'બ્યુટી વિથ બચત'ના ફંડા પર કામ કરે છે 'સ્કીનસિક્રેટ'
3 મહિનામાં 9,800 ડાઉનલોડ અને 3500થી પણ વધારે અપોઈન્ટમેન્ટ બૂક કરનાર 'સ્કીનસિક્રેટ' સાથે 650 સલૂન અને સ્પા જોડાયેલા છે. જેમાંથી શ્રેષ્ઠ સર્વિસ આપનાર અને ભાવતાલના ફરકના આધારે ગ્રાહક જાતે જ તેમને ગમતું સલૂન કે પાર્લર બૂક કરાવી શકે છે!
આજના ઑનલાઇન યુગમાં દરેક કામ વ્યક્તિને એક 'ક્લિક' પર તૈયાર જોઇએ છીએ. કારણ કે અત્યારની ફાસ્ટ જનરેશન પાસે સમયનો ભરપૂર અભાવ છે. આવા સંજોગોમાં સલૂનમાં અપોઇન્ટમેન્ટ ફોનથી બૂક કરાવ્યા પછી પણ લોકોને અડધા કલાક સુધી રાહ જોવી પડતી હોય છે. અપોઇન્ટમેન્ટ પછીના આ 'વેઇટિંગ ટાઈમ'ના કારણે મોટા ભાગના લોકોને ગુસ્સો અને કંટાળો આવતો હોય છે. અપોઇન્ટમેન્ટ પછીની આવી રીતે રાહ જોવાની સિસ્ટમથી કંટાળીને અમદાવાદના તેજસ અને ધવલે skinsecrets.in નામની મોબાઈલ એપ લોન્ચ કરી છે. જે ડાઉનલોડ કરો અને તમારા ટાઇમ પ્રમાણે તમારી પસંદના સલૂનમાં પહોંચી જાવ અથવા તો તેમને ઘરે બોલાવી લો.
તેજસ મહેતા અને ધવલ શાહ અમદાવાદમાં વોડાફોનમાં એકસાથે નોકરી કરતા હતાં. બસ ત્યારથી તેમને કંઇક હટકે કરવાની ઈચ્છા હતી. તેજસ અને ધવલે વોડાફોન સહિત અન્ય બીજી કંપનીઓમાં પણ કામ કર્યું છે. અત્યાર સુધી તેમને લગભગ 12 વર્ષનો કામ કરવાનો અનુભવ છે. તેજસ અને ધવલ 'સ્કીનસિક્રેટ'ના ફાઉન્ડર્સ છે.
'સ્કીનસિક્રેટ'નો વિચાર કેવી રીતે આવ્યો?
સલૂનમાં અપોઇન્ટમેન્ટ પછી પણ રાહ જોયા કરવાની સિસ્ટમથી કંટાળીને તેજસે પોતાનો એક રીવ્યૂ બ્લોગ લખવાની શરૂઆત કરી. જેમાં તેઓ વિવિધ કોસ્મેટીક કંપનીઓની પ્રોડક્ટ્સના રીવ્યૂ લખતા રહેતા. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે માર્કેટમાં અનેક પ્રકારની મોંઘી કોસ્મેટીક પ્રોડક્ટ્સ મળે તો છે પણ શું તે ખરેખર અસરકાર હોય છે? ધીમે ધીમે અન્ય લોકો પણ તેમના રીવ્યૂ આ બ્લોગ પર લખવા લાગ્યા. ત્યારે તેજસને વિચાર આવ્યો કે મોટાભાગના લોકોને કયું સલૂન કે પાર્લર સારું છે, વિવિધ સલૂનમાં વિવિધ ટ્રીટમેન્ટનો ભાવ શું છે, સલૂનમાં સર્વિસ કેવી આપવામાં આવે છે જેવા કેટલાંયે સવાલો અને મૂંઝવણો રહે છે. અને સૌથી વધારે તો અપોઇન્ટમેન્ટ લીધા બાદ પણ અડધો કલાક તો રાહ જોવી જ પડે. આ અંગે તેજસ જણાવે છે,
"લોકો અપોઇન્ટમેન્ટ બૂક એટલા માટે જ કરાવતા હોય છે કે જેથી તેમને લાંબા સમય સુધી રાહ ન જોવી પડે. કારણ કે અત્યારના લોકો પાસે એટલો સમય હોતો જ નથી. આ બધી મુશ્કેલીઓનો સામનો મેં પણ કર્યો છે. સલૂનમાં અપોઇન્ટમેન્ટ બૂક કરાવો તો પણ ત્યાં જઇને તેમના એજ જૂના મેગેઝિનના પાના આપણે અડધો કલાક સુધી ફેરવતા રહેવા પડે છે. અને આ મુશ્કેલી દૂર કરવાના આશયથી મને 'સ્કીનસિક્રેટ' એપ લૉન્ચ કરવાનો વિચાર આવ્યો."
