ખોરાકનો બગાડ થતો રોકવાની સાથે ભૂખ્યા લોકોની મદદ કરે છે આ 'મેજિક ફ્રીજ'!
ગુડગાંવના સેક્ટર-54માં આવેલી સનસિટી સોસાઈટીમાં રહેતા લોકોએ સોસાઈટીના ગેટ પાસે આ કમ્યુનિટી ફ્રીજ લગાવ્યું છે. આ ફ્રીજમાં શાકાહારી અને માંસાહારી એમ બંને પ્રકારના ખાવાની વસ્તુઓ રાખેલી જોવા મળે!
લોકો પોતાના ઘરમાં બચેલી ખાદ્ય વસ્તુઓ આ ફ્રીજમાં સુરક્ષિત રીતે મૂકી દે છે અને જરૂરિયાતમંદોમાં તે વહેંચી દેવાય છે!
આ ફ્રીજમાં ખોરાક મૂકતા લોકોએ ખાવાના ડબ્બાઓ પર તારીખ અને શાકાહારી-માંસાહારી લખેલા સ્ટીકર્સ લગાવવાના હોય છે. આ સ્ટીકર્સ ફ્રીજની પાસે જ રાખેલા હોય છે.
દરરોજ ઘરમાં ખાવાનું કંઈ ને કંઇક તો બચતું જ હોય છે જેને આપણે કચરામાં નાખી દઈએ છીએ. પણ એ જ ખોરાક માટે કેટલાંયે લોકો તરસે છે અને ભૂખ્યા પેટે સૂઈ જાય છે. આ સ્થિતિમાં બદલાવ લાવવા માટે ગુડગાંવના કેટલાંક લોકોએ આ પહેલ કરી છે જે અંતર્ગત સોસાઈટીમાં કમ્યુનિટી ફ્રીજની સ્થાપના કરવામાં આવી છે.
આ પહેલ પાછળ પોતાનું યોગદાન આપનારા આઈટી પ્રોફેશનલ રાહુલ ખેર કહે છે,
"આ પ્રયાસથી આપણા સમાજના જરૂરીયાતમંદોને પણ ભોજન મળી રહ્યું છે અને સાથે જ કચરાના ઢગલા મોટા થતાં પણ રોકાઈ રહ્યાં છે કારણ કે ખોરાક બહાર નથી ફેંકાતો."
આ પહેલમાં અત્યાર સુધી લગભગ 30 પરિવારો સામેલ થયા છે. અને રસપ્રદ વાત તો એ છે કે લોકો પોતાના જન્મદિવસ પર અહીં મીઠાઈઓ અને ખાવાના તાજા પેકેટ્સ રાખી જાય છે.
આ ફ્રીજમાં દર થોડા સમયે ખોરાક ઉપલબ્ધ કરાવતી એક મહિલાએ કહ્યું કે જેમના માટે જે તે સમયે ખોરાક કંઈ કામનો ન હોય, તે જ ખોરાકથી બીજા લોકોની ભૂખ મટી શકે છે. જોકે ઇન્ડિયામાં આ કન્સેપ્ટ નવો નથી, કારણ કે આ પહેલાં પણ મુંબઈ અને કોચ્ચિમાં આવા પ્રયોગ થઇ ચૂક્યા છે અને ઘણાં સફળ રહ્યાં છે.
રાહુલના કહેવા પ્રમાણે આ પહેલ શરૂઆતમાં તો પડકારભરી હતી પરંતુ લોકોના સહયોગથી તેને લાગુ કરવામાં ઘણી સરળતા રહી. જોકે શરૂઆતમાં લોકો ફ્રીજમાંથી કંઈ વસ્તુ લેતા ખચકાતા હતાં અને આશ્ચર્ય સાથે પૂછતા હતાં કે ખરેખર આ ફ્રી છે? ધીરે ધીરે લોકો ટેવાતા ગયા અને ખચકાયા વગર હવે લોકો આ ફ્રીજમાંથી ખોરાક લે છે. સોશિયલ મીડિયા થકી આ પ્રયાસ હાલ ઘણાં લોકો સુધી પહોંચ્યો છે. લોકોએ આ પહેલની સરાહના કરી અને અન્ય જગ્યાઓ પર તેની શરૂઆત પણ કરી છે.
કોચ્ચિના પપ્પડવાડા વિસ્તારમાં 2016માં આવ જ એક ફ્રીજની સ્થાપના થઇ હતી. ત્યાં મિનુ નામના એક રેસ્ટોરન્ટ માલિકે પોતાની દુકાનની આગળ એક ફ્રીજ લગાવ્યું હતું જ્યાંથી સરળતાથી લોકો ખોરાક લઇ શકે છે. જોકે આ ફ્રીજમાં ખાસ એ વાતનું ધ્યાન રખાય છે કે ખોરાક ખાવાલાયક હોય અને ફ્રીજ પણ સાફસુથરું હોય જેથી કોઈને પણ નુકસાન ન પહોંચે.