ડિયર (વિ)મેન, શું તમે સાચા સવાલો કરો છો?
આ આર્ટીકલ YourStoryના ફાઉન્ડર અને એડિટર-ઇન-ચીફ શ્રદ્ધા શર્માએ લખ્યો છે જેનો ગુજરાતી ભાવાનુવાદ અહીં પ્રસ્તુત છે:
‘તમે સાચા સવાલો નહીં કરો તો તમને સાચા જવાબ પણ નહીં મળે. સવાલને ચોક્કસ રીતે પૂછવામાં આવે તો જવાબ અંગેના સંકેત તેમાંથી જ મળતાં હોય છે. સવાલ પૂછવો તે જાતે જ સમસ્યાનું સંશોધન છે. જિજ્ઞાસાવૃત્તિ ધરાવતું માનસ જ સમસ્યાનો સચોટ ઉકેલ લાવી શકે છે.’ તેમ એડવર્ડ હોનેટે કહ્યું છે.
હું જ્યાંથી આવું છું ત્યાં એક સ્ત્રી તરીકે જન્મ લેવો તે જ ગુનો છે. અહીંના સમાજની રોજિંદી કામગીરી છે કે તે મહિલાને નિમ્ન પ્રજાતિ તરીકે સિદ્ધ કરે. મેં સખત મહેનત કરી (અન્ય મહિલાઓ કરે છે તેમ) અને આગળ વધી, જેના કારણે આજે હું આ સ્થાને પહોંચી છું. મહિલા આન્ત્રપ્રેન્યોર તરીકે મેં પણ 'હવે બસ બહુ થયું' જેવા આકરા પ્રહારો સહન કર્યા છે.
મારા દાદી મને સવાલ કરતા રહે છે કે, "તું બિહારની મહિલાઓ માટે શું કરે છે? તેઓ આતંરિક રીતે નારિત્વવાદી છે. તેમના 16 વર્ષે લગ્ન થઇ ગયા હતા અને તેઓ 18 વર્ષે વિધવા થઈ ગયા. ત્યારબાદ તેમણે અભ્યાસ કર્યો અને રાજ્યના સૌપ્રથમ મહિલા સિવિલ સર્વન્ટ બન્યા. મેં તેમને પૂછ્યું કે, "શું 'HerStoryની તેમાં ગણતરી ન થાય?" તેમણે જવાબ આપ્યો કે 'ના, તે પૂરતું નથી' અને મને ભાગલપુરની મહિલાઓને મળવાનું કહ્યું, જેમણે સિલ્કની ફેક્ટરીઓમાં કામ કરતાં કરતાં પોતાના હાથ ગુમાવી દીધા હતા અને પછી તેમણે વાત કરી જેણે મને નખશીખ ધ્રુજાવી દીધી. હું નાની હતી ત્યારે દાદીએ તેમની નિવૃત્તિ બાદ ‘જાગો બહેન’ નામનું એક એનજીઓ શરૂ કર્યું હતું જે રાજ્યની મહિલાઓને સશક્ત બનાવવા કામ કરતું. હું સ્કૂલેથી આવ્યા પછી તેમની સાથે કામ કરતી. તમને એક વાતનો તો ખ્યાલ આવી જ જશે કે, "હું આજે જે છું તેમાં મારી તે સમયની કામગીરીનું વત્તા-ઓછા પ્રમાણમાં પ્રતિબિંબ દેખાતું જ હશે. તે જીવનની વાસ્તવિકતા આજે પણ મારામાં દેખાય છે. મારા મતે જાતીય સમાનતા અંગત વિચાર સમાન છે. હું ક્યારેય સ્ત્રીઓની સમસ્યાઓ વિશે વાત કરતી નથી કારણ કે મને નાની ઉંમરે જ સમજાઈ ગયું હતું કે વાતો કરવાથી કંઈ વળતું નથી, તેના માટે કંઈક નક્કર કરવું પડે છે. સખત મહેનત કરીને મારા વતનની મહિલાઓ માટે હું એવું ઉદાહરણ બની કે તેઓ કહી શકે કે, ‘તે કરી શકે તો અમે કેમ નહીં?’
