શિક્ષણ નહીં, સ્વાવલંબન માટે સજ્જ કરીને જરૂરીયાતમંદોનો ‘ગ્રોથ’ કરે છે અમદાવાદના લલિત આહુજા
વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાની સાથે સાથે સ્વરોજગાર તરફ પ્રેરિત કરવા તે વધારે મહત્વનું હોય છે. ગરીબ કે મધ્યમવર્ગ પાસે શિક્ષણ અને આવડત સિવાય કશું જ હોતું નથી. તેના જોરે જ તેઓ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખતા હોય છે. વ્યક્તિ જ્યારે પોતે ગરીબી અને અછતમાંથી પસાર થાય ત્યારે આ સ્થિતિનો જાત અનુભવ થાય છે. આવા જ અનુભવમાંથી પસાર થયેલા એક યુવાને ગરીબ બાળકોના વિકાસ માટે અનોખી સંસ્થા શરૂ કરી છે.
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં 'ગ્રોથ' એનજીઓ ચાલે છે. અહીંયા ગરીબ બાળકોને સામાન્ય ફી ભરીને તથા કેન્દ્ર અને રાજ્યસરકારના પ્રોજેક્ટમાં મફતમાં રોજગારલક્ષી કાર્યક્રમોની તાલીમ આપવામાં આવે છે. માત્ર 15 વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવનારા ગ્રોથના સ્થાપક લલિત આહુજા આજે અનેક ગરીબ બાળકો માટે આશા સમાન છે. લલિત જણાવે છે,
"હું દસમા ધોરણમાં અભ્યાસ કરતા હતા ત્યારે મારા પિતાનું અવસાન થયું હતું. ત્યારથી મારા મમ્મી ઘરે બ્યૂટીપાર્લર ચલાવીને ઘરની જવાબદારીઓ ઉપાડતા હતા. મારા માતાએ સખત મહેનત કરીને અને માત્ર ઘરે રહીને કામ કરીને મને MBAની ડિગ્રી મેળવવામાં મદદ કરી."
રૂરલ મેનેજમેન્ટમાં એમબીએ કર્યા બાદ લલિતે નક્કી કર્યું કે, તેઓ પોતાના વિસ્તારમાં રહેતા ગરીબ બાળકોને શિક્ષણ આપવા કરતા તેમને રોજગારી મળે તેવા કાર્યક્રમો સાથે જોડાશે. તેમણે અભ્યાસ બાદ ઉમ્મીદ સાથે સેન્ટર કો-ઓર્ડિનેટર તરીકે કામ શરૂ કર્યું. આ દરમિયાન તેમને વોકેશનલ ટ્રેનિંગ અને સરકારી યોજનાઓનો અનુભવ થતો ગયો.
લલિત કહે છે,
"સરકાર તરફથી વિવિધ યોજનાઓ જાહેર કરવામાં આવે છે. વિવિધ કોર્સની શરૂઆત કરવામાં આવે છે. સરકારના પ્રયાસ સારા છે પણ અહીંયા પરિસ્થિતિ જુદી છે. સરકાર એક સમયે માત્ર એક જ કોર્સમાં પ્રવેશ આપે છે અને સર્ટિફિકેટ પણ એક જ કોર્સમાં આપે છે. યુવાવસ્થા સુધી પહોંચવા આવેલા લોકોને નોકરીની વધારે જરૂર હોય છે તેથી તેઓ એકાદ કોર્સ કરીને બેસી રહે તેમ શક્ય નથી."
લોકોની સમસ્યાઓને નજીકથી જોયા, સમજ્યા અને અનુભવ્યા બાદ લલિતે પોતાનું એનજીઓ શરૂ કર્યું. તેમણે 'ગ્રોથ' નામના એનજીઓની શરૂઆત કરી જ્યાં વિવિધ કોર્સ કરાવવામાં આવે છે. 2009માં સંસ્થા રજિસ્ટર્ડ કરાવ્યા બાદ 2010માં તેમણે સંપૂર્ણ રીતે પોતાની સંસ્થાને કાર્યરત કરી લીધી. તેમણે રોજગારલક્ષી કોર્સની સાથે સાથે પ્લેસમેન્ટને પણ મહત્વ આપ્યું હતું. આ અંગે લલિત કહે છે,
"હું જે વિસ્તારમાં કામ કરું છું ત્યાં લોકોની સ્થિતિ અત્યંત કપરી છે. તેઓ બે ટંકનું ભોજન મેળવવા સખત મહેનત કરતા હોય છે. આ લોકોના બાળકો જ્યાં ત્યાં રખડતા હોય છે અને સરકારી સ્કૂલોમાં અભ્યાસ કરતા હોય છે. સ્કૂલથી આવ્યા પછી જ્યાં ત્યાં જઈને ટાઈમપાસ કરતા હોય છે. આ બાળકોને કંઈક એવું શીખવાડવું જેથી તેમનો આત્મવિશ્વાસ વધે અને સ્વરોજગારી તરફ તેઓ આગળ વધે."
