kachhua.comના સહારે કરો તમારી નૈયા પાર, 4 ગુજરાતી મિત્રોની e-લર્નિંગની અનોખી પહેલ
આજનો યુગ એટલે સ્પર્ધાનો યુગ. જમાના સાથે ઝડપી કદમ મિલાવવાની સાથે સાથે જો માનવતાને પણ સાથે લઈને ચાલવામાં આવે તો સોનામાં સુગંધ ભળી જાય. અને તેનું જ એક સર્વોત્તમ ઉદાહરણ છે kachhua.com.
kachhua.com એ તમામ પરીક્ષાઓ જેવી કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ, શાળા-કોલેજની પરીક્ષાઓ અને અન્ય શૈક્ષણિક પરીક્ષાઓની ઓનલાઇન તૈયારી કરાવે છે. લાખો વિદ્યાર્થીઓ આ સુવિધાનો લાભ લઇ ચૂક્યા છે અને વિવિધ પરીક્ષાઓમાં ઉત્તીર્ણ પણ થયા છે. આ ઉપરાંત ‘કછુઆ’ IT કોર્સ, ડીઝાઇન કોર્સ, બિઝનેસ કોર્સ, સ્કીલ અને જીવનશૈલીને લગતા કોર્સ તેમજ બાળવાર્તાઓ જેવા બિનશૈક્ષણિક ઓનલાઈન કોર્સ પણ પૂરા પાડે છે તેમજ તે અન્ય લોકોને પણ પોતાનું જ્ઞાન વિસ્તારવાનો મોકો આપે છે.
શૂન્યમાંથી સર્જન
kachhua.com એ નાના ગામમાંથી આવતા 4 મિત્રોની સંયુક્ત વિચારસરણીનો સંગમ છે. વિજય ઠક્કર, મયુર પટેલ, ધવલ સોનપાલ અને મેહુલ પટેલ.
અતિ ઉત્સાહ તેમજ જીતનો મંત્ર સાથે લઈને ચાલવાના અને અશક્યને શક્ય બનાવવાના જુનૂને તેમને આ મુકામ સુધી પહોંચાડ્યા કે નોન-IT ફિલ્ડમાંથી હોવા છતાં વિદ્યાર્થીઓને કંઇક લાભ થઇ શકે તેવી વેબસાઈટનું નિર્માણ કરી શક્યા. તેમણે શરૂઆતમાં નાના સ્તર પર વર્ગો શરૂ કર્યા. પણ પછી તેમણે જોયું કે શહેરમાં શૈક્ષણિક વર્ગો ચાલે છે પણ તે કંઇક અંશે ખર્ચાળ હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ જઈ શકતા નથી. આ કારણે આવા પ્રતિભા ધરાવતા વિદ્યાર્થીઓ હોવા આ લાભથી વંચિત રહી જાય છે.
તો તેમણે વિચાર્યું કે કેમ એવું કંઇક ના કરીએ કે જેથી વિદ્યાર્થીઓ ઘરે બેસીને જ અભ્યાસ કરી શકે!!
શિક્ષણ કે જેના પર દરેક વ્યક્તિ, ભલે તે પછી ગરીબ હોય કે અમીર, હક છે અને તે દરેકને મળવું જોઈએ. અને આમ પણ આજનો જમાનો એટલે ઈન્ટરનેટનો જમાનો. તેવામાં આ વિચારધારણા સાથે kachhua.com નો 16 નવેમ્બર, 2013ના રોજ પાયો નખાયો.
ત્યારબાદ તેના માટે જરૂર હતી એક સશક્ત અને ટેક્નિકલ ટીમની. 6 લોકોની ટીમથી kachhua.comની શરૂઆત થઇ. ધીમે ધીમે સ્ટાફની ભરતી શરૂ થઇ, જે આંક આજની તારીખ માં 40 સુધી પહોંચી ગયો છે.
કહેવાય છે કે જો આપણા કામની સાથે બીજા કોઈનું ભલું કરવાનો હેતુ રહેલો હોય તો એ જલદીથી સફળતામાં પરિણમે છે અને તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે kachhua.com
હાલ kachhua.com વેબસાઈટ સાથે 1000 જેટલા નાના-મોટા સંલગ્ન પાર્ટનર જોડાઈ ચૂક્યા છે.
હાલ તેમની વેબસાઈટના 10,000 થી 15,000 જેટલા રોજના વિઝીટર્સ છે.અને 2000 થી વધારે પેઈડ અને ફ્રી કોર્સ kachhua.com પર છે, જેનો અત્યાર સુધી 2,00,000 થી પણ વધારે વિદ્યાર્થીઓ લાભ લઇ ચૂક્યા છે.
