ગ્રામીણ લોકોમાં ઉદ્યોગસાહસિકતાનો ફેલાવો કરશે EDIIની આ હાઈ-ટેક બસ
આપણા સૌનું જીવન સરળ બનાવતી ડિજીટલ દુનિયા વિશે વધુ ને વધુ ગ્રામીણ લોકો માહિતગાર થાય તે આશયથી ગાંધીનગર ખાતે આવેલી આન્ત્રપ્રેન્યોરશીપ ડેવલોપમેન્ટ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII)એ 'વર્લ્ડ ઓન વ્હીલ્સ' નામના અભિયાનની શરૂઆત કરી છે.
હાલ તો આ અભિયાનની શરૂઆત 5 બસો સાથે કરવામાં આવશે. આ બસ અલગ અલગ રાજ્યોમાં ડિજીટલ શિક્ષણનો ફેલાવો કરવા વિવિધ ગામોમાં ફરશે. મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, ઓડીશા અને આંધ્ર પ્રદેશ જેવા રાજ્યોમાં આ વર્લ્ડ ઓફ વ્હીલ્સ અભિયાનની શરૂઆત કરવામાં આવશે. આ બસો થકી કેન્દ્ર સરકારની 'ડિજીટલ ઇન્ડિયા', 'સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા' તેમજ વિવિધ પહેલને પ્રોત્સાહન મળે તે દિશામાં કામગીરી કરવામાં આવશે. આ અભિયાનનો મુખ્ય આશય ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોમાં ઉદ્યોગસાહસિકતાનું પ્રમાણ વધારવાનો છે.
EDIIના ડાયરેક્ટર ડૉ.સુનિલ શુક્લાએ આ પહેલ અંગે કહ્યું કે આગામી એક અઠવાડિયામાં મોબાઈલ કલાસીસની શરૂઆત કરવામાં આવશે. ઉદ્યોગસાહસિકતા, નાણાંકીય જ્ઞાન અને સરકારની વિવિધ પહેલ વિષે વધુ ને વધુ લોકો જાણે તેવા પ્રયાસો કરવામાં આવશે. તેમના જણાવ્યા પ્રમાણે બસો અલગ અલગ ગામડાંઓમાં ફરશે અને ચોક્કસ સમયગાળા માટે જે તે ગામોમાં રહેશે. ગ્રામજનોની જરૂરીયાત અને સગવડ પ્રમાણે આ બસોનો સમય નક્કી કરવામાં આવશે. જોકે આ બસો સાંજના સમયે ગામડાંઓમાં જશે જેથી મોટી સંખ્યામાં મહિલાઓ પણ આ અભિયાનમાં જોડાઈ શકે.
આ પહેલ થકી EDIIના પ્રયાસો રહેશે કે ડિજીટલ દુનિયાથી વંચિત લોકો ITના માધ્યમ થકી મુખ્ય પ્રવાહ સાથે જોડાય. પરિણામ સ્વરૂપ, લોકોને ફાયદો કરતી સરકારની વિવિધ યોજનાઓની જાણ વધુ ને વધુ લોકોને થશે જેથી તેમને પણ તેમના હક્કો અને અધિકારો વિશે જાણ થાય.
આ પ્રોજેક્ટ થકી, દર વર્ષે, દરેક બસ આશરે વાર્ષિક 3,500 લોકોને અસર કરશે જેમાં મુખ્યત્વે સ્કૂલના વિદ્યાર્થીઓ, યુવાનો અને મહિલાઓ પર ભાર મૂકવામાં આવશે. ડિજીટલ શિક્ષણની સાથે સાથે આ મોબાઈલ કલાસીસ થકી પાણી, સફાઈ, સ્વચ્છતા, વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જીનિયરીંગ, ગણિત, સ્વાસ્થ્ય અને પૌષ્ટિકતા અંગે પણ શિક્ષિત કરાશે.
આ દરેક બસમાં 20 સીટ હશે અને ગ્રીન એનર્જી દ્વારા તે કાર્ય કરશે. દરેક બસ ગ્રામીણ વિસ્તારોની ઓછામાં ઓછી 20 સ્કૂલ્સની મુલાકાત લેશે.