રાજકોટની 'નચિકેતા' સ્કૂલ: જ્યાં ભણતર 'બોજ' નહીં પણ 'મોજ' બની જાય!
સામાન્ય રીતે આપણે આપનું બાળપણ, આપણા સ્કૂલના દિવસો યાદ કરીએ તો મને તો સ્કૂલનો ઘંટ પહેલા યાદ આવે. પીરિયડ બદલાય કે સ્કૂલ છૂટે ત્યારે આ ઘંટ વાગે અને હું રાહતનો શ્વાસ લઉં. વિવિધ કલાસીસને પણ અ, બ, ક કે પછી A, B કે Cથી ઓળખાય. પણ હવે સમય બદલાયો છે અને અ, બ કે કથી ઓળખાતા વિવિધ વર્ગોના નામ હવે પર્યાવરણ સાથે જોડી દેવાયા છે? પણ તમને શું લાગે છે? ખાલી કલાસીસના નામ બદલી નાખવા પૂરતાં છે? ના, આજની શિક્ષણ પધ્ધતિને સરળ બનાવવા અને બાળકોને શિક્ષણની સાથે સાથે જ જીવનના સાચા મૂલ્યો શીખવાડતી શિક્ષણ પધ્ધતિ માટે આપણે સૌએ જ પ્રયાસો કરવા પડશે. જેથી આપણા બાળકોને સ્કૂલનો બેલ વાગે અને સ્કૂલ છૂટે તેવા સમયની રાહ ના જોવી પડે.
![image](https://images.yourstory.com/production/document_image/mystoryimage/cawnxr50-17973848_681762585343867_9075230331530161828_o[1].jpg?fm=png&auto=format&w=800)
અને આવી જ એક પહેલ કરી છે સૌરાષ્ટ્રના બે ભાઈઓએ. જે છે જાણીતાં હાસ્યકલાકાર અને સાહિત્યકાર સાંઈરામ દવે અને મીડિયા ક્ષેત્રનું જાણીતું નામ એવા અમિત દવેએ.
![અમિત દવે](https://images.yourstory.com/production/document_image/mystoryimage/nsx9yjwb-13133344_1214804785197938_8976794234117440198_n[1].jpg?fm=png&auto=format)
અમિત દવે
![સાંઈરામ દવે](https://images.yourstory.com/production/document_image/mystoryimage/0h017jaz-0362520001455715094[1].jpg?fm=png&auto=format&w=800)
સાંઈરામ દવે
રાજકોટની 'નચિકેતા' સ્કૂલ એટલી એક એવી સ્કૂલ જ્યાં,
- ભણતર એ એક ઉત્સવ છે!
- સદીઓથી ચાલી આવતા અને એક સમયે કંટાળો આપતા બેલના બદલે દરેક પીરિયડ બાદ અહીં મ્યુઝિકલ બેલ વાગે છે જે દુનિયાના વિવિધ મ્યુઝિકની જાણકારી બાળકોને આપે છે! જેથી બાળકોને દર વખતે કંઇક નવું જાણવા મળે છે.
- વિવિધ ક્ષેત્રની ગુજરાતની ટોચની સેલેબ્રિટીઝ અહીં આવે છે અને દર મહીને વિદ્યાર્થીઓ સાથે 1 કલાક અહીં ગાળી કેવી રીતે સફળ થવું તે અંગે માર્ગદર્શન આપે છે.
- શિક્ષણની સાથે જરૂરી છે યોગ્ય વાતાવરણ. સમગ્ર સૃષ્ટિ જેના પર બનેલ છે એવા જલ, વાયુ, અગ્નિ, પૃથ્વી અને આકાશ એમ પંચ તત્વ આધારિત 5 બિલ્ડીંગ્સ વિદ્યાર્થીઓમાં ખૂટતી તમામ વસ્તુ પૂરી કરે છે.