વર્તમાન સમયમાં 'સ્ટાર્ટઅપ વિશ્વ'ની વાત કરીએ તો મને આજે પણ નવાઈ લાગે છે કે જ્યારે લોકો ટેક ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓની હાજરી અને ખાસ કરીને તેમના દ્વારા કોન્ફરન્સ દરમિયાન કરાતા પ્રતિનિધિત્વ અંગે વાતો કરતા હોય છે. મારા માટે આ વાતો ઉપયોગી છે કારણ કે તે માત્ર વાતો જ છે. મને આવી ચર્ચાઓમાં ભાગ લેવાનું પસંદ નથી. મારે માત્ર કંઈક કરી બતાવવું છે. તેથી જ આજે હું મારી જાતને અરજ કરું છું કે, 'પ્રતિજ્ઞા કર અને બનાવટી સવાલોની પેલે પારની દુનિયાને જાણ.' આપણે જ્યારે સવાલ કરતા જ હોઈએ તો પછી યોગ્ય સવાલ શા માટે ન કરીએ, એવો સવાલ જેમાં ગહન ચિંતન રહેલું હોય અને તેનો જવાબ પણ સંયુક્ત, વૈયક્તિક છતાં નક્કર હોય.
આપણે સવાલો અંગે વાત કરીએ તો પહેલાં મારે તમને કેટલીક વાત જણાવવી છે. આ મહિનાની શરૂઆતમાં મેં એક અઠવાડિયું દિલ્હીમાં પસાર કર્યું અને પછી ત્રણ દિવસ હું ટેકસ્પાર્ક ઇવેન્ટ હતી, તેનો સીધો અર્થ હતો કે હું ખાસ ઘરે રહી નથી. ઉદ્યોગ સાહસિક બન્યા પછી લગભગ સાત વર્ષથી આવું જ થતું આવ્યું છે. મેં ઘરની ચિંતા કર્યા વગર આ કામ કર્યું છે કારણ કે મેં અને મારા પતિએ નક્કી કર્યું હતું કે અમે જે પણ કરીએ, જેના માટે પણ કરીએ તેમાં એકબીજાને સાથ આપીશું. મારા હસબન્ડ મને મારા કામ માટે ક્યારેય 'પરવાનગી' નથી આપતા, કારણ કે તે જાણે છે કે, મારા માટે મારું કામ જેટલું મહત્વનું છે તેટલું જ તેનું કામ તેના માટે છે, તેથી પરવાનગીનો પ્રશ્ન આવતો જ નથી. તેઓ હંમેશા એવું માને છે કે, વ્યક્તિ અને જાતિ કરતા કામ મહત્વનું હોય છે.
મારા મતે, જાતીય સમાનતા એટલે કોઈ ટેક સ્ટાર્ટઅપની ઈવેન્ટમાં જઈને એવો સવાલ કરવો કે તમારે ત્યાં પેનલમાં મહિલાઓ કેમ વધારે નથી. મારા મતે જો તમે ખરેખર તે મુદ્દે વાત કરવા માગો છો તો તમારે સવાલ કરવા પડશે, સમસ્યાનો ઉકેલ લાવવો પડશે અને ગંભીર મુદ્દે પણ કામ કરવું પડશે, જેમ કે ઉદ્યોગસાહસિકતા ક્ષેત્રમાં વધારે મહિલાઓ નથી આવતી, શા માટે નથી આવતી? શા માટે વધારે મહિલા ઉદ્યોગસાહસિકોને ભંડોળ નથી મળતું? શા માટે ભારતમાં મહિલાઓ દ્વારા શરૂ કરાયેલા સાહસને સમર્થન નથી મળતું? શા માટે રોકાણકારોમાં વધારે મહિલાઓ નથી હોતી? આવા ‘શા માટે’ની યાદી ઘણી મોટી થાય તેવી છે.
તેના માટે માત્ર મહિલાઓએ નહીં, પણ સમગ્ર સમાજે જવાબ આપવાનો છે અને તેની શરૂઆત આપણા ઘરથી જ થવી જોઈએ.
મારો તમામ માતા-પિતાને સવાલ છે કે, તમારી દીકરી સતત તેના સાહસ સાથે જોડાયેલી હોય અને ભાગ્યે જ ઘરે જોવા મળે તો તમને કેવી લાગણી થશે? તમે કઈ હદ સુધી તેને સાથ આપશો?