ઓનલાઇન ટીચિંગ દ્વારા લોકોમાં જ્ઞાન વહેંચવું સરળ બન્યું
કોઈ પણ વ્યક્તિ પછી એ કોઈ શિક્ષક હોય કે કોઈ ગૃહિણી, પોતાનું જ્ઞાન અન્ય લોકો સુધી ફેલાવી શકે તે માટે kachhua.com તેમને ઓથર(લેખક કે ટ્રેઈનર) બનવાની તક પણ પૂરી પાડે છે. આ યોજનામાં તે વ્યક્તિ પોતાના બનાવેલા વિડીયો કે કોઈ મટેરીયલ kachhua.com પર મૂકી શકે છે. આ ઉપરાંત કોઈ વિદ્યાર્થી પણ પોતે બનાવેલી નોટ્સ kachhua.com પર મૂકી શકે છે.
આ એક ખૂબ જ સરળ પ્રક્રિયા છે. ટ્રેઈનર બનવા ઈચ્છતા વ્યક્તિ ‘કછુઆ’માં એકાઉન્ટ બનાવે છે. ત્યારબાદ પોતાના ટ્રેઈનિંગ આપતા કે ભણાવતા વિડીયો અને pdf મટીરીયલ યોગ્ય રીતે વેબસાઈટ પર અપલોડ કરે છે અને આ રીતે તેમના ઓનલાઇન કોર્સ તૈયાર થઇ જાય છે. હવે વિદ્યાર્થીઓ આ કોર્સ ઓનલાઇન ખરીદી શકે છે.
‘કછુઆ’ પર શૈક્ષણિક વસ્તુઓનું વેચાણ
અન્ય એક યોજના મુજબ કોઈ વ્યક્તિ kachhua.com પર શૈક્ષણિક પુસ્તક, CD, DVD, E-book, મેગેઝીન, પેન-ડ્રાઈવ, મેમરી કાર્ડ, ટેબ્લેટ, શૈક્ષણિક ગેમ્સ, શૈક્ષણિક ટોયઝ, શૈક્ષણિક ઓનલાઇન કોર્સ પણ વેચી શકે છે. સેલર બનવા ઈચ્છતા વ્યક્તિ કછુઆ પર એકાઉન્ટ બનાવે છે અને વેચવા માગતા વસ્તુઓની બધી જાણકારી અપલોડ કરે છે. કછુઆ પર આવતા વિઝીટર્સ તેમની વસ્તુ ખરીદી શકે છે.
આ ઓનલાઇન સેવાને કારણે કોઈ પણ વિદ્યાર્થી ગમે તે સમયે અને ગમે તે સ્થળે પોતાના મોબાઈલ કે PCથી જ અભ્યાસ કરી શકે છે અને એ પણ સસ્તા દરે અને ઘરે બેઠા જ. તો આમ ‘કછુઆ’ ઓનલાઇન શિક્ષણ પૂરું પાડીને લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવી રહ્યું છે.
‘કછુઆ’નું ભાવિ આયોજન
કછુઆ ના કો-ફાઉન્ડર અને COO વિજય ઠક્કર જણાવે છે, “કછુઆનું ભવિષ્યનું આયોજન ભારતની કોલેજના શિક્ષકોને ઓનલાઇન કોર્સ બનાવવાની ઓનલાઈન અને વ્યક્તિગત ટ્રેઈનિંગ આપવાનું છે કે જેથી તેઓ પોતાના જ્ઞાનને વૈશ્વિક ધોરણે શેર કરી શકે. તેમજ યુવાનોને પણ ઓનલાઈન શિક્ષણ આપતા શીખવવું કે જેથી તેમના માટે રોજગારીની તકો ઉભી થાય. આ વસ્તુ યુવતીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઇ શકે એમ છે, કારણ કે ઓનલાઈન ટીચિંગ કોઈ પણ સમયે અનૂકુળતા પ્રમાણે કરી શકાય છે.”
તેઓ વધુમાં જણાવે છે કે "મારા સપનાઓ બહુ જ ઊંચા છે. મારી યોજના દુનિયાના દરેક વિદ્યાર્થી સુધી માહિતી પહોંચી શકે અને દરેક વિદ્યાર્થી આ ઓનલાઇન કોર્સનો લાભ લઇ શકે તેવી છે."
વૈશ્વિક સંસ્થા Docebo મુજબ 2016 સુધીમાં ઈ-લર્નિંગનો બિઝનેસ સમગ્ર વિશ્વમાં $51.172 Billion નો અને ભારતમાં $ 5.1 Billion નો થવાની સંભાવના છે, કે જેમાં કછુઆ પોતાના ખાતે મોટો હિસ્સો જમા કરાવી વિશ્વમાં નોંધપાત્ર બનવાની અને 2018 સુધિમા 2000 કરોડનું ટર્નઓવર કરી લેવાની સંભાવનાઓ ધરાવે છે.
આ ઉપરાંત, વૈશ્વિક બજારમાં ‘કછુઆ ઓનલાઈન’ એજ્યુકેશન અને લર્નિંગ સેક્ટરમાં મજબૂત પાયો નાંખી રોકાણકારોને આકર્ષી રહ્યું છે.
ભારતમાં રોજગારીની તકો વધે તે માટે કછુઆ પ્રયત્નશીલ છે અને ચાલુ વર્ષના અંત સુધીમાં અંદાજિત 1000 પ્રત્યક્ષ અને 5000 પરોક્ષ રોજગારીનું સર્જન કરશે.