![image](https://images.yourstory.com/production/document_image/mystoryimage/r3pckt9d-18446545_694544367399022_1311603717501880103_n[1].jpg?fm=png&auto=format)
- જ્યાં શિક્ષકો દરેક પીરિયડ પછી પોતાની જગ્યા-ક્લાસ નથી બદલતા પરંતુ એક જ ક્લાસમાં 5 કલાક બેસી રહેવાની જગ્યાએ વિદ્યાર્થીઓ ક્લાસ બદલે છે જેથી કંટાળાથી દૂર રહી શકાય.
- આજના સમયની જરૂરિયાત સમજીને ઓડિયો-વિઝ્યુઅલ ધરાવતા હાઈટેક ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓને શિક્ષણ અપાય છે.
- જ્યાં એડમિશન લેતી વખતે વિદ્યાર્થીને અપાય છે તુલસીનો છોડ.
- વિદ્યાર્થીઓ ગાયનું દૂધ પીશે તેવું વચન લેવાય છે.
- મનીબેંકમાં દરેક વિદ્યાથી 1 રૂપિયો જમા કરી અનાથ બાળકને ભણાવવામાં મદદ કરે છે.
- ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી વિદ્યાર્થીઓને માહિતગાર કરવા આકાશ, જલ, વાયુ, પૃથ્વી અને અગ્નિની થાય છે પ્રાર્થના.
ખરેખર, આજના સમયમાં આવી કોઈ સ્કૂલની કલ્પના કરવી ઘણી મુશ્કેલ ઘણાય ત્યારે સાંઈરામ દવે અને અમિત દવેએ આ હકીકતમાં કરી બતાવ્યું છે. કે જ્યાં ટેકનોલોજીની સાથે બાળકોને જીવનના મૂલ્યો પણ શીખવાડવામાં આવે છે.
નચિકેતા સ્કૂલના સ્થાપક સાંઈરામ દવે આ અંગે કહે છે,
"બાળકોની સાચી કેળવણી આજે ભારતનો સૌથી પડકારજનક વિષય થઇ ગયો છે. ટેકનોલોજીની વધુ પડતી અસરથી બાળકોની લાગણીઓ સાવ ઓક્સિજન પર આવી ગઈ છે. સૌ વાલીઓને પોતાના બાળકને સ્કોલર જ બનાવવો છે. માર્કશીટની આ રેસમાં વાલીઓ પોતાના ઘરે 'રજનીકાંત' અવતર્યા હોય તેવી અપેક્ષા ધરાવે છે. અને આજ બધી બાબતોએ મને નચિકેતા સ્કૂલ અંગે વિચારવા પ્રેરિત કર્યો."
અહીં અપાય છે એકદમ 'હટકે' હોમવર્ક!
માત્ર સ્કૂલમાં જ બાળકોને પ્રોત્સાહિત કરાય છે તેવું નથી, ઘરે જઈને પણ બાળકો આ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા રહે તે માટે યુનિક હોમવર્ક આપવામાં આવે છે. જેમ કે,
- જન્માષ્ટમીમાં વિદ્યાર્થી મેળામાં પોતાની ઉંમરના ભીખ માગતા બાળકને ગિફ્ટ આપી તેની સાથે સેલ્ફી પડાવી પાંચ સવાલ પૂછે છે.
લોજીક- વિદ્યાર્થીને અહેસાસ થાય કે પોતે કેટલો નસીબદાર છે જેથી માતા-પિતાનો આદર કરતો થાય
- મકરસંક્રાતિ પહેલા ગાયને ખીચડો ખવડાવી તેની સાથે સેલ્ફી ફોટો પડાવવો.
લોજીક- ગાયનું દૂધ અને ગાય માતા પ્રત્યે જાગરૂક થાય અને રાષ્ટ્રભક્તિનો ગુણ કેળવાય
- પ્રોજેક્ટ- લાઈફ સ્ટોરી ઓફ ગ્રાન્ડ પેરેન્ટ્સ –પોતાના દાદાએ લીધે પહેલા વાહનથી લઈ પિતાના લગ્ન સુધીની દાદાની સફર અંગેની
યાદી બનાવવી.
લોજીક – વધતા જતા વિભક્ત કુટુંબોને લીધે બાળકો પોતાના દાદા દાદીએ કરેલા પરિવારના સંઘર્ષ વિશે જાણે સમજે અને તેની કદર કરે.