આ એપ લૉન્ચ કરતા પહેલા તેજસભાઈ અને તેમની ટીમે વિવિધ કોલેજમાં જઇને યુવાનોની જરૂરીયાત, પ્રોફેશનલ લોકોની માગ અને ગૃહિણીઓની શું જરૂરીયાત છે તેના પર સર્વે કર્યો. જેથી કરીને તેઓ એપ્લિકેશન સરળ બનાવી શકે. તેજસ કહે છે,
"18 વર્ષથી લઇને 60 વર્ષના વૃદ્ધ પણ સરળતાથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી પોતાની અપોઇન્ટમેન્ટ બૂક કરાવી શકે તેટલી સરળ એપ. અમે બનાવી છે."
અમદાવાદમાં આશરે 10 હજાર લોકોએ ડાઉનલોડ કરી 'સ્કીનસિક્રેટ' મોબાઈલ એપ!
તેજસના બ્લોગ રીવ્યૂથી પ્રભાવિત થઇને ધવલભાઈ પણ તેમની સાથે જોડાઇ ગયા અને બંને જણાએ આ વિચારને આગળ લઇ જઈને સલૂન અને સ્પાને પણ પોતાની સાથે જોડી લેવાનું વિચાર્યું. જેથી લોકોને ઑનલાઇન બૂકિંગ સર્વિસ મળી રહે. 15મી ઑગસ્ટે લૉન્ચ થયેલી 'સ્કીનસિક્રેટ' એપમાં અમદાવાદના 650 સલૂન અને સ્પા જોડાયેલા છે. માત્ર ત્રણ મહિનામાં 9,800 લોકોએ આ એપ ડાઉનલોડ કરી છે. જ્યારે માત્ર નવેમ્બરમાં આ એપ દ્વારા 2984 લોકોએ અપોઇન્ટમેન્ટ બૂક કરાવી છે. હાલમાં ગલી-ગલીએ બ્યૂટી પાર્લર અને સલૂન જોવા મળે છે. જેના કારણે તેજસભાઈ તેમના ગ્રાહકોને બેસ્ટ પ્લેટફોર્મ આપવા માટે આ સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. આ અંગે વધુમાં તેજસભાઈ કહે છે,
"ઘણી વાર અન્ય વ્યક્તિના અનુભવના આધારે આપણે કોઇ પણ સલૂનમાં પહોંચી જઇએ છીએ, પરંતુ ત્યાં જઇને વિવિધ ટ્રીટમેન્ટના ભાવ પૂછવામાં આપણને ઘણી શરમ આવતી હોય છે. જેથી કરીને ગમે તેટલી મોંઘી ટ્રીટમેન્ટ હોય તો પણ આપણે કરાવી લઇએ છીએ. આ માટે અમારી એપમાં 650 સલૂન અને સ્પા કયા પ્રકારની ટ્રીટમેન્ટ આપે છે, તેમનું પ્રાઇસ લિસ્ટ બધું જ આપવામાં આવે છે. જે કોઈ પણ ગ્રાહક એપ ડાઉનલોડ કરીને જાણી શકે છે. આ ઉપરાંત અન્ય સલૂન સાથે કિંમતોની તુલના પણ કરી શકે છે. કયા સલૂનમાં કયા પ્રકારની સ્કીમ્સ ચાલે છે તે પણ જાણી શકે છે. તમારા નજીકના વિસ્તારમાં કયું બ્યુટી પાર્લર છે તેની જાણકારી મળી રહે છે. આ ઉપરાંત, સલૂનમાં જઇ આવનાર વ્યક્તિ પોતાના રીવ્યૂ અને રેટિંગ પણ મૂકી શકે છે. જેથી કરીને અન્ય વ્યક્તિને જે તે સલૂન અંગેના રીવ્યૂઝ મળી શકે."