સમગ્ર સમાજને હું પૂછવા માગું છું કે, ઘરના કામનું શું થશે કે પાડોશીઓ શું કહેશે તેવી વાતોની ચિંતા કર્યા વગર કઈ હદ સુધી તમારી ભત્રીજી, પૌત્રી કે મિત્રને પ્રોત્સાહન આપશો અને તેના સાહસને સફળ થવામાં કઈ હદ સુધી મદદ કરશો તેવા સવાલો કરો.
મારો તમામ પુરુષોને સવાલ છે કે, તમારી પત્ની, ગર્લફ્રેન્ડ કે બહેન તેની કરિયર સેટ કરવા માટે, તમારી મદદ માગે અને તે માટે તમારે તમારી કરિયરનો કેટલોક ભોગ આપવો પડે(જે મહિલાઓ મોટાભાગે આપતી જ હોય છે) તો તમે તૈયાર છો?
રોકાણકારોને મારો સવાલ છે કે, એવું બની શકે તે મહિલાઓ તેમના કામ દરમિયાન લાગણીશીલ ન થાય અને અન્ય પુરુષ કરતાં સારું કામ કરી બતાવે તો તમને લાગે છે કે મહિલા દ્વારા શરૂ કરાયેલું સ્ટાર્ટઅપ વધારે સક્ષમ હશે?
આ સવાલો એવા છે જેના જવાબ આપવા ખૂબ જ મુશ્કેલ છે અને આ સવાલોના જવાબ ટેક કોન્ફરન્સમાં મહિલાઓને પેનલમાં રાખવાથી કે પછી તેને પંદર મિનિટ માટે સ્ટેજ પર આવવા દેવાથી નહીં મળે. વાસ્તવિકતા એ છે કે જરૂર છે વધારે મહિલાઓની જે ટેક્નોલોજીની ઈકોસિસ્ટમમાં આવે, સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ સાથે જોડાય અને સામાન્ય કારીગર વર્ગમાં પણ મહિલાઓનું પ્રમાણ વધારે હોય. મહત્ત્વનું એ છે કે, મહિલાઓ જ્યારે તેમને મળવાપાત્ર ધ્યાન અને હક અંગે માગણી કરશે ત્યારે જ કંઈક બદલાશે.
આપણે જ્યારે મહિલાઓની સમસ્યા વિશે તમામ હકારાત્મક પાસાઓ સાથે ચર્ચા કરતા હોઈએ ત્યારે આપણે મહિલા તજજ્ઞને પંદર મિનિટ સ્ટેજ પર ઉભા રાખવાના બદલે તે સમસ્યાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો જોઈએ. આ ત્યારે જ શક્ય બનશે જ્યારે આપણે ઘરમાં આપણી પત્ની, બહેન દીકરી વગેરેને તેમના જન્મ સમયથી જ બિરદાવવાનું અને પ્રોત્સાહન આપવાનું શરૂ કરીશું. ( આપણે એ વાત ન ભૂલવી જોઈએ કે દરેક પડકાર, સફળતા, નિષ્ફળતા અને કરૂણતા પ્રત્યે આપણો પ્રતિભાવ બાળપણથી જ કેવો કેળવાયો છે.)
આપણે ક્યારેય એવું વિચાર્યું છે કે એક શિક્ષિત મહિલા ઘણા સમય સુધી નોકરી કર્યા પછી એકાએક ગમે તે કારણોસર નોકરી છોડી દે છે તો તેની પાછળ પરિવાર કે સમાજનું દબાણ હોઈ શકે છે? એવું બની શકે તે તેમનો પરિવાર, સમાજ અને પાડોશીઓ તેને પરિવારને પ્રાથમિકતા ન આપવા બદલ દોષિત માનતા હોય. એવું પણ બની શકે કે તેમની કામગીરીને સાથ આપવા માટેની યોગ્ય વ્યવસ્થાનો જ વિકાસ ન થયો હોય અને તેના કારણે તે સંતાનો કે પતિને સાથ ન આપવા બદલ ગુનાની લાગણી અનુભવતી હોય. આ બાબત ખાસ કરીને એન્જિનિયરિંગ, ટેક્નોલોજી અને મેનેજમેન્ટ સાથે જોડાયેલી મહિલાઓને વધુ લાગુ પડે છે, જેઓ માટેભાગે પોતાની પાસે રહેલા પડકારજનક કામ છોડીને તેની સાથે સમાધાન કરીને અન્ય કામ કરી ખુશ રહે છે જેથી તેના પર કંઈક પારિવારિક જવાબદારી પૂરી કર્યાનો ભાર ઓછો થાય. (પ્રાસંગિક રીતે આવી કરિયર ઘણી વખત સફળ થતી હોય છે કારણ કે મહિલાએ તેમાં સમયનો ભોગ આપ્યો હોય છે.)
