માસ્ટરના મારથી અને બદનામીથી બચાવ્યા એટલું જ નહીં, પરંતુ એવો પદાર્થપાઠ શીખવ્યો કે જેનાથી તેમનું ચરિત્ર મહાન અને આદર્શ બન્યું. પોતાનું જૂઠ્ઠાણું છૂપાવવા માટે માતા પાસે જૂઠ્ઠું બોલાવ્યા બાદ અન્ના ફરી ક્યારેય જીવનમાં જૂઠ્ઠું નથી બોલ્યા. અન્નાએ જણાવ્યું કે તેમની માતાએ તેમને નાનપણથી જ સારા સંસ્કારો આપવાનું શરૂ કરી દીધું હતું. અન્ના આ અંગે વધુમાં જણાવે છે, 

"જ્યારે હું નાનો હતો ત્યારે મા હંમેશા મને શીખવતી હતી કે કોઈનું ક્યારેય ખરાબ કરવું નહીં, ચોરી કરવી નહીં, કોઈનીયે સાથે ઝઘડવું નહીં ઉલટું સમાજ માટે સારું કામ કરવું."

મા લક્ષ્મીબાઈએ અન્નાને બાળપણમાં જ શીખવાડ્યું હતું કે તમે સમાજ માટે વધારે ન કરી શકો તો કાંઈ નહીં જેટલું થાય તેટલું કરવાનું. તમારે હંમેશા લોકોનાં દુ:ખ દૂર કરવા જોઇએ.

માતાની આવી વાતોની અન્નાનાં બાળમાનસ ઉપર ઘેરી અસર પડી. અન્નાના શબ્દોમાં કહીએ તો માતા પાસેથી મેં જે વાતો શીખી તેના કારણે મારું મન સોશિયલ બની ગયું.

અન્નાનો પરિવાર ગરીબ હતો. અન્નાએ પણ ગરીબી સહી હતી. ઘર ચલાવવા માટે પતિને મદદ કરવા અન્નાની માતા અન્યોને ત્યાં વાસણ માંજવા પણ જતાં હતાં. અન્ના કહે છે,

"મારી માતા પાસે વધુ પૈસા નહોતા, તે પૈસાદાર પણ નહોતી. પરંતુ પોતાનાં ચારિત્ર્યને ખૂબ જ મજબૂત રીતે સાચવીને રાખતી હતી."

અન્ના ઉપર તેમનાં પિતા બાબુરાવનો પણ મોટો પ્રભાવ છે. નાનપણમાં જ અન્ના જોતા હતા કે તેમના પિતા કેવી રીતે દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. અન્નાએ અનેક મુદ્દે પોતાનાં પિતાનું અનુકરણ કર્યું છે.

અન્ના કહે છે,

"મારા પિતા એકદમ સરળ માણસ હતા. સીધાસાદા હતા. તેમણે પણ ક્યારેય કોઈ વ્યસન કર્યું નથી કે કોઈ બાબતે ખોટું બોલ્યાં નથી. તેમણે ક્યારેય કોઈની સંપત્તિ પચાવી પાડવાની કોશિશ કરી નથી. તેઓ વધારે ભણેલાં નહોતાં. ઓછું ભણેલા હતા. હું તેમને સવારથી સાંજ સુધી જોતો હતો. તેઓ શું કરે છે? શું ખાય છે? શું પીવે છે? કેવી રીતે રહે છે? કેવી રીતે ચાલે છે? કેવી રીતે ફરે છે? આ બધી વાતોની પણ મારા જીવન ઉપર ઘેરી અસર પડી."

અન્ના એ બાબતે પણ મહેણું મારવાનું નહોતાં ચૂક્યા કે આજકાલનાં માતા-પિતા પોતાનાં બાળકોને સંસ્કાર આપવા માટે ‘સંસ્કાર કેન્દ્ર’ મોકલે છે. અન્નાએ જણાવ્યું,

"ઘણાં લોકોને એમ લાગે છે કે બાળકોને સંસ્કાર કેન્દ્રમાં મોકલીશું તો તેમનામાં સારા સંસ્કાર આવશે. પરંતુ આ વાત ખોટી છે. સાચાં સંસ્કાર બાળકોને માતા-પિતા તરફથી મળે છે."

અન્નાએ માતા-પિતાને સંદેશ આપ્યો હતો કે 'દરેક પરિવાર સંસ્કાર કેન્દ્ર બનવો જોઇએ.'