કેવી રીતે કામ કરે છે 'સ્કીનસિક્રેટ' એપ?
કોઈ પણ એન્ડ્રોઇડ મોબાઇલમાં 'સ્કીનસિક્રેટ' એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ પોતાની પસંદગીના સલૂન કે પાર્લર માટે અપોઇન્ટમેન્ટ રિકવેસ્ટ મૂકે છે. ત્યાર બાદ 15 મિનિટમાં તે સલૂન કે પાર્લરનો સ્ટાફ ગ્રાહકને ફોન કરીને રિકવેસ્ટ સ્વીકારી તેમનો ટાઇમ નોંધી લે છે. જો 15 મિનિટમાં ગ્રાહકની રિક્વેસ્ટનો જવાબ નથી મળતો તો 'સ્કીનસિક્રેટ'ની કસ્ટમર કેરની ટીમ તે સલૂનમાં ફોન કરીને તેમને જાણ કરે છે કે તેમના સલૂન માટે અપોઇન્ટમેન્ટ રિકવેસ્ટ આવી છે. ગ્રાહકનો ટાઇમ નક્કી થયા બાદ ગ્રાહકને એક ઇ-મેઈલ અને ફોન કરીને તેમની અપોઇન્ટમેન્ટની જાણકારી આપી દેવામાં આવે છે. આ ઉપરાંત, આ એપ. સાથે સલૂન અને સ્પામાલિકોને એક ફ્રી સોફ્ટવેર આપવામાં આવે છે જેના દ્વારા તેઓ પોતાની વિવિધ પ્રકારની સ્કીમ્સ અંગે ગ્રાહકોને SMS પણ કરી શકે છે.
તેજસભાઈ જણાવે છે,
"અમારી ટીમમાં 12 લોકો કામ કરે છે. જ્યારે કસ્ટમર કેરની ટીમમાં 5 લોકો છે. ટીમમાં મારું કામ વેન્ડર્સ સાથે સંબંધો જાળવવાનું, સાથે સાથે પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને ટીમની સાથે રહી કામગીરી આગળ વધારવાનું છે. જ્યારે ધવલનું કામ પ્રોડક્ટ ડિઝાઇન કરવાનું તથા સ્ટ્રેટેજી ડેવલપમેન્ટ અને કો-ઓર્ડિનેશનનું છે. આ સિવાય ટીમમાં વેબસાઇટ ડેવલપમેન્ટ અને વેબ માર્કેટિંગનો અલગ સ્ટાફ છે."
ભવિષ્યની યોજના
ભવિષ્યની યોજના વિશે ચર્ચા કરતા તેજસ કહે છે,
"હાલમાં અમારું આ વેન્ચર માત્ર અમદાવાદ પૂરતું જ છે પરંતુ આવનાર સમયમાં અમે ગુજરાતના દરેક મોટા શહેરને આવરી લેવા માગીએ છીએ. ત્યારબાદ મેટ્રો સિટી તરફ આગળ વધીશું."
વધુમાં ફાઉન્ડર્સ જણાવે છે,
"આવનાર યુગ હવે માત્ર ઑનલાઇનનો જ છે. અત્યારે અમારી સાથે 650 વેન્ડર્સ જોડાયા છે. પરંતુ આવનાર એક વર્ષમાં અમારી સાથે 15000 વેન્ડર્સ અને 8 લાખ યુઝર્સ જોડાય તેવી યોજના છે. હા, એ વાત અલગ છે કે અત્યારના યુગમાં સ્પા અને સલૂન માટે લોકો ઑનલાઇન એપ્લિકેશનનો ઉપયોગ ઓછો કરે છે, પરંતુ અમારી સામે આ જ સૌથી મોટી ચેલેન્જ છે કે વધુમા વધુ લોકો અમારી આ એપનો વપરાશ કરે."
આઠ લાખનું પેકેજ છોડી માત્ર પોતાના નવા વેન્ચર પર જ ધ્યાન આપી રહેલા તેજસ અને ધવલ પોતાની આ એપને વધુ સરળ અને પોપ્યુલર બનાવવા માગે છે.