આ વિશ્વ યુદ્ધ મેદાન જેવું છે અને તેમાં દરેક મહિલાએ એક પુરૂષની જેમ જ લડવાનું છે, તેની જાતિના આધારે નહીં, પણ તેની ક્ષમતા અને સામર્થ્યના આધારે.
સારી વાત છે કે, હકારાત્મક કાર્યો તેની ક્ષમતા વધારે છે અને તેને આગળ વધવા અને ગુણવત્તા સુધારવામાં મદદ કરે છે. પણ આવા કાર્યો ખૂબ જ ટૂંકા ગાળાના સમય માટે હોય છે અને મુખ્ય પ્રવાહથી થોડા અલગ લઈ જાય છે પણ કાયમી સાથ આપતા નથી.
ટેકસ્પાર્ક 2015 કે જેમાં હેકથોનનો પણ સમાવેશ થાય છે જે ભારતનું આગામી સૌથી મોટું 'ટેક સ્ટાર્ટઅપ' બની રહેશે અને જેમાં 3000 કરતા વધારે લોકો જોડાવાના છે અને ડઝન કરતા વધારે સ્પોન્સર્સ પણ છે. YourStory દ્વારા તેનું આયોજન કરાયું છે અને તેને મહિલાઓ દ્વારા સંચાલિત સાહસ પણ કહી શકાય તેમ છે. અમે જાતિ મુદ્દે અજ્ઞેયવાદી છે અને હું તેના વિશે ગર્વથી કહી શકું છું. આ આયોજન માટે નામોની યાદી તૈયાર થવા લાગી હતી.. અમારી વેબસાઈટ પર ફોર્મ છે જેમાં તમે તમારી જાતને સ્પીકર અથવા તો પેનલિસ્ટ તરીકે ઉમેદવારી કરી શકો તેમ હતું. અમને 200 જેટલી ઉમેદવારી મળી હતી અને તેમાંથી ડઝન કરતા પણ ઓછી મહિલાઓ હતી. મોટાભાગની મહિલાઓએ પુરુષો માટે ઉમેદવારી કરી હતી.
તેથી મહિલા સાહસિકોને હું કહીશ કે, ઉદ્યોગસાહસિકતાના ક્ષેત્રમાં હકારાત્મક અને દ્રશ્યમાન રહો તથા તમારા ઘર અને ઓફિસમાં પણ આવું જ વલણ અપનાવો. તમને મહત્વ ન મળ્યું તે અંગે ચર્ચા કરવા કરતા તમારો અધિકાર માગો અને પ્રકાશમાં આવો. મહિલા ઉદ્યોગસાહસિકો બીજા માટે આદર્શ સમાન બની રહે છે. તમારી તે સ્થિતિનો ઉપયોગ કરીને બીજાને પ્રોત્સાહન આપો. તમે જ તેમ ન કરી શકતા હોવ તો બીજા તો કેવી રીતે કરી શકશે!
સમાજ તરીકે, માતા-પિતા તરીકે, બહેન, ભાઈ, પિતા, કાકા, કાકી, પ્રોફેસર, શિક્ષક, ગુરુ કે પછી મિત્ર તરીકે આપણે મહિલાઓને અને મહિલા ઉદ્યોગસાહસિકોને પુરુષોને આપીએ છીએ તેમ જ સાથ આપવો પડશે. આમ કરવાથી તમે નારિત્વવાદી સાબિત નથી થઈ જતા. તે તમને માત્ર એક સારા વ્યક્તિ બનાવે છે.
તમામ મહિલાઓ માટેઃ તમારે લાંબાગાળાના સાહસ માટે કોઈની મદદની જરૂર નથી. બિનજરૂરી મદદ તને હાનિ પહોંચાડશે, તમારા વિકાસની ગતિ ધીમી કરી નાખશે.
મહાત્મા ગાંધીનું એક સુવાક્ય છે જે હંમેશા મારી સાથે છે:
‘તમે એ પરિવર્તન બનો જે તમે લાવવા માગો છો.’
તમે શ્રદ્ધા શર્માને @SharmaShradha પર ફોલો કરી શકો છો