લલિતને આ કામ કરવામાં ખૂબ જ કપરાં ચઢાણ જોવા પડ્યાં હતા. શરૂઆતમાં તો તેમના એનજીઓની આસપાસના લોકો તેમની વાત સાથે સહમત થતાં જ નહોતા. તેઓ સર્ટિફિકેટ કોર્સ દ્વારા રોજગારી મળવાની વાતને માનતા નહોતા. લલિતે આ બાળકોની વચ્ચે રહીને જાણ્યું કે, ઘણા એવા બાળકો છે જેમનામાં સમૃદ્ધ વર્ગના બાળકો કરતા વધારે ટેલેન્ટ છે પણ તેમના આગળ વધવા માટે રસ્તો અને સાથ મળતા નથી. લલિતે આ બાળકોની ક્ષમતા પારખીને તેમને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું.
લલિત જણાવે છે,
"મારી સંસ્થામાં પહેલા વર્ષે 20થી 25 વિદ્યાર્થીઓ હતા. ધીમે ધીમે સંખ્યા વધતી ગઈ. અમારે ત્યાં એમએસ ઓફિસ, ડીટીપી, મોબાઈલ રિપેરિંગ, બ્યૂટી પાર્લર, સિલાઈ કામ, ઈલેક્ટ્રિક કામ અને બીપીઓની તાલિમ આપવામાં આવે છે. તે ઉપરાંત ઈંગ્લિશ સ્પિકિંગ, પર્સનાલિટી ડેવલપમેન્ટ વગેરે પણ શીખવવામાં આવે છે."
7 વર્ષથી ચાલતા 'ગ્રોથ' ખાતેથી અત્યાર સુધીમાં 4,000 જેટલા બાળકો, યુવાનો અને મહિલાઓએ વિવિધ સર્ટિફિકેટ કોર્સ કર્યા છે. આજે પણ તેમને ત્યાં ઘણા લોકો કોર્સ કરવા આવે છે. તેમણે ફ્યુચર ગ્રૂપ, પેન્ટાલૂન, એરપોર્ટ સ્ટાફ, એજિસ, ડિજિસેલ સહિતના કોલસેન્ટર્સમાં અનેક લોકોને નોકરી પણ અપાવી છે. તેમણે પોતાના વિસ્તારની ખાનગી હોસ્પિટલ્સ સાથે જોડાણ કરીને યુવાનો અને યુવતિઓને નર્સિંગના કોર્સ પણ કરાવ્યા છે. હોસ્પિટલ સાથે પરિક્ષણ કરીને તેઓ યુવતિઓને નર્સિંગના સર્ટિફિકેટ અપાવે છે. આ યુવતિઓને આસપાસની ખાનગી હોસ્પિટલમાં નોકરી પણ અપાવે છે. આ સિવાય જે લોકો પોતાની રીતે બ્યૂટી પાર્લર શરૂ કરવા માગતા હોય કે મોબાઈલ રિપેરિંગની દુકાન શરૂ કરવા માગતા હોય તેમને લોન લેવામાં પણ મદદ કરે છે. તે ઉપરાંત સરકારી યોજનાઓ દ્વારા પણ તેમને સહાયતા મેળવવામાં મદદ કરે છે.
લલિત જણાવે છે,
"મારી સંસ્થા જે વિસ્તારમાં છે ત્યાં લઘુમતીઓનું પ્રમાણ વધારે છે. અહીંના લોકો પાસે પોતાની ઓળખ માટેના જરૂરી દસ્તાવેજો હોતા નથી. તેના કારણે સરકારી સહાય મેળવવામાં ઘણી મુશ્કેલી થાય છે. આ લોકોને મદદ કરવા માટે મેં અહીંયા સંસ્થા શરૂ કરી છે. ગરીબો માટે જ કામ કરવું હોય તો તેમની વચ્ચે રહીને જ કરવું જોઈએ. શહેરના પોશ વિસ્તારોમાં એસી ઓફિસોમાં રહીને ગરીબો માટે કામ થઈ શકે નહીં."
લલિત જણાવે છે કે, તેની સંસ્થા અને તેના જેવી બીજી સંસ્થાઓને સરકાર તરફથી પ્રોજેક્ટ મળે છે પણ તે ચોક્કસ સમયગાળા માટે જ હોય છે. ત્યારબાદ બાળકોને માટે તેમની પાસે કંઈ હોતું નથી. તેમણે પોતાની રીતે વિવિધ કોર્સ શરૂ કર્યા છે પણ તેની પાછળ ખર્ચ વધારે આવે છે. લલિત પોતાના વિશે જણાવે છે કે, સરકાર તરફથી મળતા પ્રોજેક્ટ દરમિયાન થોડી આવક થાય છે, ત્યારબાદ અન્ય કોર્સ ચલાવવા વિદ્યાર્થીઓ પાસેથી સામાન્ય ફી વસુલવી પડે છે. સમાજમાં એવા ઘણા લોકો છે જેમને ઘણું શીખવું છે, ઘણું કરવું છે પણ તેમને તક મળતી નથી. આવા લોકોને મદદ કરવા ઘણી વખત પોતાની આવક પણ જતી કરવી પડે છે.
લલિત વિવિધ કોલેજમાં અને સંસ્થામાં પર્સનાલિટી ડેવલપમેન્ટ અને સોફ્ટ સ્પિકિંગના લેક્ચર લેવા જાય છે. આ દ્વારા તે પોતાની અંગત આવક ઊભી કરે છે. આ સિવાય તે સતત પોતાનું ધ્યાન ગરીબ બાળકોના વિકાસ તરફ આપે છે. તે હજી પણ આશાવંત છે કે સમાજના સદ્ધર વર્ગો તેમને કામ કરવામાં મદદ કરશે અને દાન આપશે.