11મું પાસ ખેડૂતની કોઠાસૂઝનો કમાલ, શેરડીની ખેતીમાં લાવ્યા ક્રાંતિકારી પરિવર્તન
રોશનલાલ વિશ્વકર્માએ શેરડીની કલમ બનાવવાનું મશીન બનાવ્યું....દુનિયાના અન્ય દેશો પણ અપનાવી રહ્યા છે આ તકનીક....
તેઓ ખેડૂત છે, પરંતુ લોકો તેમને ઇનોવેટર તરીકે ઓળખે છે, તેઓ વધારે ભણેલા નથી, પરંતુ તેમણે જે શોધ કરી છે, તેનો ફાયદો આજે દુનિયાભરના ખેડૂતો ઉઠાવી રહ્યા છે. મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લાના મેખ ગામના રોશનલાલ વિશ્વકર્માએ પહેલાં નવી પદ્ધતિથી શેરડીની ખેતી કરીને ઓછા ખર્ચે વધારે ઉત્પાદન મેળવ્યું અને પછી એવું મશીન શોધ્યું જેનો ઉપયોગ શેરડીની ‘કલમ’ બનાવવા માટે આજે માત્ર આપણા દેશમાં જ નહીં પણ દુનિયાના અન્ય કેટલાય દેશોમાં થઈ રહ્યો છે.
રોશનલાલ વિશ્વકર્માએ માત્ર 11મા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. પરિવારનો પરંપરાગત વ્યવસાય ખેતી હતો. એટલે તેઓ પણ આ કામમાં જોતરાયા. ખેતી કરતાં કરતાં તેમણે જોયું કે શેરડીની ખેતીમાં ખેડૂતોને વધારે ફાયદો મળે છે, પરંતુ એ વખતે શેરડી વાવવામાં ખાસ્સો ખર્ચ આવતો હતો. એટલે મોટા ખેડૂતો જ શેરડી વાવી શકતા હતા. એ વખતે રોશનલાલે નક્કી કર્યું કે તેઓ પોતાના બે-ત્રણ એકરના ખેતરમાં શેરડીની ખેતી કરશે, એટલે તેમણે નવી પદ્ધતિથી શેરડીનું વાવેતર કરવાનો નિર્ણય કર્યો. રોશનલાલનું કહેવું છે કે “મારા મનમાં વિચાર આવ્યો કે જે રીતે ખેતરમાં બટાટા લગાવીએ છીએ, એ જ રીતે શેરડીના ટુકડા લગાવીને અખતરો કરીએ.” તેમની આ તરકીબ સફળ થઈ અને તેમણે સતત 1-2 વર્ષ આવું કર્યું. તેમને બહુ સારાં પરિણામ મળ્યાં. આ રીતે તેમણે ન માત્ર ઓછી કિંમતે શેરડીની કલમ તૈયાર કરી, બલકે શેરડીનું ઉત્પાદન સામાન્ય કરતાં 20 ટકા વધારે આવ્યું. એટલું જ નહીં અત્યાર સુધી 1 એકર જમીનમાં 35થી 40 ક્વિન્ટલ શેરડી રોપવી પડતી હતી અને તેના માટે ખેડૂતે 10થી 12 હજાર રૂપિયાનું રોકાણ કરવું પડતું હતું. આને લીધે નાના ખેડૂતો શેરડી વાવી શકતા નહોતા. જોકે, રોશનલાલની નવી તરકીબથી 1 એકર જમીનમાં માત્ર 3થી 4 ક્વિન્ટલ શેરડીની કલમ બનાવીને સારો પાક મેળવી શકાતો હતો.
આ રીતે માત્ર નાના ખેડૂતો જ શેરડી લગાવવા માંડ્યા એટલું નહિ, બલકે તેના બીજા ફાયદા પણ દેખાવા માંડ્યા. જેમકે, ખેડૂતનો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ ખાસ્સો ઘટી ગયો, કારણ કે હવે 35થી 40 ક્વિન્ટલ શેરડીને ખેતર સુધી ટ્રેક્ટર ટ્રોલીમાં લાવવાનો ખર્ચ બચી ગયો. આ ઉપરાંત શેરડીનો બીજ ઉપચાર પણ સરળ અને સસ્તો થઈ ગયો. ધીમે ધીમે આસપાસના ખેડૂતો પણ આ પદ્ધતિથી શેરડી ઉગાડવા માંડ્યા. હવે તો બીજાં રાજ્યોમાં પણ આ પદ્ધતિથી શેરડીનું વાવેતર થવા માંડ્યું છે.
