એક સ્માર્ટ આસિસ્ટન્ટ જે ક્યારેય કંઈ પણ નહીં ભૂલે ‘EasilyDo’
ફેસબૂક, કેલેન્ડર, કોન્ટેક્ટ, ઈ-મેઈલ અને બીજી બાબતો અંગે સમયે સમયે માહિતી આપતો સ્માર્ટ સહાયક ઇચ્છતા હો તો EasilyDo મોબાઈલ અેપ તમને બહુ ઉપકારક નીવડશે
તમારી પાસે સમયનો અભાવ હોય, પરંતુ તમે તમામ કામ જાતે જ કરવા માગતા હો તો પરેશાન થવાની કોઈ જરૂર નથી, કારણ કે તમે EasilyDoની મદદથી દરેક કામ સમયસર રીતે પૂર્ણ કરી શકો છો. 'EasilyDo' એક ખાસ પ્રકારની એપ છે. જેની શરૂઆત કરી હતી હેતલ પંડ્યા અને માઇકલ બર્નરે. હેતલના જણાવ્યા અનુસાર તેમના ઘરે જ્યારે દીકરીનો જન્મ થયો ત્યારે તે મોટા ભાગનો સમય લેપટોપને બદલે તેની સાથે વિતાવતી હતી. અહીંથી જ તેમને 'EasilyDo' કરવાની પ્રેરણા મળી. જે આજે લોકોમાં ખાસ્સી લોકપ્રિય એપ છે.
હેતલે પોતાની વ્યસ્તતા વચ્ચે ઘરનાં બિલ અને અન્ય કાર્યો માટે એક આસિસ્ટન્ટ રાખવાનું વિચાર્યું, પરંતુ તેમને એ યોગ્ય ન લાગ્યું. કારણ કે એવાં અનેક સામાજિક કામ હતાં, જે તેમણે પોતે જ કરવા પડે એટલે પછી તેમણે વિચાર ટાળી દીધો. જોકે, તે એક સ્માર્ટ સહાયક ઇચ્છતી હતી, જે તેમને ફેસબૂક, કેલેન્ડર, કોન્ટેક્ટ, ઈ-મેઈલ અને બીજી બાબતો અંગે સમયે સમયે માહિતી આપતો રહે. એટલું જ નહીં તેની પાસે જરૂરી કાર્યક્રમ, ટિકિટ અને મુસાફરી સંબંધિત આયોજનોની જાણકારી પણ હોય, જે પોતાને સમય અનુસાર જણાવી શકે. આ કામને EasilyDo મોબાઇલ એપ બહુ સારી રીતે સંભાળી લે છે. આ એપની શરૂઆત હેતલે કંપનીના અન્ય એક સંસ્થાપક માઇકલ બર્નર સાથે કરી હતી.
હેતલ પંડ્યા અને માઇકલ બર્નરની મુલાકાત સાન ફ્રાંસિસ્કોમાં એક સંમેલન દરમિયાન થઈ હતી, જ્યાં હેતલ પેનલ ડિસ્કશનમાં સહભાગી બની હતી. આ સંમેલન ઉદ્યોગસાહસિકો સાથે સંબંધિત હતું. હેતલનો જન્મ મુંબઈમાં થયો હતો અને મુંબઈ યુનિવર્સિટીમાંથી તેણે અભ્યાસ કર્યો. તેનાં માતા-પિતાએ અનેક સફળ ઉદ્યોગપતિઓ સાથે કામ કર્યું હતું અને તેમને જોઈને જ એ મોટી થઈ હતી. આ સ્થિતિમાં તેને ઘણું બધું શીખવાની તક પણ મળી. તેને સમજાઈ ગયેલું કે કોઈ પણ ઔદ્યોગિક સાહસને ઊભું કરવું બહુ મુશ્કેલ કામ છે. પોતાના ઔદ્યોગિક સાહસને સાકાર કરવા માટે તમારે અનેક વાર પારિવારિક પ્રસંગો છોડવા પડે છે અને પોતાના સ્નેહીજનો સાથે વધારે સમય વિતાવી શકતા નથી તો આ જ ઉદ્યોગ સાહસ તમારી માનસિકતામાં પરિવર્તન લાવી દે છે અને તેમને આગળ વધવા માટે એવો જ ઉદ્યોગ પોતાની માનસિકતામાં પરિવર્તન લાવે જ છે અને સહાયક સાબિત થયા છે અને તમે જે કંઈ કામ કરો તેમાં નિપૂણ બની જાઓ છો.