- પ્રોજેક્ટ – મિત્રતા , પોતાના ખાસ મિત્રો વિશેના 10 સવાલોના જવાબ આપવા
લોજીક – મિત્રોએ જીવનની મોટામાં મોટી મૂડી છે. ગેજેટ્સના આક્રમણને લીધે મિત્રો ઘટી રહ્યા છે ત્યારે બાળકો મિત્રોનું મૂલ્ય સમજે.
- પ્રોજેક્ટ- ખુશી, ઘરમાં પડેલા બેકાર રમકડાં ભેગા કરી આસપાસની ઝૂંપડપટ્ટીના બાળકોને આપવા.
લોજીક - પથ્થરોથી જ રમતા મજૂરોના બાળકોને મળી પોતાના હાથે તેને જૂના રમકડાં આપી સાચા અર્થમાં તેના જીવનમાં ખુશી લાવવાનો
પ્રયાસ અને સમાજની વાસ્તવિકતાથી વાકેફ કરાવવા.
વિદ્યાર્થી હસતા સ્કૂલે આવે અને હસતા જ જાય!
નચિકેતા સ્કૂલના કેમ્પસ ડાયરેક્ટર અમિત દવે કહે છે,
"અમારા માટે એ ખૂબ જ મહત્ત્વનું છે કે વિદ્યાર્થીઓ હસતા હસતા અહીં આવે અને હસતા હસતા જ ઘરે જાય. અમારી સ્કૂલમાં સ્ટ્રેસ ફ્રી એજ્યુકેશન પર ભાર અપાય છે. પરીક્ષાના પહાડ જેવા ભયથી વિદ્યાર્થીઓને ડરાવવા કરતા તેઓ પરીક્ષાને હળવાશથી લે અને એક્ઝામ ફિયરથી મુક્ત રહે તે ખૂબ જરૂરી છે. સાથે જ 10 મિનીટમાં ઈતિહાસનો એક પાઠ કેવી રીતે યાદ રાખી શકાય તેની વર્લ્ડ બેસ્ટ ટેકનોલોજી બાળકોને અપાય છે."
વાલીઓ પણ બાળકોમાં આવેલા પરિવર્તનથી ખુશ!
પોતાના બાળકમાં આવેલા બદલાવ અંગે વાળી રાજેશ સોરઠીયા કહે છે,
"મારો દીકરો હિતાંગ મને કહ્યા કરતો કે 'મને બુક્સ જોઇને જ ગભરામણ થાય છે, હું ગમે તે કરીશ પણ ભણીશ નહીં.' તેણે સ્કૂલ ન જવાની જીદ પકડી લીધી હતી. રાજકોટના જાણીતાં મનોચિકિત્સક પાસેથી કાઉન્સેલિંગ પણ કરાવ્યું પણ કોઈ ફરક ના પડ્યો. પણ મને નચિકેતા વિષે ખબર પડતા ત્યાં અપ્રોચ કર્યો અને સ્ટાફે હિતાંગને સમજાવ્યો અને શું બદલાવ આવ્યો કે તેના આત્મવિશ્વાસમાં ઘણો વધારો થયો છે. અને આજે હવે એ સમય છે કે તે જાતે સ્કૂલ જવાની જીદ કરે છે."
ખરેખર, એ વાત પણ સાચી જ છે ને કે બાળક જન્મજાત કલાકાર જ હોય છે. જરૂર હોય છે તેની અંદરના ટેલેન્ટને ઓળખવાની. સચિન તેંડુલકર કે લત્તા મંગેશકર જો ખાલી માર્કશીટ બેઝ્ડ એજ્યુકેશન પર આગળ વધ્યા હોત તો આજે દેશને આ હોનહાર રત્નો કદી ન મળ્યા હોત. અને સમાજને, દેશને આવા જ રત્નો મળતા રહે તે માટે નચિકેતા જેવી અન્ય સ્કૂલ્સ પણ આપણી વચ્ચે હોવી જોઈએ.