આ છે ભારતની સૌ પ્રથમ મહિલા સૂમો પહેલવાન હેતલ દવે!
બાળપણથી જ હેતલ કંઇક અલગ કરવા માગતી હતી. તેમના પિતાએ કરાટે ક્લાસમાં મોકલી. અને આજે હેતલ દવે ભારતની સૌ પ્રથમ મહિલા સૂમો પહેલવાન છે!
હેતલ કહે છે,
"મેં ઘણી વખત હારનો સામનો કર્યો છે. મારી જગ્યાએ જો કોઈ બીજું હોત તો ક્યારનો આ ખેલ છોડી દીધો હોત. પરંતુ મેં ઘણી મહેનત કરી અને કરિયરને આગળ વધારવાનો નિર્ણય કર્યો."
હેતલે પોતાનું ધ્યાન બાકીની વસ્તુઓથી હટાવીને પોતાની રમત પર કેન્દ્રિત કર્યું. તેમણે સાત વર્ષની ઉંમરમાં જ પહેલી ટુર્નામેન્ટ રમી.
તેમની ઉંમરની છોકરીઓ જે સમયે કાર્ટૂન જોવામાં વ્યસ્ત હતી તે સમયે હેતલ દવે જેકી ચેનની ફિલ્મો જોતી. હેતલના કહેવા પ્રમાણે તેઓ બાળપણથી જ કંઇક અલગ કરવા માગતા હતાં. હેતલના પિતાએ તેમની કરાટે ક્લાસમાં ભરતી કરાવી. આજે હેતલ દવે ભારતની સૌ પ્રથમ સૂમો પહેલવાન છે. નાનપણથી જ હેતલ અન્યોથી અલગ હતાં. તેમને રમત-ગમત પ્રત્યે પહેલથી જ ખાસ્સો લગાવ. હેતલે સાત વર્ષની ઉંમરમાં જ પહેલી ટૂર્નામેન્ટ રમી.
લોકોનું કામ જ છે બોલવું!
હેતલ રાજસ્થાનના એક રૂઢીવાદી બ્રાહ્મણ સમુદાયમાંથી આવે છે. ત્યાં હજી પણ છોકરીઓને ઘરની બહાર જવાની પરવાનગી નથી હોતી. આ અંગે હેતલ કહે છે,
"છોકરીઓના ભણતર પર જ જ્યાં બબાલ થતી હોય ત્યાં ખેલ-રમતની શું વાત કરવી! તમે કલ્પના પણ ન કરી શકો કે તેવામાં જો એક છોકરી સ્પોર્ટ્સમાં આગળ વધવાની ઈચ્છા જાહેર કરે તો તો લોકો શું ન બોલે!"
વધુમાં હેતલ કહે છે,
"ઉપરથી સૂમો પહેલવાની તો એવી રમત છે જેમાં પુરુષોનું આધિપત્ય છે. પુરુષો રમે તો પણ અડધા કપડાં પહેરીને. આ રમતને અમારા સમુદાયમાં ઘણી અપમાનજનક માનવામાં આવે છે. પણ લોકો તો બોલ્યા જ કરશે, જો હું એમ વિચાર્યા કરું કે લોકો શું બોલશે તો ક્યારેય હું આ મુકામ પર ન પહોંચી શકત."
નામ મોટું, કામ મોટું
હેતલ વૈશ્વિક સૂમો પ્રતિયોગિતાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે અને વર્ષ 2009માં તાઈવાનમાં યોજાયેલ વિશ્વ પ્રતિયોગિતામાં મિડલ વેઇટ શ્રેણીમાં પાંચમું સ્થાન હાંસલ કર્યું. તેમના માતા-પિતા અને ભાઈ અક્ષય દરેક ડગલે તેમની સાથે રહ્યાં. હેતલ કહે છે,
"મારા પરિવારે મારો બહુ સાથ આપ્યો છે. જયારે અન્ય બાળકો સારા માર્ક્સ લાવવા ભણી રહ્યાં હતાં ત્યારે હું માત્ર પાસ થવાય તેટલી જ મહેનત કરતી. પણ મારા માતા-પિતા મારાથી નારાજ નહતા થતાં, તેમને ખબર હતી કે મારું હિત શેમાં છે. મારા સપનાઓ પૂરા કરું તે માટે મારા માતા-પિતાએ હંમેશા મને પ્રોત્સાહિત કરી છે. મારું પહેલથી જ લક્ષ્ય હતું કે મને 'ઓલંપિયન' તરીકે લોકો ઓળખે અને આજે હું એ ખેલ રમી રહી છું."
ટીચરના સહયોગથી બન્યું શક્ય!
હેતલ નાવમા ધોરણમાં નપાસ થયા જેથી તેમને સ્કૂલમાંથી કાઢી મૂકાયા. બીજી સ્કૂલમાં જતાં જતાં તો તેઓ અન્ય વિકલ્પો સમજી ગયા અને બદલાતા સમયની સાથે તેમણે ડગ માંડ્યા. નવી સ્કૂલના શિક્ષકોએ તેમને ભરપૂર સહકાર આપ્યો અને આ નવી સ્કૂલ એક સુખદ અનુભવ બની ગયો. હેતલ કહે છે,
" કોલેજમાં મારા સ્પોર્ટ્સના ટીચર મને ઘણાં પ્રોત્સાહિત કરતા. તેમણે એક પિતા તરીકે મને માર્ગદર્શન આપ્યું."
એક શિક્ષક તરીકે હેતલ!
આજે હેતલ લોકોને ટ્રેઈન પણ કરે છે. તેઓ ઈચ્છે છે કે સૂમો પહેલવાની અંગે વધુમાં વધુ જાગરૂકતા આવવી જોઈએ અને તેના વિષે ફેલાયેલી ગેરસમજ દૂર થાય. ઘણાં બાળકો સૂમો પહેલવાનીમાં પોતાની કરિયર બનાવવા માગે છે પણ સારું ટ્રેઈનિંગ ઇન્સ્ટીટયુટ ન હોવાના કારણે અને લોકોનો પૂરતો સહકાર ન મળવાના કારણે તેમના સપના જ મરી જાય છે. હેતલનો ઉદ્દેશ્ય છે કે આવી પ્રતિભાઓએ મદદ મળે અને આપણા દેશને સૂમો પહેલવાનીમાં વધુ ને વધુ પદક મળે. તેમના છાત્રોમાંથી અત્યાર સુધી એક છાત્ર રાષ્ટ્રીય સ્તર પર રમી ચૂક્યો છે.
હેતલ ગર્વથી કહે છે,
"મને એક રાષ્ટ્રીય ચેમ્પિયનના શિક્ષક તરીકે જોવામાં આવે છે અને હું આવી જ રીતે લોકોને શીખવાડતી રહીશ."
જો આપની પાસે પણ કોઈ વ્યક્તિની રસપ્રદ સફરની વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો [email protected] પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે દ્વારા અમારી સાથે Facebook અને Twitter પર જોડાઓ...