હેતલ EasilyDoને ઊભું કરતા પહેલાં નોર્ટેલ અને માઇક્રોસોફ્ટ જેવી અન્ય કેટલીય આંતરરાષ્ટ્રીય કંપનીઓમાં કામ કરી ચૂકી છે. માઇકલ બર્નરના જણાવ્યા અનુસાર જ્યારે કોઈ ખૂબ જ સારી રીતે નોકરી કરી રહ્યું હોય અને તે એકદમ કોઈ નવો વ્યવસાય એકાદ બે લોકો સાથે મળીને શરૂ કરે તો શંકાઓ તો જાય જ છે, પરંતુ સંજોગોનુસાર હેતલના કામને સંભાળવા માટે માઇકલ બર્નરે તેમની મદદ કરી અને તેમના પતિ દુષ્યંતે પણ તેમને સાથ આપ્યો.
આ રીતે જાન્યુઆરી, 2011માં 4 લોકોની ટીમે મળીને EasilyDoની શરૂઆત કરી. પરંતુ આજે તેમની કંપનીમાં 25થી વધારે લોકો કામ કરે છે, જે એકબીજાથી માત્ર સારી રીતે પરિચિત જ નથી, બલકે પોતાના કામ બાબતે તેમનામાં ઉત્સાહ અને જુસ્સો છે. હેતલને વિશ્વાસ છે કે તેમના મોટા ભાગના ગ્રાહકો એવા છે, જે સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે અને તેઓ ઈ-મેઈલ, કેલેન્ડર, કોન્ટેક્ટ અને અન્ય સોશિયલ નેટવર્ક સાઇટ સાથે જોડાયેલા છે. આજના દોરમાં દરેક બાબત માટે એપ બજારમાં હાજર છે, ત્યારે એક વ્યક્તિ કેટલી એપ પોતાના ફોનમાં ડાઉનલોડ કરી શકે. દાખલા તરીકે કોઈને હવાઈ સફર કરવી છે અને તે એરલાઇન્સ સાથે જોડાયેલી જાણકારી માટે તેની એપ પોતાના ફોનમાં ડાઉનલોડ કરવા માગતા નથી તો એ એપને ડાઉનલોડ કર્યા વિના 'EasilyDo' દ્વારા જ તમામ માહિતી મેળવી શકે છે.
હાલમાં આ એપ આઈફોન અને એન્ડ્રોઇડ બન્ને પ્રકારના ફોન પર કામ કરે છે. એપ રોજિંદા જીવન સાથે જોડાયેલી માહિતી આપે છે, જે ઈ-મેઈલ, કેલેન્ડર અને સોશિયલ નેટવર્ક સાઇટ પર આધારિત હોય છે. આને લીધે કોઈને પોતાના જુદા જુદા કામ માટે જુદી જુદી એપની જરૂર પડતી નથી. EasilyDoનો ઉપયોગ કરનારા પોતાના કામ સાથે સંબંધિત વિગતોથી વાકેફ રહે છે. આ એપ મોબાઇલ સ્ટોર પર સરળતાથી ઉપલબ્ધ છે અને વ્યક્તિ ત્યાં જઈને પોતાના ફોનમાં અપલોડ કરી શકે છે. હેતલના જણાવ્યા અનુસાર EasilyDoની શરૂઆત કરી હતી ત્યારે વિચાર્યું નહોતું કે કોઈ ગ્રાહક આ કોન્સેપ્ટને સરળતાથી સમજી શકશે, પરંતુ ધીમે ધીમે આવેલા પરિવર્તનથી આજે દુનિયાના અનેક દેશોમાં આ ટોચની એપ છે. જોકે, કેટલા લોકો આ એપનો ઉપયોગ કરે છે, તેનો ખુલાસો કંપનીએ કર્યો નથી, પરંતુ તેમનું કહેવું છે કે તેમણે 48 મિલિયન ટાસ્ક પૂરા કરી લીધા છે. તેમને વિશ્વાસ છે કે એક દિવસ દરેક સ્માર્ટફોનમાં તેમની આ એપ હશે. હેતલનું કહેવું છે કે EasilyDo આ ક્ષેત્રમાં લીડર છે અને તેઓ વધુ ને વધુ લોકોને આમાં જોડીને તેમની મદદ કરવા માગે છે.
લેખક – અનુજા મંડોરે
અનુવાદક – સપના બારૈયા વ્યાસ