દીકરીની હટકે ફોટોગ્રાફી માટે જાણીતી બની આ ગુજરાતણ મમ્મી
ફોટોગ્રાફી એ રચનાત્મકતા અને કંઇક નવું કરવાના શોખને ઉજાગર કરે છે. ત્યારે આજે એક એવી મમ્મીને મળીએ જે તેની અલગ જ ફોટોગ્રાફીના કારણે ચર્ચામાં છે અને ઘણી લોકપ્રિયતા પણ મેળવી છે. આ મમ્મ્મી એટલે ક્રિંઝલ ચૌહાણ. અને ક્રિંઝલના રસપ્રદ ફોટોગ્રાફ્સની સીરીઝ એટલે 'Mommycreates'. આ સીરીઝ થકી ક્રિંઝલ પોતાની દીકરી શનાયાના એકથી એક ચડિયાતા ફોટોગ્રાફ્સ રજૂ કરે છે. ક્રિંઝલ અને તેની આ ફોટોગ્રાફીના શોખ વિશે વધુ જાણીએ એ પહેલા મેળવીએ તેમના ફોટોગ્રાફ્સની થોડી ઝલક...
ક્રિંઝલ રાજકોટની એક પ્રિ-સ્કૂલમાં ભણાવતા અને ત્યારબાદ મેલબોર્ન, ઓસ્ટ્રેલિયા સ્થાયી થયા જ્યાં તેઓ કેમ્બરવેલ જંકશન (પ્રિ-સ્કૂલ)માં જોડાયા. તેઓ આ અંગે કહે છે,
"મને બાળકોની આસપાસ રહેવાનું ખૂબ ગમે છે અને કદાચ બાળકોને પણ મારી કંપની પસંદ પડે છે. આમ તો મેં HRમાં MBA કરેલું છે પણ આર્ટ પ્રત્યેના લગાવ અને બાળકોના કારણે મેં મારી નોકરી છોડી."
પોતાની આ ક્રિએટિવ ફોટોગ્રાફી વિશે ક્રિંઝલ કહે છે,
"મને વિવિધ આર્ટ પ્રવૃત્તિઓનો પહેલેથી જ શોખ. હું શરૂઆતથી એ વસ્તુનું ધ્યાન રાખું કે મારી આસપાસની વસ્તુઓ સારી અને અલગ દેખાય. મેં મારા ઘરમાં પણ કેટલાક ચિત્રો બનાવ્યા છે. મને રંગો, સ્કેચ જેવી કળા પ્રત્યે પહેલેથી જ પ્રેમ."
ક્રિંઝલને આવી અલગ અને એકદમ ક્રિએટિવ ફોટોગ્રાફીની પ્રેરણા કેલિફોર્નિયાના એક કલાકાર Sioin Queenie Liao પાસેથી મળી જેમણે પોતાના બાળકની આ પ્રકારે યુનિક ફોટોગ્રાફી કરી હતી અને આ અંગે એક બૂક પણ બહાર પાડી હતી જેમાં આ પ્રકારના ફોટોગ્રાફ્સની વિગતો સ્ટેપ બાય સ્ટેપ આપવામાં આવી છે.
ક્રિંઝલની આ ફોટોગ્રાફીની ખાસિયત એ છે કે તેમાં માત્ર ઘરવપરાશની વસ્તુઓથી જ સીન તૈયાર કરવામાં આવે છે. પછી તે ચાદર હોય કે રમકડાં કે પછી વોર્ડરોબ કે રસોડાની કોઈ વસ્તુ. જોકે આ ફોટોગ્રાફી માટે સીન તૈયાર કરવામાં પણ ઘણો સમય ખર્ચાઈ જાય છે જે ઘણી મહેનત અને ધીરજનું કામ છે.
ક્રિંઝલને આવા સીન તૈયાર કરવામાં ઘણી મજા આવે છે. આ અંગે તે કહે છે,
"આમ તો શનાયાના જન્મ સમયથી જ અમારી પાસે સારો કેમેરા હતો પણ અમને નહતી ખબર કે તેનો આવો ઉપયોગ થશે."
શરૂઆતના થોડા ફોટોગ્રાફ્સ બાદ ક્રિંઝલને તેમના જ એક ઓળખીતાએ ફેસબુક પેજ બનાવવાનું કહ્યું અને તેમના પતિ હિમાંશુએ આ પેજનું નામ Mommycreates સૂચવ્યું.
જોકે આ પ્રકારની ક્રિએટિવ ફોટોગ્રાફીની સ્ટ્રેટેજી, બાળકની ઉંમર પ્રમાણે બદલવી પડે છે. શરૂઆતમાં, જ્યારે શનાયા વધારે ઊંઘતી ત્યારે ક્રિંઝલ સેટ પહેલેથી જ તૈયાર રાખતા અને અને જ્યારે દીકરી ઊંઘી જાય ત્યારે આ સેટ પર જરૂરી પોઝમાં મૂકી દેતા. જોકે તેમાં પણ પહેલી વારમાં જ પરફેક્ટ ફોટો નથી મળતો, તેના માટે ઘણાં ફોટોગ્રાફ્સ ક્લિક કરવા પડે છે. ક્રિંઝલ વધુમાં જણાવે છે,
"ઘણી વખત તો એવું પણ થાય કે હું પૂરતી ધીરજ અને સમય સાથે સેટ તૈયાર કરું અને શનાયા ઊંઘવાના બદલે એ સેટ બગાડી નાંખે. એ વાતમાં કોઈ શક નથી કે આ ખૂબ જ ધીરજનું કામ છે. જોકે એક બેસ્ટ ક્લિક મેળવવામાં ભલે ગમે તેટલી વાર લાગે, પણ આખરે તમને જોઈતો હોય તે ફોટો મળી જાય ત્યારબાદ બધી જ મહેનત ફાળે ગઈ હોય તેવું લાગે. અને તે ખુશીની લાગણી અનેરી જ હોય છે."
જો આપની પાસે પણ કોઈ વ્યક્તિની રસપ્રદ સફરની વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો [email protected] પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે દ્વારા અમારી સાથે Facebook અને Twitter પર જોડાઓ...