રોશનલાલ આટલેથી અટક્યા નહીં, તેમણે જોયું કે હાથેથી શેરડીની કલમ બનાવવાનું કામ ખાસ્સું મુશ્કેલ છે એટલે તેમણે એવું મશીન બનાવવાનું વિચાર્યું, જેનાથી આ કામ સરળ થઈ જાય. આ માટે તેમણે કૃષિ નિષ્ણાતો અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રની સલાહ પણ લીધી. તે પોતે જ લોકલ વર્કશોપ અને ટૂલ ફેક્ટરીઓમાં ગયા અને મશીન બનાવવા માટે જરૂરી માહિતી એકઠી કરવા લાગ્યા. આખરે તેઓ ‘શુગરકેન બડ ચિપર’ મશીન બનાવવામાં સફળ થયા. સૌથી પહેલાં તેમણે હાથથી ચાલતું મશીન વિકસાવ્યું. તેનું વજન માત્ર સાડા ત્રણ કિલો ગ્રામની આજુબાજુ છે અને તેનાથી એક કલાકમાં 300થી 400 શેરડીની કલમ તૈયાર કરી શકાય છે. ધીમે ધીમે આ મશીનમાં પણ સુધારો આવતો ગયો અને તેમણે હાથને બદલે પગથી ચાલતું મશીન બનાવવાનું શરૂ કર્યું, જે એક કલાકમાં 800 શેરડીની કલમ બનાવી શકાય છે. આજે તેમણે બનાવેલાં મશીનો મધ્યપ્રદેશમાં તો વેચાય જ છે, એ ઉપરાંત મહારાષ્ટ્ર, યુપી, ઓડિશા, કર્ણાટક, હરિયાણા અને અન્ય અનેક રાજ્યોમાં વેચાઈ રહ્યાં છે. તેમના મશીનની ડિમાંડ માત્ર દેશમાં જ નહિ, બલકે આફ્રિકાના અનેક દેશોમાં પણ ઘણી છે. આજે રોશનલાલે બનાવેલા મશીનના જુદા જુદા મૉડલ 1500 રૂપિયાથી શરૂ થાય છે.
એક તરફ રોશનલાલે બનાવેલું મશીન ખેડૂતોમાં હિટ સાબિત થયું તો બીજી તરફ અનેક શુગર ફેક્ટરી અને મોટા ફાર્મ હાઉસ પણ તેમની સમક્ષ વીજળીથી ચાલતું મશીન તૈયાર કરવા માટે માગ કરવા લાગ્યા. ત્યાર પછી તેમણે વીજળીથી ચાલતું મશીન બનાવ્યું તે એક કલાકમાં 2000થી વધારે શેરડીની કલમ બનાવી શકે છે. હવે તેમના આ મશીનનો ઉપયોગ શેરડીની નર્સરી તૈયાર કરવામાં થવા માંડ્યો છે. આને કારણે અનેક લોકોને રોજગારી પણ મળી છે.
ધુનના પાક્કા રોશનલાલ આટલેથી અટક્યા નથી, તેમણે એવું મશીન વિકસાવ્યું છે, જેનો ઉપયોગ કરીને શેરડીની રોપણી પણ આસાનીથી કરી શકાય છે. આ મશીનને ટ્રેક્ટર સાથે જોડીને 2-3 કલાકમાં એક એકર જમીનમાં શેરડીની રોપણી કરી શકાય છે. પહેલાં આ કામ માટે બહુ સમય જતો હતો એટલું જ નહિ, બલકે ઘણા બધા મજૂરોની જરૂર પડતી હતી. આ મશીન નિશ્ચિત અંતર અને ઊંડાઈમાં શેરડીની રોપણીનું કામ કરે છે. આ ઉપરાંત આ મશીનથી ખાતર પણ વાવેતર સુધી પહોંચાડી શકાય છે. રોશનલાલે આ મશીનની કિંમત 1 લાખ 20 હજાર રાખી છે, જેને લીધે જુદાં જુદાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને શુગર મિલે આ મશીન ખરીદવામાં રસ દાખવ્યો છે. તેમણે આ મશીનના પેટન્ટ માટે અરજી પણ કરી છે. પોતાની સિદ્ધિઓ થકી રોશનલાલ માત્ર જુદા જુદા પુરસ્કારોથી સમ્માનિત જ નથી થયા, બલકે કૃષિ ક્ષેત્રે ઉમદા શોધ કરવા બદલ તેમને રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળી ચૂક્યો છે.
લેખક – હરીશ બિસ્ત
અનુવાદક – સપના બારૈયા વ્યાસ